અવળી ગંગા: રસી ઝાઝી ને ‘રસી’કજન થોડાં!

- 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણના નિર્ધારિત દાવા પ્રમાણે અત્યાર સુધીમાં 36000 બુથ પરથી 36 લાખ લોકોને રસી અપાઈ જવી જોઈતી હતી પરંતુ 42 ટકાએ રસી લીધી જ નથી!

દેશમાં કોરોનાને હરાવવા માટે મોટાપાયે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. 16 જાન્યુઆરીથી દેશમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને બાર દિવસ થયા પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. હેલ્થ વર્કર્સ અને લોકોમાં રસીની અસરકારકતા અને સાથેસાથે અડઅસરો વિશે પૂરતી જાગ્રતિ નહીં હોવાના કારણે તથા ગેરસમજો હોવાના કારણે તેઓ રસીકરણ માટે જોડાતા નથી. જાણકારોના મતે હાલમાં રસીની અસરકારકતા માટે ડોક્ટર્સ અને હેલ્થવર્કર્સમાં મતમતાંતર ચાલી રહ્યાં હોવાથી તેઓ રસી લેવાનું ટાળી રહ્યા છે. જ્યારે પણ દુનિયામાં મહામારીની રસીઓ આવી છે ત્યારે શરૂઆતના તબક્કામાં આવી સ્થિતિ થઈ જ હોવાનું જાણકારો નોંધી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે દેશમાં રસીકરણ શરૂ કરાયું ત્યારે દરેક બૂથ ઉપર રોજ 100 લોકોને રસી આપવાનો ટાર્ગેટ હતો. આ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં અંદાજે 36 હજાર બૂથ ઉપરથી 36 લાખ લોકોને રસી અપાઈ જવી જોઈએ. રસીકરણને બાર દિવસ થયાં છતાં માત્ર 20.29 લાખ લોકોને જ રસી મુકાઈ છે. તેનો સીધો અર્થ છે કે, 42 ટકા લોકોએ રસી લીધી જ નથી.
વોરિયર્સને જ રસી પર ભરોસો નથી!
સૂત્રોના મતે જ્યારેજાણકારોએ આ સમસ્યાના મૂળમાં તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે, ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સને બંને રસીની અસર અંગે શંકા છે. આ લોકોમાં મત છે કે, કોવિશીલ્ડનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ વિદેશમાં કરવામાં
આવ્યું હતું. તેનું 62થી 92 ટકા જેટલું સફળ પરીક્ષણ હોવાનો મત છે. બીજી તરફ કોવેક્સિન તો હજી ટ્રાયલના જ તબક્કામાં ફરી રહી છે. તેના પૂરતાં પરિણામો સામે આવ્યાં નથી. આ ઉપરાંત રસીકરણ અને તેની અસરો અંગે દેશ-વિદેશમાં વિવિધ અફવાઓ પણ ફેલાવાઈ છે. આ તમામ બાબતો અસર કરતાં હેલ્થ વર્કર્સ રસી લેવાનું ટાળી રહ્યા છે.
બ્રિટિશ સ્ટ્રેન ઉપર પણ કોવેક્સિન અસરકારક: આઇસીએમઆર
આઇસીએમઆર દ્વારા તાજેતરમાં જ
કોવેક્સિન ઉપર એક સારા સમાચાર આપવામાં આવ્યા હતા. આઇસીએમઆરે જણાવ્યું કે, બ્રિટનમાં જોવા મળેલો અને વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા કોરોનાના નવા સ્ટ્રેન ઉપર કોવેક્સિન રસી અસરકારક જોવા મળી છે. આ અંગે નવો સ્ટ્રેન ધરાવતા દર્દીઓ ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં હકારાત્મક પરિણામો જોવા મળ્યાં હતાં. આ પહેલાં પણ આઇસીએમઆરના ડાયરેક્ટર ડો. ભાર્ગવે જણાવ્યું હતું કે, કોવેક્સિન એક સંપૂર્ણ રસી છે જેના કારણે તેને કોરોનાના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપી શકે છે.

રિલેટેડ ન્યૂઝ