‘ગૂગલ’ના સર્વેસર્વા પદ પર ભારતીય ‘સુંદર’તા!

નવી દિલ્હી તા.4
ગૂગલના સહ-સંસ્થાપકો લેરી પેજ અને સર્ગેય બ્રિનએ પેરેન્ટ કંપની આલ્ફાબેટમાંથી પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. જેથી ભારતીય મૂળના સુંદર પિચાઇ હવે ગૂગલની સાથે-સાથે આલ્ફાબેટના પણ સીઇઓ બન્યા છે. કોઇપણ ભારતીય કે ભારતીય મૂળના વ્યક્તિ માટે આ ગૌરવની ક્ષણ છે. બ્રિન અને પેજએ પોતાના રાજીનામા અંગે ગૂગલ બ્લોગ પોસ્ટમાં જણાવ્યુ હતું કે, કંપનીની સ્થાપનાને 21 વર્ષ થયા છે, જો તે કોઇ માણસ હોત તો આજે પુખ્ત વયનો હોત. હવે તેણે મૂળ છોડી આગળ વધવાનો સમય છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાને ગુગલ ક્રોમ, ગુગલ ડ્રાઇવ અને એન્ડ્રોઇડને ગુગલ સાથે જોડવાનો શ્રેય પણ સુંદર પિચાઇને જાય છે.
સુંદર પિચાઇ છે કોણ?
તમિલનાડુના મદુરાઈમાં જન્મેલા સુંદર પિચાઈની સફળતા યુવાઓને પ્રેરણા આપનારી છે. ભારતમાં આઇઆઇટી ખરગપુરમાં મેટલર્જીકેલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ અમેરિકામાં એમબીએ કરવા ગયેલા સુંદર પિચાઈ 2004માં ગૂગલ કંપનીમાં પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ઇનોવેશન વિભાગના પ્રમુખ તરીકે જોડાયા હતા ત્યારબાદ ઉત્તરોતર પ્રગતિ થકી આજે એ જ વિશ્વવિખ્યાત ગૂગલ કંપનીના સર્વેસર્વા એટલે કે સીઇઓ બની ગયા.
પગાર જાણી મીંડા ગણશો!
ઓક્ટોબર 2015માં સુંદર પિચાઈ ગૂગલના સીઇઓ બન્યા હતા તેમજ ગૂગલ સાથે સાથે પાર્ટનર કંપનીઓ આલ્ફાબેટ, કેપિટલજી, મેજીક લીપના બોર્ડ મેમ્બર બન્યા હતા. 2016ના આંકડા મુજબ સુંદર પિચાઈનો પગાર 199.7 મિલિયન ડોલર (અંદાજે રૂ.1381 કરોડ) હતો. પિચાઇને 2018મા 47 કરોડ ડોલર (અંદાજે 3337 કરોડ રૂપિયા) મળતા હતા. તેમાં તેમના તમામ પ્રકારના ભથ્થા સામેલ હતા. ફોકસ ન્યૂઝના મતે સપ્તાબમાં સુંદર જો 40 કલાક કામ કરે છે તો એવામાં તેમનો પગાર એક કલાકનો 225961 ડોલર (અંદાજે 1.60 કરોડ રૂપિયા) બેસે છે. સુંદર પિચાઇ સિવાય કેટલાય ભારતીય મૂળના લોકો છે જે દુનિયાની પ્રતિષ્ઠિત કંપનીઓમાં મોટા પદ પર કામ કરી રહ્યા છે ત્યારે એક ભારતીય તરીકે આપણને સૌ ને ગર્વ અપાવનારું છે અને પ્રેરણાદાયી છે.

રિલેટેડ ન્યૂઝ