IPLનો ફાયદો જોવા થર્ડ અમ્પાયર જેવી સૂઝ જરૂરી

કોરોના કાળમાં પણ IPL ખેલાય તેનો ‘આંધળો’ વિરોધ વધુ નુકસાનદાયી છે

કોરોનાના કહેર વચ્ચે દેશભરના ક્રિકેટરસિયા જેની આતુરતાથી રાહ જોતા હોય છે એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફરી શરૂ થઈ ગઈ છે. મોદી સરકારે આઈપીએલને ભારતમાં યોજવાની મંજૂરી આપી દીધી એવી વાતો પણ થઈ રહી છે. મોદી સરકાર આઈપીએલને ભારતમાં યોજવાની મંજૂરી આપીને આગ સાથે રમત કરી રહી છે ને લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે એવી વાતો પણ થઈ રહી છે. યોગાનુયોગ ગયા મહિને પૂરી થયેલી ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ પછી ગુજરાત સહિત બધે કોરોનાના કેસ થોકબંધ વધ્યા છે તેથી આઈપીએલનો વિરોધ કરવા માટે વધુ એક કારણ મળ્યું છે. આઈપીએલ રમાડવી જ હોય તો ગયા વર્ષની જેમ આ વરસે પણ ભારત બહાર રમાડોને એવી વાતો પણ થઈ રહી છે.
પહેલી નજરે આ દલીલ સાચી લાગે ને આઈપીએલ રમાડવા સામે વિરોધ કરનારાઓનો વિરોધ વ્યાજબી લાગે પણ
વાસ્તવિક રીતે વિચારીએ તો આ દલીલમાં દમ નથી. તેનું કારણ એ કે આ વખતની આઈપીએલ દર વખતની જેમ ગ્રાન્ડ શો નથી, પણ એક ક્રિકેટ ટુર્નામેન્ટ જ છે. સામાન્ય સંજોગોમાં આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટ્સમાં દરેક મેચમાં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો ઊમટી પડે છે ને હૈયેહૈયું દળાય એવી ભીડ જામે છે. લોકો એકબીજાના સંપર્કમાં આવે છે તેથી કોરોનાનો ચેપ લાગવાનો ખતરો વધે એ વાત સાચી છે, પણ આ ખતરો લોકો મોટી સંખ્યામાં ભેગા થાય તો રહે છે. આ વખતે એવો ખતરો નથી, કેમ કે આ વખતની આઈપીએલમાં સ્ટેડિયમમાં પ્રેક્ષકો જ હાજર નહીં હોય. સાવ ખાલી સ્ટેડિયમોમાં મેચો રમાશે તેથી એકબીજાને અડકીને ચેપ લાગવાનો ખતરો જ નહીં રહે.
આઈપીએલ જેવી સ્પર્ધાઓમાં ટીમો એક સ્થળેથી બીજા સ્થળે આવજા કરે ને બધાને મળે તેના કારણે કોરોનાનો ચેપ લાગવાનો ખતરો હોય છે. આ ખતરો ઘટાડવા માટે બોર્ડે આખો કાર્યક્રમ બદલી નાખ્યો છે.
પહેલાં ઘણાં શહેરોમાં આ મેચો રમાવાની હતી, પણ તેના બદલે હવે અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, દિલ્હી ને કોલકાતા એ છ શહેરોમાં જ બધી મેચો રમાશે. આ કારણે આ ખતરો પણ ઘટી જશે. પ્લે-ઓફની ફાઈનલ સહિતની ચારેય મેચ અમદાવાદમાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે તેથી ટીમોએ બહુ પ્રવાસ નહીં કરવો પડે. તેના કારણે પણ ચેપ લાગવાનો ખતરો ઘટશે.
આઈપીએલમાં કોરોનાનો ચેપ ઘટાડવા માટે બીજાં પણ પગલાં
લેવાયાં છે. કોઈ પણ ક્રિકેટ મેચ સાથે મેચ રમનારી બે ટીમના 22 ખેલાડી સિવાય મોટા પ્રમાણમાં કોચિંગ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ, સિક્યોરિટી, હોટેલ સ્ટાફ, મીડિયા, બ્રોડકાસ્ટ ટીમ સહિતના લોકો મોટા પ્રમાણમાં હોય છે. આ લોકોના કારણે કોરોનાનો ચેપ ન ફેલાય એટલે બોર્ડે આઈપીએલની સીઝન ન પતે ત્યાં લગી આઈપીએલ સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ ઘરે ન જાય એવો પાકો બંદોબસ્ત કર્યો જ છે. કોઈ વ્યક્તિ બહાર જાય નહીં ને બીજા કોઈના સંપર્કમાં આવે નહીં તેથી કોરોના ફેલાય નહીં. મીડિયા અને બહારના લોકો આ વ્યક્તિઓના સંપર્કમાં આવે નહીં એટલા માટે તેમના માટે બાયો-બબલ પ્રોટોકોલ બનાવાયો છે ને તેનું પાકે પાયે પાલન થાયતેવી વ્યવસ્થા પણ કરાઈ છે. જોકે એવી દલીલ પણ થઈ રહી છે કે આ બધું કરવા છતાં આઈપીએલમાં રમનારા ઘણા ક્રિકેટરોને ચેપ લાગ્યો જ છેને? વાત સાચી છે પણ સાથે એ વાત પણ સાચી છે કે આ ક્રિકેટરોને આઈપીએલના કારણ
ચેપ નથી લાગ્યો, પણ બહારથી ચેપ લઈને આવ્યા છે. જેમને ચેપ લાગ્યો છે તેમાં એવા કોઈ ખેલાડી નથી કે જે ભારત માટે મેચ રમ્યા હોય ને તેમાંથી કોરોનાનો ચેપ લઈને આવ્યા હોય.

કોરોના પાછળ ક્રિકેટ નહીં ઘરેલૂં તાયફા જવાબદાર
આપણે ત્યાં કોઈ પણ મુદ્દે વિરોધ કરવાની ફેશન થઈ ગઈ છે ને આઈપીએલ પણ તેની ઝપેટમાં આવી ગઈ છે. આ માનસિકતા આપણે બદલવી જોઈએ. લોકોએ સમજવું જોઈએ કે કોરોના ક્રિકેટ
મેચના કારણે નથી ફેલાતો પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નહીં કરવાથી ફેલાય છે. આઈપીએલમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ થવાની શક્યતા બહુ ઓછી છે. આ દેશમાં કોરોનાકાળમાં પણ લોકો ચૂંટણી, લગ્નો, ધાર્મિક કાર્યક્રમો સહિતના તાયફા કરીને સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી કરી ચૂક્યા છે ને અત્યારે કોરોનાના કેસ વધ્યા તેના મૂળમાં આ બધું છે. જેમણે પણ આ તાયફા કર્યા પણ લોકો તેનાથી દૂર રહ્યા હોત તો કોરોના ન વકર્યો હોત. હજુ પણ લોકો આ વાત સમજે તો કોરોના નહીં વકરે. લોકોએ બીજી પણ એક વાત સમજવાની જરૂર છે. આર્થિક પ્રવૃત્તિ તો ચાલુ રાખવી જ પડે. સાવ બધું બંધ કરીને ન બેસી શકાય. આઈપીએલ મનોરંજન નથી, પણ આર્થિક પ્રવૃત્તિ છે તેથી એ સાવ બંધ ન કરાય, પરંતુ તેમાં સતર્કતા ચોક્કસ રખાય.

IPL અર્થતંત્ર માટે પણ સૂપર લીગ છે
આઈપીએલ રમાડવા સામે વિરોધ કરનારાએ બીજી પણ એક વાત સમજવાની જરૂર છે. આઈપીએલ ક્રિકેટચાહકો માટે મનોરંજન છે એ કબૂલ, પણ બધા માટે મનોરંજન નથી. બલકે આ દેશમાં બહુ મોટો વર્ગ એવો છે કે જેનાં ઘર આઈપીએલના કારણે ચાલે છે. સ્ટેડિયમોનો સ્ટાફ, સિક્યોરિટી સ્ટાફ, હોટેલ સ્ટાફ વગેરે ઘણા લોકો એવા છે કે જેમને ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવા છતાં રોજગારી મળશે, તેમનાં ઘર ચાલશે. કોરોનાના કપરા કાળમાં લોકોને કમાણીનાં ફાંફાં છે ને રોજગારી જઈ રહી છે ત્યારે આઈપીએલના કારણે નાના પ્રમાણમાં તો નાના પ્રમાણમાં રોજગારી મળશે એ મોટી વાત છે. આઈપીએલ દેશના અર્થતંત્ર માટે પણ ફાયદાકારક છે. ગયા વરસે આઈપીએલ બહાર રમાઈ તેના કારણે દેશને મોટો ફટકો પડેલો. જે શહેરોમાં મેચો રમાવાની હતી તે શહેરોના સીધા રોજગારી મેળવનારા તમામ લોકોએ તો નવરા બેસી રહેવું પડેલું ને કમાણીથી હાથ ધોવા પડેલા જ, પરંતુ સરકારે પણ કરવેરાની કમાણીથી હાથ ધોવા પડેલા. લોકડાઉનના કારણે ફટકો પડેલો ત્યાં આ ફટકો આપણા અર્થતંત્ર માટે દુકાળમાં અધિક માસ સાબિત થયેલો. આ વખતે થોડી તો થોડી પણ સરકારને ટેક્સની આવક થશે, લોકોને રોજગારી થશે ને કમાણી થશે. લોકોને અને ખાસ તો યુવાનોને પણ ઘેર બેઠાં મનોરંજન મળશે તેથી બહાર નીકળીને પાનના ગલ્લે ઊભા રહીને તાકા નહીં ફાડે ને નકામી ભીડ નહીં કરે. તેના કારણે ચેપ લાગવાનો ખતરો ઘટશે.

રિલેટેડ ન્યૂઝ