Site icon Gujarat Mirror

વીરપુરમાં મચ્છરોનો ભારે આતંક: રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકોમાં રોષ

પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોના ઉપદ્રવમાં અસહ્ય વધારો થતા સ્થાનિક રહીશો અને બહારગામથી આવતા યાત્રાળુઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મચ્છરોના ત્રાસને કારણે સમગ્ર પંથકમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

વીરપુર એક સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. હાલ મચ્છરોનો આતંક એટલી હદે વધી ગયો છે કે રાત્રિના સમયે લોકોને પોતાના ઘરના આંગણે કે જાહેર સ્થળો પર બેસવું પણ મુશ્કેલ બની ગયું છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય જેમને લઈને લોકો ગરમીમાં રાહત મેળવવા બહાર ટહેલવા અથવા હોકીંગ કે ચાલવા નીકળતા હોય છે તેમજ લોકો પોતાના ઘર બહાર કે શેરી ગલીઓમાં અથવા પોતાની અગાસીઓ પર બેસતા હોય છે પરંતુ મચ્છરો કરડવાથી લોકો ખંજવાળી ખંજવાળીને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને વીરપુરના જાહેર રસ્તાઓ, બગીચાઓ, બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન જેવા ગીચ વિસ્તારોમાં મચ્છરોનો જબરો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે મુસાફરો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

ગામમાં મચ્છરોની સંખ્યામાં જે રીતે વધારો થયો છે તેનાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા જીવલેણ રોગચાળા ફેલાવાની દહેશત પણ વધી ગઈ છે. સ્થાનિક લોકોની માંગ છે કે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ગામના દરેક ખૂણે દવાનો છંટકાવ (ફોગિંગ) કરવામાં આવે જેથી મચ્છરો પર નિયંત્રણ મેળવી શકાય.

Exit mobile version