દીપિકા, અનુરાગ, દિયા, ભણશાલીને ‘ભાજપ દ્રોહ’ નડ્યો?

ફિલ્મસ્ટારના ભેદી મોતની સાઈડ ઈફેક્ટ સમા ડ્રગ્સકાંડની વધુ એક સાઇડ ઇફેક્ટ એટલે પોલિટિક્લ એંગલ!

સુશાંત આત્મહત્યા કેસની તપાસ હવે ડ્રગ્ઝ તરફ ફંટાઈ ચૂકી છે અને નિતનવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે, ત્યારે હાલ ખૂલી રહેલાં નામો પૈકી મોટા ભાગની સેલિબ્રિટી કોઈક ને કોઈક તબક્કે સત્તાધારી ભાજપ સામે શિંગડાં ભરાવી ચૂક્યાં છે. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, દિયા મિર્ઝા, સંજય લીલા ભણસાલી સહિતનાં સેલિબ્રિટી વિવિધ કારણોથી વિવાદમાં સપડાઈ ચૂક્યાં છે. વિખ્યાત ફિલ્મ-નિર્દેશક અનુરાગ કશ્યપ સામે પણ હાલમાં દુષ્કર્મ અને છેડતી જેવા ગંભીર આક્ષેપો અંગે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે અને ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. આ દરેક નામો ભલે અલગ હોય, પરંતુ એ દરેકને એકસૂત્રે સાંકળતી કડી એ છે કે આ દરેક સેલિબ્રિટી કોઈ ને કોઈ સમયે ભાજપવિરોધી વલણ દાખવી ચૂક્યાં છે અને હાલ એ દરેક પર કાનૂની શિકંજો બહુ મજબૂતીથી કસાઈ રહ્યો છે. શું આ યોગાનુયોગ છે કે પછી સત્તાની સામે પડવા બદલ કિન્નાખોરી થઈ રહી છે?
બોલિવૂડની આ ટોચની એક્ટ્રેસનું નામ ડ્રગ્ઝ કેસમાં ખૂલ્યા પછી
ખળભળાટ મચી ચૂક્યો છે. જયા સાહા અને કરિશ્મા પ્રકાશ સાથેનાં તથાકથિત ચેટમાં દીપિકાએ માલ વિશે પૃચ્છા કરી હોવાનું કહેવાય છે. દીપિકા અગાઉ જેએનયુ મુદ્દે ચર્ચામાં આવી ચૂકી છે. 7 જાન્યુઆરી, 2020ના રોજ જેએનયુ ખાતે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે અચાનક દીપિકાએ હાજરી આપી હતી. એ ત્યાં કશું બોલી ન હતી, પરંતુ તેની હાજરી વિદ્યાર્થીઓની માગણીના સમર્થનની સૂચક ગણાઈ હતી. આ અંગે દીપિકા પર ભારે પસ્તાળ પડી હતી, પરંતુ દીપિકાએ પોતે શા માટે ત્યાં ઉપસ્થિત રહી એ વિશે કશો ફોડ પાડ્યો ન હતો.
ફિલ્મ પદ્માવતમાં મુસ્લિમ આક્રમક અલાઉદ્દીન ખિલજીની તરફદારી કરવાના આરોપસર કરણીસેનાના આક્રોશનુંનિશાન બનેલા સંજય લીલા ભણસાલીની હિન્દુવિરોધી છબિ ઉપસાવવામાં આવી છે. અગાઉ બાજીરાવ મસ્તાની ફિલ્મમાં પણ તેમણે કરેલા ચિત્રણ અંગે પેશ્વાના અને મસ્તાનીના વારસદારોએ સંયુક્ત પત્રકાર પરિષદ કરીને
ફિલ્મનો વિરોધ કર્યો હતો.
યંગ એક્ટ્રેસ સારા પોતે આ પહેલાં કોઈ ગંભીર વિવાદમાં સપડાયેલી નથી, પરંતુ તેના પિતા સૈફ અલી ખાનને વિવાદો સાથે જૂનો નાતો છે. અગાઉ તેણે ફિલ્મ તાનાજીની રજૂઆત વખતે ફિલ્મ
ક્રિટિક અને રિયાલિટી શો સંચાલક અનુપમા ચોપ્રા સાથેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બ્રિટિશરોના આગમન પહેલાં ભારત દેશ જેવો કોઈ કોન્સેપ્ટ ન હતો અને સમગ્ર દેશ નાના-નાના ટુકડાઓમાં વહેંચાયેલો હતો. સૈફનું આ વિધાન રાષ્ટ્રવાદી વિચારધારાના સમર્થકોને ભારે ખૂંચ્યું હતું અને એનો ભારે વિરોધ થયો હતો. અગાઉ ભારત પર બર્બર આક્રમણ લાવનારા તૈમુર લંગના નામ પરથી સૈફે પોતાના દીકરાનું નામ રાખ્યું ત્યારે પણ દેશભરમાં તેની ભારે આલોચના થઈ હતી.
વખતોવખત ઉગ્ર બયાન કરવા માટે પંકાયેલી દિયા મિર્ઝાએ 16 માર્ચ, 2016ના રોજ સૂકી હોળીની ઉજવણીનું સમર્થન કરતા પાણીના અભાવે આત્મહત્યા કરવા મજબૂર બનતા
મહારાષ્ટ્રના ખેડૂતોનું ઉદાહરણ ટાંક્યું હતું અને છેલ્લે લખ્યું હતું કે મને એન્ટી હિન્દુ કહેવી હોય તો કહી શકો છો. તેનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલનું ભોગ બન્યું હતું અને એ પછી દિયા મિર્ઝાના દરેક વિધાનની આલોચના થતી રહી હતી.
સત્તાવિરોધી વલણ માટે લાંબા સમયથી વિવાદાસ્પદ બનતા રહેલા અનુરાગ કશ્યપ વખતોવખત ટ્વિટર સહિતના માધ્યમથી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામે
પણ ઉગ્ર વિધાનો કરતા રહે છે. ફિલ્મ-અભિનેત્રી પાયલ ઘોષે તેમના પર દુષ્કર્મના પ્રયાસનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. અનુરાગે જોકે આ આક્ષેપને નકારી કાઢ્યો છે.

રિલેટેડ ન્યૂઝ