દ્રવી ઉઠેલો જલ્લાદ ફાંસી આપવા તૈયાર

નવી દિલ્હી તા.4
હૈદરાબાદના દિશા રેપ કેસની વાત હોય કે પછી દિલ્હીનો નિર્ભયા કાંડ. આવા હચમચાવી દેતા મામલાને ઘેરબેઠા ન રોકી શકાય. આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી પરંતુ ખૂંખાર અપરાધીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદના વિચારો છે. તેણે કહ્યું, આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી છે કે જેટલી જલ્દી બની શકે નિર્ભયાના ગુનેગારોને ફાંસી પર લટકાવી દો. દિશાના હત્યારાઓને જલ્દી ગુનેગાર જાહેર કરી દો.
તેમણે કહ્યું, દેશમાં નિર્ભયા અને દિશા કાંડ આપોઆપ બંધ થઈ જશે. જ્યાં સુધી આવા ક્રૂર લોકોને મોતને ઘાટ નહિ ઉતારવામાં આવે, ત્યાં સુધી બાકી બચેલા ક્રૂર લોકોમાં ભય કેવી રીતે પેદા થશે? હાલ મેરઠમાં પેઢી દર પેઢીથી જલ્લાદનું કામ કરતા આવતા પવને મોડી રાત્રે ફોન પર વાતચીતમાં હૃદયનો ઊભરો ઠાલવ્યો હતો. પવને કહ્યું, નિર્ભયાના હત્યારાને સરકાર લટકાવી ચૂકી હોત તો કદાચ હૈદરાબાદની નિર્દોષ દિશા મોતના મુખમાંથી બચી ગઈ હોત. નિર્ભયાના હત્યારાને કેમ તિહાર જેલમાં પાળવા-પોષવામાં આવી રહ્યા છે? નિર્ભયા કાંડના ગુનેગાર હોય કે પછી દિશાના હત્યારા, જ્યાં સુધી તેમનો ઈલાજ ઉતાવળે નહિ કરવામાં આવે, સમાજમાં મુસીબતો યથાવત જ રહેશે.
પવને એમ પણ કહ્યું, હું તો એકદમ તૈયાર બેઠો છું, નિર્ભયાના ગુનેગારોને ડેથ વોરંટ મળે તો તરત તિહાર જેલ પહોંચું. મને ગુનેગારોને ફાંસીના માંચડે લટકાવવામાં ફક્ત બેથી ત્રણ દિવસનો સમય જોઈએ છે. ટ્રાયલ કરીશ અને અદાલતના ડેથ વોરંટને અમલમાં મૂકી દઈશ.,પોતાની જાતને ખાનદાની જલ્લાદ ગણાવતા પવને કહ્યું, મને આમાં શરમ નથી આવતી. મારા પરદાદા લક્ષ્મણ જલ્લાદ, દાદા કાલુ રામ જલ્લાદ, પિતા મમ્મુ જલ્લાદ હતા. મતલબ હું જલ્લાદના ખાનદાની વ્યવસાયમાં ચોથી પેઢીનો એકમાત્ર જલ્લાદ છું. પવને પહેલી ફાંસી દાદા કાલુરામ જલ્લાદ સાથે પટિયાલા સેન્ટ્રલ જેલમાં બે ભાઈઓને આપી હતી.
દાદા સાથે અત્યાર સુધી જીવનમાં પાંચ ખૂંખાર ગુનેગારોને ફાંસીના માંચડે લટકાવનાર પવનના જણાવ્યા અનુસાર, પહેલી ફાંસી દાદા કાલુ રામ સાથે પટિયાલા સેન્ટ્રલ જેલમાં બે ભાઈઓને આપી હતી. એ સમયે મારી ઉંમર ફક્ત 20-22 વર્ષ હતી. હવે હું 58 વર્ષનો થઈ ગયો છું.પવનના દાવા અનુસાર તેણે છેલ્લી ફાંસી દાદા કાલુરામ સાથે બુલંદશહેરના દુષ્કર્મ અને હત્યાના આરોપીને 1988માં આપી હતી.

એ ફાંસી આગ્રા સેન્ટ્રલ જેલમાં આપી હતી. એ પહેલા જયપુર અને અલહાબાદની નૈની જેલમાં બે લોકોને લટકાવવા તે દાદા સાથે ગયો હતો.
પવને કહ્યું, ગુનેગારોને પાળીને રાખવા એ નવા ગુનેગારોને જન્મ આપવાનો મોકો આપે છે. પવનના જણાવ્યા અનુસાર અત્યારે તેમનું જીવન ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મળતી 5000 રૂપિયાની સેલેરી પર જેમ તેમ ચાલે છે. આ રૂપિયા દર મહિને મેરઠ જેલમાંથી મળી જાય છે.

રિલેટેડ ન્યૂઝ