ભારત-પાક. વિશે ઓબામાનો બુક-બ્લાસ્ટ

પાક. સેનાના ઉચ્ચ અધિકારીઓ અલકાયદા સાથે સાંઠગાંઠમાં હતા એટલે લાદેનનું ઓપરેશન પાક.થી ‘છાનું’ રાખ્યું હતું

ભારતના ઉદ્યોગપતિઓ રાજા-મહારાજાઓને ઈર્ષ્યા થાય એવું જીવન જીવે છે

બરાક ઓબામાએ પુસ્તકમાં લખ્યું છે કે અબોટાબાદ ખાતે બિન લાદેનના બંગલામાં કમાન્ડો ઉતારી વિડિયો રેકોર્ડિંગ કરવાનો નિર્ણય બહુ કપરો હતો. લાદેનને નશ્યત કરવા અમે અનેક વિકલ્પો વિચાર્યા હતા, પરંતુ પાકિસ્તાનને અંધારામાં રાખવું જ પડશે એ વિશે અમે નિશ્ચિત હતા. ઓપરેશન પાર પડ્યા બાદ આસિફ અલી ઝરદારી સાથેની ફોન પરની વાતચીત મારા માટે બહુ મુશ્કેલ ઘડી હતી.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા હાલ તેમના આગામી પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડને લીધે ચર્ચામાં છે. આ પુસ્તકમાં તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન લીધેલી વિવિધ દેશોની મુલાકાતો, નેતાઓ તેમજ અન્ય સંસ્મરણો વાગોળ્યા છે. આ પુસ્તકમાં તેમણે ઓસામા બિન લાદેનને નશ્યત કરવા માટે પાકિસ્તાનના અબોટાબાદ ખાતે કરેલ એર સ્ટ્રાઈકના નિર્ણય વિશે પણ વિગતે કહ્યું છે. તેમણે લખ્યું છે કે, પાકિસ્તાન સૈન્યના ઉચ્ચ અધિકારીઓની બિન લાદેન સાથેની સાંઠગાંઠ ઓપન સિક્રેટ હતી. એટલે જ અમે પાકિસ્તાન સરકારને અંધારામાં રાખીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.
પુસ્તકમાં ઓબામાએ કહ્યા પ્રમાણે, લાદેનનું પગેરું
દબાવવાના પ્રયાસો અમે સતત જારી રાખ્યા હતા. અબોટાબાદમાં તેનું ઠેકાણું મળ્યા પછી પણ ખાતરી કરવા માટે અમે અલગ અલગ ચાર પદ્ધતિ અજમાવી હતી. એ પછી તેને ઠાર કરવા માટે વિવિધ વિકલ્પો ચેક કરવા અને યોગ્ય વિકલ્પ પસંદ કરવો એ અમારા માટે સૌથી મોટો પડકાર હતો. લાદેનને ઠાર કરવો, જીવતો પકડી લાવવો, પાકિસ્તાનને તેની સામે એક્શન લેવા કહેવું સહિત અમે અનેક વિકલ્પો ચકાસ્યા બાદ ઓપરેશન જેરોનિમોને અંજામ આપવાનો નિર્ણય લીધો હતો.
ઓબામાએ કહ્યા પ્રમાણે, અમને એ બરાબર ખબર હતી કે અમારા આયોજનની જરાક સરખી ગંધ પણ કોઈને આવી જશે તો એ ઓપરેશન નિષ્ફળ જશે. પાકિસ્તાન સરકારને પણ અંધારામાં જ રાખવી પડશે એવું
તમામ ગુપ્તચર એજન્સીએ અમને કહ્યું હતું. કારણ કે એ દરેકના અહેવાલો મુજબ પાક. સૈન્યના ઉચ્ચ અધિકારીઓ અલ કાયદા સાથે સીધી સાંઠગાંઠ ધરાવતા હતા. આથી પાકિસ્તાન સરકારને પણ ખબર ન પડે એ રીતે અમે આયોજન કરવા મજબૂર હતા.
પાકિસ્તાન સરકારે આતંકવાદ સામેના અમારા અભિયાનને બહુ મક્કમતાથી ટેકો આપ્યો હતો અને સેઈફ પેસેજ આપવા ઉપરાંત પોતાની ભૂમિ પરથી શક્ય તમામ સહાય કરી હતી. પરંતુ બિન લાદેન સામેના
ઓપરેશનમાં અમે તેમને જાણ કરી શકીએ તેમ ન હતા.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં ભારતીય ઉદ્યોગપતિઓ પર નિશાનો સાધતા કહ્યું છે કે તેમણે ઠાઠ-માઠમાં મુગલો અને રાજાઓનેપણ પાછળ છોડી દીધા છે. જ્યારે દેશમાં લાખો લોકો બેઘર છે. અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ રહેલા બરાક ઓબામાએ હાલમાં જ પોતાનું પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથેની પોતાની
મુલાકાત અને અનૌપચારિક વાતચીત અંગે વાત કરતા ભારતીય ઉદ્યોગપતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સહયોગીઓ વગર થયેલી વાતચીત દરમિયાન મનમોહન સિંહે તેમને કહ્યું હતું કે, અનિશ્ચિતતા ભરેલા સમયમાં રાષ્ટ્રપતિ મહોદય ધાર્મિક અને જાતીય એકજૂટતાનું આહવાન બહેકાવનારું હોઈ શકે છે અને ભારતમાં અથવા કશે પણ રાજનેતાઓ માટે આવી વાત કરવી કોઈ કઠિન કામ નથી.
ઓબામાએ લખ્યું છે
કે, દેશભરમાં લાખો લોકો ગંદકી અને ગરીબીમાં જીવી રહ્યા છે. અકાળગ્રસ્ત ગામો અને ખરાબ વસ્તીમાં જીવન ગુજારી રહ્યા છે. તેવામાં ભારતના ઉદ્યોગ મહારથીઓ એવું જીવન જીવી રહ્યા છે જેને જોઈને કોઈ રાજા અને મહારાજાઓને પણ ઈર્ષ્યા થઈ જાય.

બરાક ઓબામાંએ બાળપણમાં ‘રામાયણ-મહાભારત’ સાંભળ્યા હતા
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના મતે ભારત તેમના દિલની ખૂબ નજીક છે. ઓબામાએ તેમના પુસ્તક એ પ્રોમિસ્ડ લેન્ડમાં લખ્યું છે કે તેમણે બાળપણમાં ઘણાં વર્ષો ઇન્ડોનેશિયામાં વિતાવ્યાં અને ત્યાં રામાયણ તથા મહાભારતને લગતી ઘણી વાર્તાઓ સાંભળી હતી. ઓબામા લખે છે- ભારત વિશે મારી કલ્પના હતી, સપનાં હતાં, પરંતુ ત્યાં જવાની તક 2010માં રાષ્ટ્રપતિ તરીકે મળી હતી. ઓબામાએ લખ્યું છે કે- ભારત માટે મારા દિલમાં ખાસ જગ્યા છે. મેં બાળપણમાં ઇન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારત સાથે જોડાયેલી વાર્તાઓ સાંભળી હતી. આ લગાવ લગભગ એટલા માટે પણ છે, કેમ કે ભારત ખૂબ જ મોટો દેશ છે. દુનિયાની કુલ વસતિનો છઠ્ઠો ભાગ અહીં રહે છે. બે હજારથી વધુ જનજાતિઓ છે અને સાતસો કરતાં પણ વધુ ભાષાઓ બોલવામાં આવે છે.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ 2010ના ભારત પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે. એ પ્રવાસને યાદગાર ગણાવ્યો છે અને કહ્યું કે તેમણે ભારત પ્રવાસની તક ખૂબ જ મોડી મળી હતી. ઓબામા લખે છે કે કલ્પનામાં ભારત માટે ખાસ જગ્યા છે, પણ ત્યાં જવાની તક રાષ્ટ્રપતિ બન્યા બાદ જ મળી શકી. કોલેજના દિવસોમાં ભારત અને પાકિસ્તાનના ઘણા મિત્રો હતા. તેઓ મને કહેતા હતા કે દાળનો ખીમો કેવી રીતે બને છે. તેમણે મને બોલિવૂડ ફિલ્મો પણ બતાવી હતી.

રિલેટેડ ન્યૂઝ