પાકિસ્તાનીઓની સંપત્તિ વેંચી 1 લાખ કરોડ કમાશે હિન્દુસ્તાન

અમિત શાહની અધ્યક્ષતામાં વહીવટી સમિતિ કરશે કારોબાર
નવી દિલ્હી તા.24
કેન્દ્ર સરકાર દેશમાં દુશ્મન દેશની સંપત્તિ વેચવાની તૈયારી કરી રહી છે. દેશમાં કુલ 9,400 આવી સંપત્તિ છે અને તેને વેચીને સરકાર રૂ. 1 લાખ કરોડની કમાણી કરશે એવી ધારણા છે. સરકારે દુશ્મનોની સંપત્તિ વેચવા ત્રણ ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે, જેની અધ્યક્ષતા

ખુદ ગૃહ મંત્રી અમિત શાહ કરશે. આ સમિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારામન અને પરિવહન મંત્રી નીતીન ગડકરી પણ સામેલ છે. એક સમિતિ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં પણ બનાવાઈ છે, જ્યારે બીજી સમિતિના અધ્યક્ષ ગૃહ સચિવ અજય ભલ્લા છે. ગૃહ મંત્રાલયે આદેશમાં કહ્યું છે કે, શત્રુ સંપત્તિ અધિનિયમ હેઠળ આ નિર્ણય લેવાયો છે. આ સંપત્તિ એ લોકોએ ત્યાગી દીધી છે, જેમણે પાકિસ્તાન કે ચીનનું નાગરિકત્વ લઈ લીધું છે.


સૌથી વધુ 4,991 સંપત્તિ ઉત્તર પ્રદેશમાં
દેશમાં પાકિસ્તાનના નાગરિકોની 9,280 અને ચીનના નાગરિકોની 126 સંપત્તિ છે. પાકિસ્તાનના નાગરિકોની સૌથી વધુ 4,991 સંપત્તિ ઉત્તર પ્રદેશમાં છે. ત્યાર પછી 2,735 સંપત્તિ પશ્ચિમ બંગાળ અને ત્યાર પછી 487 દિલ્હીમાં છે. આ ઉપરાંત ચીની નાગરિકોએ છોડેલી સૌથી વધુ 57 સંપત્તિ મેઘાલયમાં છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં 29 અને આસામમાં સાત છે.

રિલેટેડ ન્યૂઝ