Site icon Gujarat Mirror

ભ્રષ્ટ મંત્રી-મુખ્યમંત્રીઓને હોદ્દા પરથી દૂર કરવાના ખરડાનો વિરોધ તર્કહીન

કોંગ્રેસ સહિતના વિપક્ષો વાંકદેખા છે ને હકારાત્મક વિપક્ષ તરીકેની ફરજ બજાવવાના બદલે કોઈ પણ કામમાં વાંધા કાઢીને જ ઊભા રહી જાય છે. આ કામ દેશના હિતમાં છે કે નહીં તેની વાત કરવાના બદલે સરકારના બદઈરાદાની રેકર્ડ વગાડવી જ તેમનું કામ હોય એ રીતે વર્તે છે. વિપક્ષોની આ માનસિકતાનો તાજો પુરાવો જેલમાં ગયેલા જનપ્રતિનિધિઓને હોદ્દા પરથી દૂર કરવા સામે વિપક્ષોએ કરેલી કાગારોળ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યાં છે. આ બિલનો ઉદ્દેશ સારો છે પણ કોંગ્રેસ સહિતના વિપક્ષોનું કહેવું છે કે, ભાજપ વિરોધી પક્ષોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને પરેશાન કરવાના બદઈરાદાથી આ બિલ રજૂ લવાયાં છે. કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તો આ બિલને રાક્ષસી અને બંધારણ વિરોધી ગણાવ્યું છે.

કેટલાક વિપક્ષી નેતા એવું વાજું વગાડી રહ્યા છે કે, બિહારમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) મુદ્દે મોદી સરકાર બરાબર ભેરવાઈ ગઈ છે અને જોરદાર વિરોધ થઈ રહ્યો છે તેથી તેના પરથી ધ્યાન ભટકાવવા માટે આ બિલ લવાયું છે.આ બકવાસ દલીલો વિપક્ષોના નેતાઓની નકારાત્મક માનસિકતા બતાવે છે પણ તેની વાત કરવાના બદલે પહેલાં આ બિલમાં શું છે તેની વાત કરી લઈએ. કેન્દ્ર સરકારના આ ત્રણ નવા બિલમાં એવી જોગવાઈ છે કે, કોઈ વર્તમાન મંત્રી, મુખ્યમંત્રી કે વડા પ્રધાન પાંચ વર્ષ કે તેથી વધુ જેલની સજા થઈ શકે એવા ગુનામાં સતત 30 દિવસ સુધી જેલની હવા ખાય તો એક મહિનાની અંદર આપોઆપ જ પોતાનો હોદ્દો ગુમાવે. સરળ શબ્દોમાં કહીએ તો સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેમને 31મા દિવસે હોદા પરથી દૂર કરવામાં આવશે. આ બિલમાં ધરપકડ અને અટકાયત બંનેને આવરી લેવાયાં છે.

સામાન્ય લોકોને ધરપકડ અને અટકાયત એક જ લાગે છે પણ અટકાયત અને ધરપકડમાં મોટો ફરક છે. સામાન્ય રીતે અટકાયત ટૂંકા સમયગાળા માટે હોય છે જ્યારે ધરપકડ બહુ લાંબી મુદત માટે પણ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ પર ઔપચારિક રીતે ગુનાનો આરોપ મૂક્યા વિના તેને પૂછપરછ માટે કસ્ટડીમાં રાખવો એ અટકાયત છે. વિપક્ષોનું કહેવું છે કે, આ કાયદાનો ભયંકર દુરુપયોગ કરાશે અને ભાજપને નડતા વિપક્ષી મંત્રી કે મુખ્યમંત્રીને ખોટા ગુનામાં ઉઠાવીને જેલભેગા કરી દેવાય પછી આ કાયદા હેઠળ રવાના કરી દેવાશે. આ વાત ખોટી નથી પણ આ શક્યતા તો દરેક કાયદામાં રહેલી હોય છે તો નવા કાયદા બનાવવાનું જ છોડી દેવાનું ? કોઈ પણ કાયદો બને પછી સત્તામાં બેઠેલા લોકો તેનો દુરુપયોગ કરે જ છે. ભૂતકાળમાં કોંગ્રેસે કર્યું ને હવે ભાજપ કરી રહ્યો છે પણ તેનો અર્થ એ નથી જ કે, દેશમાં નૈતિકતાને પોષનારા કાયદા ના બનાવાય. અત્યારે આવો કાયદો નથી તેનો ગેરલાભ ઉઠાવીને નૈતિકતાને સાવ નેવે મૂકીને કેજરીવાલ કે બીજા મંત્રીઓ મહિનાઓ લગી સત્તાસ્થાનેથી હટ્યા જ નહીં એવું બન્યું જ છે.

Exit mobile version