કોરોનાના ડાકલા વચ્ચે આઈપીએલના હાકલા-પડકારા સામે ઉઠેલા સવાલ

રાત્રી કફર્યુ વચ્ચે રાત્રી ક્રિકેટ મેચને છૂટ આઈપીએલ ઉપર સંકટના વાદળ

દુનિયાની સૌથી ધનિક ક્રિકેટ લીગ આઇપીએલની 14મી સિઝન શરૂ થવા આડે હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે ફરી એકવાર આ ટી-20 લીગના આયોજન પર ખતરો મંડરાયો છે. દેશમાં બેફામ ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાત્રી કફર્યૂ લાગૂ થયા છે અને લોકડાઉનના દિવસો ફરી આવે તેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે ત્યારે આવી સ્થિતિમાં આઇપીએલનું આયોજન કેટલું વાજબી અને જનહિતમાં બની રહેશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. બીસીસીઆઇ માટે કોરોના મહામારી વચ્ચે સતત બીજી સિઝન સફળ રીતે પાર પાડવી પડકાર બન્યો છે.
ક્રિકેટર્સથી
લઇને ફ્રેંચાઇઝી, અધિકારી, ગ્રાઉન્ડમેન, સપોર્ટ સ્ટાફ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. આ નંબર સતત વધી રહ્યા છે. કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે આઇપીએલનો પ્રારંભ તો લગભગ નવમીએ રાબેતા મુજબ (ખાલી સ્ટેડિયમમાં) થશે, પણ આગળ જતાં નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મેચો રમાશે કે નહીં તે નક્કી નથી. આઇપીએલનો પહેલો મેચ શુક્રવારે ચેન્નાઇમાં એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવાનો છે. દર વખતની જેમ આ વખતે પણ આઇપીએલમાં ઘણું દાવ પર લાગેલું છે.થ
ચેન્નાઈમાં મંગળવારે કોરોનાના 3645 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે અને 15નાં મૃત્યુ થયાં છે. એક્ટિવ
કેસોની સંખ્યા 25 હજારથી વધુ છે. પહેલા તબક્કામાં ચેન્નાઈ ક્રિકેટ એસો.એ ચાર ટીમ મુંબઈ, આરસીબી, હૈદરાબાદ અને કેકેઆરની યજમાની કરવાની છે. દિલ્હીની આપ સરકારે હજુ સુધી રાત્રી મેચો માટેની છૂટ જાહેરકરી નથી. રાજધાનીમાં પણ રાત્રી કફર્યૂનો અમલ શરૂ થઈ ચૂકયો છે. આથી બીસીસીઆઈ સતત દિલ્હી સરકારના સંપર્કમાં છે. મહારાષ્ટ્ર સરકારે રાત્રી મેચોની છૂટ આપી દીધી છે. જેનો વેપારી સંગઠનો વિરોધ કરી રહ્યા
છે. કારણ કે તેમના ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. મુંબઈમાં હાલ કોરોના જવાળામુખીની માફક ફાટયો છે. તેવા સમયે આઇપીએલનું આયોજન સમુસૂતરું પાર ઉતરશે કે નહીં તે નિશ્ચિત નથી. મુંબઈમાં એક ફ્રેંચાઇઝીની હોટેલ વાનખેડે સ્ટેડિયમથી 10 કિલોમીટર દૂર છે અને આ હોટેલ એક કોમર્શિયલ કોમ્પ્લેકસમાં છે. પૂર્વ વિકેટકીપર કિરણ મોરે બાયો બબલમાં હોવા છતાં કોરોનાની ઝપટે ચડી ગયા છે. આ બારામાં એક ફ્રેંચાઇઝીના અધિકારીએ કહ્યું કે મુંબઈ ઇન્ડિયન્સના કેમ્પમાં આવું થઈ શકે તો કોઈ પણ સુરક્ષિત નથી.
બીસીસીઆઇના નજીકનાં સૂત્રમાંથી જાણવા મળતી વિગત અનુસાર દરેક દિવસની પરિસ્થિતિ પર નજર રાખીને
ક્રિકેટ બોર્ડ આગળ વધી રહ્યું છે. ખેલાડીઓ અને અધિકારીઓને કડક ચેતવણી આપી છે કે કોઇ પણ સંજોગોમાં બાયો બબલ તડોશો નહીં, જો સ્થિતિ વધુ વિકટ થશે તો આઇપીએલ અધવચ્ચે કે એ પહેલા પણ અટકી જશે.

રિલેટેડ ન્યૂઝ