Site icon Gujarat Mirror

ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, 32 લાખનો મુદ્દામાલ જપ્ત

સરપંચે કહ્યું, ખાનગી જમીન પર ખેતર સપાટ કરવાનું કામ ચાલતુ હતું, ખનન નહીં!

રાજકોટ ખાણ અને ખનીજ વિભાગે ગોંડલ તાલુકાના મોટાઉમવાળા ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં રૂૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આ દરોડા બાદ સ્થાનિક સરપંચ પ્રતિનિધિએ પોતાની સ્પષ્ટતા રજૂ કરતા મામલો ગરમાયો છે.

રોયલ્ટી ઇન્સપેક્ટર કિશનભાઈ રાણાવા અને જૈમિનભાઈ બી. પટેલની ટીમે મોટા ઉમવાળા ગામે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરમિયાન એક ઉંઈઇ મશીન અને બે ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા વાહનોની અંદાજિત કિંમત રૂૂ. 32 લાખ આંકવામાં આવી છે.

આશ્ચર્યજનક રીતે, પકડાયેલા તમામ વાહનો પર નંબર પ્લેટ ગાયબ હતી, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ ઈશારો કરે છે. આ ખનન પ્રવૃત્તિ કોઈની ખાનગી માલિકીની જમીન પર ચાલી રહી હતી. વિભાગે ચેતવણી આપી છે કે જો દંડ ભરવામાં નહીં આવે, તો પોલીસ ફરિયાદ નોંધીને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જપ્ત કરાયેલા વાહનો જેના છે તે સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ ડાભીએ આ મામલે મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે ખાનગી જમીન પર ખેતર સપાટ કરવાનું કામ ચાલતું હતું, જે ગેરકાયદેસર ખનન નહોતું.

ભૂપતભાઈના મતે, તેમાંથી નીકળેલી માટીનો ઉપયોગ ગામમાં બની રહેલા બગીચાના પુરાણ માટે કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો પણ સહયોગ છે અને આ કામ પંચાયતના ઠરાવ મુજબ જ થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમણે અગાઉ ગામમાં ચાલતી ખનીજ ચોરી બંધ કરાવી હોવાથી ખનીજ માફિયાઓ તેમનાથી નારાજ છે. આ માફિયાઓ તેમને બદનામ કરવા ખોટા પેંતરા રચી રહ્યા છે અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને તંત્રની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે. ગત 10 ડિસેમ્બરે પણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. નંબર પ્લેટ વગરના વાહનો બિન્દાસ્ત ફરી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો ખાણ-ખનીજ વિભાગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ખરેખર વિકાસના કામ માટેનું ખોદકામ હતું કે પછી વિકાસના નામે ખનીજ ચોરી, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Exit mobile version