દિલ્હી ‘દંગલ’; ઉગ્રવાદીને અન્નદાતા ગણવાની સજા

વાબદાર કોણ? આ એક એવો લા-જવાબ પ્રશ્ર્ન છે જે પ્રત્યેક અપ્રીય ઘટના પછી એવા તમામ લોકો એકબીજાને પૂછ્યા કરે છેે જે વાસ્તવમાં બધ્ધું જ જાણતા હોય પણ આંખે થવા માગતા નથી હોતા. દિલ્હીના ગઈકાલના કિસાન તોફાનોની અપ્રીય ઘટના તેનો નિર્લજ્જ નમૂનો છે. કેમ કે એ અપ્રીય ઘટના અણધારી ન્હોતી બલ્કે અપેક્ષિત્ હતી! 26મી જાન્યુઆરીએ આંદોલની કિસાનોને ટ્રેકટર રેલી કાઢવાની દિલ્હી પોલીસે મંજૂરી આપી ત્યારે જ પોલીસવડા ડાચામાંથી ફાટ્યા હતા કે કેટલાય ઈન્પૂટ્સ મળ્યાં છે કે ટ્રેકટર રેલીની આડમાં અરાજકતત્ત્વો હૂૂડદંગ (તબાહી, તોફાન, તાંડવ) મચાવી શકે છે. દિલ્હી પોલીસે એમપણ કહ્યું હતું કે, તબાહી મચાવવા છેક પાકિસ્તાનથી સાજિશ થઈ રહી છે. પાકિસ્તાનથી હેન્ડલ થઈ રહેલા 308 ટ્વિટર પણ ટ્રેસ કરાયાનો દાવો પોલીસ અફસર દીપેન્દ્ર પાઠકે આગલા દા’ડે (સોમવારે) જ કર્યો હતો. સોમવારે જ દિલ્હીની ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન બહાર ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા ગૂંજતા થયા હતા. 3 યુવતિ સહિત 6ની પોલીસે ધરપકડ પણ કરી હતી. એટલે પોલીસ ખેડૂત નેતાઓ સાથે બેઠક યોજી વિવિધ 47 શરતો સાથે ટ્રેકટર રેલીની મંજૂરી આપવા સહમત થઈ હતી. ખેડૂત નેતાઓએ ‘જવાબદારી’ સ્વીકારતાં કહ્યું હતું કે, રેલીની મંજૂરી આપો, પ્રદર્શન શાંતિપૂર્ણ રહેશે એની અમો ખાતરી આપી છીએ. અને બીજા દા‘ડે (મંગળવારે) શું થયું એ આખા દેશે નહીં બલ્કે આખી દુનિયાએ દીઠું. દિલ્હીની ટિકરી-કૂંડલી બોર્ડરથી હજ્જારો ટ્રેકટર સાથે ઘૂસેલા દંગઈઓએ જોત-જોતામાં પોત પ્રકાશ્યું અને અમંગળ ધારણાને દુ:ખદ રીતે ખરી ઠેરવી દીધી. તેઓ કિસાનના રૂપમાં હૈવાન કે શયતાનથી જરાઈ કમ નહોતા. કામધેનૂના દીકરા નંદીની ડોકે ઘોંસરું કે હળ નાંખી ધરતી માતાની કૂખેથી અન્નપેદા કરનારા જગતાતમાં અને ઈવડા ઈ બેકાબૂ-બેફામ બનેલા ગદ્દારોમાં આડાગાડાંનો ફેર હતો. તેઓને કિસાનમાં ખપાવવા એ મિસરિપોર્ટીંગ છે અથવા દેશવાસીઓને મિસગાઈડ કરવા જેવું છે. કિસાનના હાથમાં હળ શોભે. આ લોકો પાસે ફરસા હતા. લાઠીના વડદાદા જેવા લાં…બા અને મજબૂત ડંગોરા હતા. અમૂકના હાથમાં ખૂલ્લી તલવારો હતી. બાકીના ટ્રેકટરની ટ્રોલીમાં બબ્બે-પાંચ પાંચ કિલોના એક એવા અગણિત પથ્થરો ભરીને આવ્યા હતા. જોત-જોતામાં આ તત્ત્વોએ દિલ્હીને ચો-મેરથી જાણે ઘેરી લીધું. પીરાગઢી, તિલકનગર, પ્રગતિમેદાન, ગાઝીપુર, નોએડા, નાંગલોઈ અને ફરીદાબાદ જેવા વિસ્તારોમાં તેઓએ હાહાકાર મચાવી દીધો હતો. એમણે બેરીકેટ્સ હટાવ્યાં-તોડ્યાં અને રૂટ્સ બદલી કાઢ્યાં. રાજપથ પર નેશનલ પરેડની વ્યવસ્થામાં દિલ્હીની મોટાભાગની પોલીસ રોકાયેલી હતી તેનો બરાબરનો (ગેર) ફાયદો આ પાપી લોકોએ ઉઠાવ્યો. રસ્તામાં ગણી-ગાંઠ્યી પોલીસ મળી તેનાં પર લોહીયાળ હુમલા શરૂ કર્યા. આ હૂડદંગ એટલું બર્બર હતું કે તેનાં કરનારા કિસાન હોય તો પણ ક્ષમ્ય નહોતું. કિસાન અને તોફાની બારકસો વચ્ચેનો તફાવત પારખી નહીં શકનારા કેટલાક ઈલેકટ્રોનિક માધ્યમો એવી ભ્રમણામાં રહ્યા કે ‘કિસાન-આંદોલન’ની વિરૂધ્ધમાં કશું કહેશું-દર્શાવશું તો ટીઆરપી ગુમાવીશું. અમૂક ટેલિ-મીડિયા તો પહેલેથી જ દેશ વિરોધી સાજિશના સમર્થક રહ્યા છે. સરવાળે સોમવારે એવો ‘જવાબ’ મળ્યો જેણે ગણતંત્ર-દિનને ષડયંત્ર-દિનમાં યા તો રાષ્ટ્રીય પર્વને રાષ્ટ્રીય-શર્મમાં તબદીલ કરી દીધો. આઈટીઓ અને લાલ કિલ્લા પર ચઢાઈ કરી કબ્જો જમાવવાની અને તિરંગાના સ્થાને અન્ય ધ્વજ ફરકાવવાની હદ સુધીની બદ્દતમીઝી તેઓ બે-રોકટોક આચરતા રહ્યા. રોકવા મથતા પોલીસોને મારતા રહ્યા. તોફાનીઓનો ભોગ બનેલા કુલ 86 પૈકી 45 પોલીસ જવાનોને સિવિલ લાઈન ટ્રોમા સેન્ટરમાં અને 14ને લોકનાયક જયપ્રકાશ (એલએનજેપી) હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. લગભગ દસ-બાર કલાક ચાલેલા ‘દંગા’ દરમિયાન એકપણ કિસાન-નેતો ક્યાંય ડોકાયો ન્હોતો. બધ્ધા જ નેતાઓએ પોતાની ચામડી દાઝતી બચાવી લીધી. કિસાન-દંગાના પડઘા ઘેરા પડ્યા એટલે પવન જોઈને તેઓએ પૂંઠ ફેરવી લીધી. સંયુકત કિસાન મોર્ચા (જેમના નેજા હેઠળ બે-ત્રણ મહિનાથી ભારત-સરકાર સામેની ‘કિસાન-બગાવત’ ચાલી રહી હતી) એ કહ્યું યે ગલત હૈ! કિસાનોના બની બેઠેલા (નકસલવાદી કે અરાજકવાદી) નેતા યોગેન્દ્ર યાદવે બેશર્મીથી કહ્યું: લાલ કિલ્લા પર જે કંઈ થયું તેનાથી મારું માથું શરમથી ઝૂંકી ગયું છે! ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા ભાનુપ્રતાપસિંહે કહ્યું: તોફાન કરનારા અમારા કાર્યકરો કે કિસાનો ન્હોતા. નોંધવા જેવું છે કે, આ જ વાત સપ્તાહો પહેલા મીડિયાએ ઉજાગર કરી કે આંદોલનનો દોરી સંચાર કેનેડા અને પાકિસ્તાનથી ‘ખાલિસ્તાની’ સમર્થકો કરી રહ્યા છે ત્યારે આ નેતાઓ ઉંધી આળ નાંખતા હતા કે ગોદી (મોદી તરફી) મીડિયા કિસાનોને ખાલિસ્તાની કેઅરાજકતાવાદી ઠેરવવા મથે છે. હવે જ્યારે પ્રમાણિત્ થઈ ચૂક્યું કે આંદોલનની આડમાં હરામખોરી કે ગદ્દારી જેવી બગાવત શરૂ થઈ એટલે કિસાન નેતાઓ એમ કહીને હાથ ખંખેરી રહ્યા છે કે, ‘ઈ’ અમારા નથી! અત્યાર
સુધી આંદોલનને ભડકાવવામાં અને એ બ્હાને મોદી પરની પોતાની ભડાસ કાઢવામાં રચ્યા પચ્યા રહેલા રાહુલ ગાંધી, શરદ પવાર, મમતા બેનર્જી અને કેપ્ટન અમરિન્દરસિંહ જેવા રાજ-નેતાઓ પણ હવે ચોક્કસ જગ્યાએ પૂંછડી દબાવી બેસી ગયા છે. કહેવાતા કિસાન આંદોલનના સૌથી છૂપે-રૂસ્તમ ટેકેદાર સીપીઆઈ (એમ)ના નેતા સુનીલ ચોપડાથી માંડી દિનેશ વાર્ષ્ણેય હજી પણ પાછું વળીને જોવા તૈયાર નથી. સુનીલ ચોપડાએ આક્ષેપ કર્યો કે પોલીસે કિસાનો પર લાઠીચાર્જ કર્યો, ટીઅર ગેસના સેલ છોડ્યા એટલું જ નહીં અંધાધૂંધ ગોળીબાર કર્યા જેમાં એક કિસાનનું મોત પણ નિપજ્યું. જ્યારે કે હકીકત એ હતી કે આઈટીઓ સર્કલથી દિન દયાળ માર્ગ તરફ જવાનો રસ્તો પોલીસે બેરીકેટ્સ લગાવી બંધ કર્યો અને ટ્રેકટર ભટકાડીને બેરીકેટ્સ તોડવામાં નવનીતસિંહ નામનો ઉત્તરાખંડના રૂદ્રપુરનો ટ્રેકટર ચાલક થાપ ખાઈ ગયો, ટ્રેકટર પલ્ટી ખાઈ ગયું અને 30 વર્ષિય ચાલક કિસાન તેમાં જ દબાઈને માર્યો ગયો. એક સ્કૂલના સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થયાં તેમાં સીપીઆઈ (એમ)ના જૂઠ્ઠા અને હજૂ વધુ ભડકામણા દાવાની પોલ ખૂલ્લી પડી ગઈ. આ બધ્ધું જ બધ્ધા જાણતા હોવા છતાં (લેખની શરૂમાં લખ્યું તેમ) પ્રશ્ર્ન ચલાવ્યા કરે કે જવાબદાર કોણ તો શું કહેવું? ગઈ કાલે દિલ્હીમાં જે શર્મશાર ઘટમાળ ઘટી નેતા જવાબદાર ખેડૂત આંદોલનમાં ભળી ગયેલા અરાજકતત્ત્વો સામે આંખ મિંચામણા કરનારા કિસાન નેતાઓ, કિસાનોને ઢાલ બનાવી વડાપ્રધાન મોદી સામેની પોતિકી ભડાસ કાઢવા મથતા વિપક્ષો અને એવી જ માનસિકતાવાળા કેટલાક મીડિયા-ગૃપ્સ હતા છે અને રહેશે. સાથોસાથ પોલા (હળવા) હાથે કામ લેનારી દિલ્હી પોલીસ અને કેન્દ્રની સરકાર પણ એટલી જ જવાબદાર ગણાય. દરેકે પ્રોક્સી-રોલ ભજવ્યો. અસલી-ધર્મને હાંસિયામાં ધકેલી દીધો. આખરે ‘સબ કા સાથ સબકા સત્યાનાશ’ થઈ ને જ રહ્યું. એક પત્રકાર તરીકે આ સનાતની-સત્યને ઊજાગર કરવું જ રહ્યું. પત્રકાર કોઈ પક્ષનો ન હોઈ શકે. તેનો એક જ પક્ષ હોય-વાંચકોનો! આવું જ પ્રણ (વ્રત) દરેક ક્ષેત્રના નેતાઓએ પણ રાખવું જોઈએ. દેશહિત સર્વોપરી છે. ખુદ્દારી જેવો કોઈ દેશ-પ્રેમ નથી અને ગદ્દારી જેવો કોઈ દેશ-દ્રોહ નથી. પોતાના હિત કે સ્વાર્થ ખાતર માલેતૂદારો કે સત્તાપક્ષને ગલગલિયાઁ કરાવનારાઓએ તો દેશનો દાટ વાળ્યો. કમનસીબે એમાં અમૂક મીડિયા-મેન પણ ભળી ગયા. ખેડૂતો રિસાઈ ન જાય એટલે ગળચટ્ટી વાતો લખતા-દર્શાવતા રહ્યા. જલતી મશાલની જેમ કલમ ઊપાડનારા અને હરામજાદાઓની ચામડી ઝૂલસી જાય તેવી આગ ફેંકતી કલમના પૂજારી બહુ ઓછા રહ્યા છે. સત્ય કહેવામાં પ્રતિક્ષણ ખૂંવાર થવા તૈયાર ખુદ્દારનો સામુરાઈની શમશેર જેવો એક જ ધર્મ હોય-આતતાયીની કત્તલ! જો આવી શમશેર પત્રકારોએ ત્રણ મહિના પહેલા વીંજવા માંડી હોત તો દિલ્હીમાં ગઈકાલે ષડયંત્ર-પર્વ નહીં બલ્કે ગણવંત્ર-પર્વ જ ઊજવાયું હોત. ‘જવાન’ ઉપર હાથ ઉગામે એ કિસાન હોઈ શકે? કદાપિ નહીં. આમ છતાં આવું બન્યું, કોના પાપે? આંદોલનને ઉકસાવનારાના, પોતાના નીજી સ્વાર્થ ખાતર કિસાનોના મુદ્દાને ઢાલ બનાવી કિસાનગિરી ચલાવનારા અને કડક હાથે પગલાં લઈશું તો ચૂંટણીઓમાં રોંગ ઈફેક્ટ જશે તેવી ગણતરીએ નમાલાના પેટના તંત્રવાહકો સહિત તમાશો જોયા કરનારાના પાપે, બીજા કોના? અને એ પાપની સજા સમગ્ર દેશે ભોગવી. વિશ્ર્ભરમાં બદનામ થઇને….!!

જવાબદાર કોણ? આ એક એવો લા-જવાબ પ્રશ્ર્ન છે જે પ્રત્યેક અપ્રીય ઘટના પછી એવા તમામ લોકો એકબીજાને પૂછ્યા કરે છેે જે વાસ્તવમાં બધ્ધું જ જાણતા હોય પણ આંખે થવા માગતા નથી હોતા. દિલ્હીના ગઈકાલના કિસાન તોફાનોની અપ્રીય ઘટના તેનો નિર્લજ્જ નમૂનો છે. કેમ કે એ અપ્રીય ઘટના અણધારી ન્હોતી બલ્કે અપેક્ષિત્ હતી!

જલતી મશાલની જેમ કલમ ઊપાડનારા અને હરામજાદાઓની ચામડી ઝૂલસી જાય તેવી આગ ફેંકતી કલમના પૂજારી બહુ ઓછા રહ્યા છે. સત્ય કહેવામાં પ્રતિક્ષણ ખૂંવાર થવા તૈયાર ખુદ્દારનો સામુરાઈની શમશેર જેવો એક જ ધર્મ હોય-આતતાયીની કત્તલ! જો આવી શમશેર પત્રકારોએ ત્રણ મહિના પહેલા વીંજવા માંડી હોત તો દિલ્હીમાં ગઈકાલે ષડયંત્ર-પર્વ નહીં બલ્કે ગણવંત્ર-પર્વ જ ઊજવાયું હોત

રિલેટેડ ન્યૂઝ