‘સર’ બ્રેડમેનનો રેકોર્ડ સર કરતો શર્મા

રાંચી તા.21
ભારતીય ઓપનર રોહિત શર્માએ ઘરેલૂ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ એવરેજના મામલામાં રવિવારે દિગ્ગજ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સર ડોન બ્રેડમેનને પછાડી દીધા છે. ભારત અને આફ્રિકા વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે તેણે આ સિદ્ધી હાસિલ કરી હતી.
તેણે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડોન બ્રેડમેનના 71 વર્ષ જૂના રેકોર્ડને તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજની ઘરેલૂ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં એવરેજ 98.22ની હતી પરંતુ રોહિત હવે આ મામલામાં આગળ નિકળી ગયો છે. ટેસ્ટમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકાર્યા બાદ રોહિતની ઘરેલૂ મેદાન પર ટેસ્ટ એવરેજ હવે 99.84ની થઈ ગઈ છે. આ રેકોર્ડ માટે ઓછામાં ઓછી 10 ટેસ્ટ ઈનિંગને માપદંડ માનવામાં આવ્યો છે. રોહિતે કોઈપણ દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. રોહિત બીજા દિવસે 212 રન બનાવી આઉટ થયો હતો. તેણે 255 બોલની ઈનિંગમાં 28 ચોગ્ગા, છ છગ્ગા ફટકાર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ