બગસરામાં સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ રોડ સુધી કરોડોના ખર્ચે તૈયાર થયેલા આઈકોનિક રોડમાં અંધારપટ છવાઈ ગયો છે. અનેક દિવસો થઈ ગયા છતાં રીપેરીંગ ઉપર ધ્યાન દેવામાં આવતું નથી.
બગસરામાં સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ સુધી રાજ્ય સરકારે લોકોને સુવિધા આપવાના હેતુથી કરોડોના ખર્ચે આઇકોનિક રોડ તૈયાર કરેલો છે. આઇકોનિક રોડમાં રાત્રિના સમયે અનેક લોકો પગપાળા ચાલવા માટે તેમજ વૃદ્ધો અને બાળકો બેસવા અને સમય પસાર કરવા માટે આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાય દિવસથી તંત્રના વાકે અંધારપટ છવાઈ જતા અસલામતીની શંકાથી મહિલાઓ આ રસ્તા પર હવે આવતી નથી તેમજ ધીમે ધીમે અહીં લાગેલી વસ્તુઓને પણ નુકસાનીઓ કરનારા તત્વો પણ સક્રિય થાય તેવી શક્યતા રહેલી છે.
વોરંટી પિરિયડમાં રહેલી આ સ્ટેટ લાઈટને રીપેર કરવી કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં હોવા છતાં પાલિકા કેમ આ કામગીરી કરાવવામાં નથી આવતી તેના ઉપર લોકોમાં શંકા ઉપજી રહી છે. તાત્કાલિક ધોરણે આ સ્ટ્રીટ લાઈટ રીપેર કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.

