તિહાર જેલ તંત્રએ 2 જલ્લાદ મગાવ્યા

‘નિર્ભયા’ના ગુનેગારોને ફાંસીનું કાઉન્ટ ડાઉન શરૂ
લખનઊ તા.13
નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના આરોપીઓને ટૂંક સમયમાં ફાંસીની સજા આપવામાં આવશે એવી અટકળો વચ્ચે દિલ્હીની તિહાર જેલે ઉત્તર પ્રદેશ પાસે બે જલ્લાદોની માગણી કરી છે.
ઉત્તર પ્રદેશના જેલ ખાતાના એડીજી આનંદકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમનો જેલવિભાગ બે જલ્લાદને મોકલવા તૈયાર છે.
તિહાર જેલના જે કેદીઓને દેહાંતદંડની સજા આપવામાં આવી છે અને જેની પાસે કોઇ બંધારણીય કે કાનૂની ઉપાય બચ્યા નથી એ લોકોને સજા કરવા માટે તિહારજેલમાં જલ્લાદ નથી. તિહાર જેલના સત્તાવાળાઓને

ખબર છે કે યુપી પાસે બે જલ્લાદ છે અને તેઓ ટૂંકા ગાળાની નોટિસ પર હાજર થઇ શકે છે. તિહાર જેલના અધિકારીઓ પાસેથી આ અંગે 9 ડિસેમ્બરના રોજ ફેક્સ મળ્યો છે. જોકે, આ પત્રમાં કોઇને ફાંસી આપવાની છે એવું કંઇ જણાવવામાં આવ્યું નથી. તેમાં ફક્ત એમ જણાવવામાં આવ્યું છે કે જલ્લાદની જરૂરિયાત ઊભી થઇ શકે છે. કેટલાક ગુનેગારોને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી છે અને તેમની પાસે હવે કોઇ કાનૂની કે બંધારણીય ઉપાય બચ્યા નથી, એમ આનંદકુમારે જણાવ્યું હતું.
નિર્ભયા કેસના ચાર આરોપી પવન ગુપ્તા, અક્ષય ઠાકુર, મુકેશ સિંહ અને વિનય શર્માને દેહાંતદંડની સજા કરવામાં આવી એને બે વર્ષ થઇ ગયા છે.
યુપી પ્રશાસન પાસે બે જલ્લાદ છે. એક લખનઊની જેલમાં છે અને એક મેરઠની જેલમાં છે.
દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012ના રોજ છ વ્યક્તિએ ચાલતી બસમાં 23 વર્ષીય પેરામેડિકલ વિદ્યાર્થિની નિર્ભયા જ્યારે તેના ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેના પર ભયંકર ગેંગરેપ કર્યો હતો અને બાદમાં તેને હત્યા કરી ચાલતી બસની બહાર ફેંકી દીધી હતી. તેને સારવાર માટે સિંગાપોર લઇ જવામાં આવી હતી, પરંતુ તેનું મૃત્યુ થયું હતું.
આ ગેંગરેપના વિરોધમાં દેશભરમાં જુવાળ ઊઠ્યો હતો અને સરકારને પણ બળાત્કારના કાયદા સખત બનાવવાની ફરજ પડી હતી.
નિર્ભયા કાંડના છ આરોપીમાંથી એક સગીર હોવાથી તેને બાળસુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. અન્ય એક આરોપી રામસિંહે તિહાર જેલમાં આત્મહત્યા કરી હતી. બાકીના ચાર આરોપી તેમની સજાની રાહ જોઇ રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ