ગુજરાતમાં જીએસટી વિભાગે હવે તેવા વેપારીઓ સામે તપાસનો ગાળિયો મજબૂત બનાવ્યો છે જેઓ ડિજિટલ પેમેન્ટ્સ દ્વારા થતી આવકને જીએસટી રિટર્નમાં દર્શાવતા નથી.
ખાસ કરીને નાના અને મધ્યમ કદના વેપારીઓ જેઓ દુકાનોમાં ગ્રાહકો પાસેથી ચછ કોડ દ્વારા પેમેન્ટ મેળવે છે પરંતુ તે રકમને ધંધાકીય ખાતાને બદલે વ્યક્તિગત બેંક ખાતામાં જમા કરાવે છે, તેઓ હવે સીધા તપાસના ઘેરામાં છે.
સત્તાવાળાઓએ નોંધ્યું છે કે ઘણા કિસ્સાઓમાં વાસ્તવિક વેચાણના આંકડા અને જીએસટી રિટર્નમાં જાહેર કરાયેલા આંકડા વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આ વિસંગતતાઓને પકડવા માટે ટેક્સ વિભાગ હવે વિવિધ બેંકો અને પેમેન્ટ ગેટવે પાસેથી ડેટા મેળવી રહ્યો છે, જેનું મિલાન વેપારી દ્વારા ફાઈલ કરવામાં આવેલા રિટર્ન સાથે કરવામાં આવશે. જો કોઈ વેપારીના ડિજિટલ વ્યવહારો તેના જાહેર કરેલા ટર્નઓવર કરતા વધારે જણાશે, તો તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવશે અને બાકી ટેક્સની સાથે દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે. આ આકરી કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો અને ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરીને થતી ટેક્સની ચોરી અટકાવવાનો છે.
નિષ્ણાતો વેપારીઓને સલાહ આપી રહ્યા છે કે તેઓ માત્ર રજિસ્ટર્ડ બિઝનેસ ચછ કોડનો જ ઉપયોગ કરે અને તમામ વ્યવહારોનું સચોટ રેકોર્ડ રાખે જેથી ભવિષ્યમાં ઓડિટ દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાય. આ નવા અભિગમથી આગામી દિવસોમાં અનેક શંકાસ્પદ વ્યવહારો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.

