Udaan
પ્રેમને સાકાર થવાનું મન થયું ને ‘મા’નું સર્જન થયું
Published
3 weeks agoon
By
ગુજરાત મિરર
મા શબ્દમાં જ સમગ્ર વિશ્વ સમાઈ ગયું હોય છે. મા વિશે બધી જ ભાષાઓમાં ખૂબ લખાયું છે,વ્યક્ત થયું છે પરંતુ એ બધા કરતાં માતૃત્વનો અહેસાસ કરવો એ મોટી વાત છે.એટલે જ તો લેખક પ્રશાંત શાહ કહે છે કે પ્રેમને સાકાર થવાનું મન થયું ને માનું સર્જન થયું.પ્રભુને પણ આ અહેસાસ પામવા અવતરવું પડે છે, મા એ મા છે,બધાને ત્યાં વિરમવું પડે છે. રડવું હોય તો ખભો કોઇનોય મળે, પણ ખોળો તો મલકમાં ‘મા’નો જ મળે.જેને કોઇ ઉપમા આપી ન શકાય એ ‘મા’, જેની કોઇ સીમા નથી તેનું નામ છે ‘મા’ મારે ખરી, પણ… માર ખાવા ન દે એનું નામ મા.પૃથ્વી પરનો સૌથી મહાન, સૌથી પવિત્ર શબ્દ છે મા. બાળકને રાહ બતાવે તેનું નામ ગુરૂૂ પરંતુ,બાળકની રાહ જુએ તેનું નામ માતા.માતા ગરીબ હોય કે તવંગર હોય ગૃહિણી હોય,નોકરી કરતી હોય,ડોક્ટર હોય, કે બિઝનેસ વુમન હોય પરંતુ જે માતૃત્વ વહેતું હોય છે તે સમાન હોય છે.બાળક માટેની ચિંતા,કાળજી સમાન હોય છે.પોતાનું બાળક શ્રેષ્ઠ બને,સંસ્કારી બને નામ કમાય અને સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવે તેવી દરેક માંની ઈચ્છા હોય છે. મા વિશે જેટલું લખીએ તેટલું ઓછું છે.ઇતિહાસમાં પણ માતાના ત્યાગ અને બલિદાનની વાતો છે,પરંતુ આજે આપણે વર્તમાન સમયની માતાઓ વિશે વાત કરવી છે જે સમય સાથે તાલ મિલાવી બાળકને શ્રેષ્ઠ બનાવવા પ્રયત્ન કરે છે…મધર્સ ડે નજીક છે ત્યારે વિશ્વની દરેક માતાને વંદન…સલામ…
ખામી છતાં ખીલવા મોકળું મેદાન આપ્યું
ચિંતા કરીને મેં બાળકોને નબળા પાડ્યા નથી પણ સામાન્ય વર્તનથી તેમનો આત્મવિશ્વાસ વધાર્યો છે:કલ્યાણીબેન વચ્છરાજાની
“સામાન્ય રીતે માતા બાળકોને શીખવે છે પણ હું મારા બાળકો પાસેથી ઘણું શીખી છું.આંખની તકલીફ હોવા છતાં તેઓની હિંમત જોઈને મને પણ બળ મળે છે” આ શબ્દો છે માતા કલ્યાણીબેન વચ્છરાજાની, જેના બંને બાળકો આર.પીની તકલીફ સાથે જન્મ્યા છે.આ પ્રોબ્લેમ હોય તે વ્યક્તિ સાંજ પછી દૃષ્ટિવિહીન થઈ જાય છે,સહેજ અંધારામાં પણ જોઈ શકતા નથી.સામાન્ય બાળકોના માતા-પિતા પોતાના બાળકને જરા સરખી તકલીફ પડે તો પણ સહન કરી શકતા નથી જ્યારે અહીં તો રોજ આ તકલીફ સાથે જીવવાનું છે.દીકરી ધ્વનિ નાની હતી ત્યારે અજવાળામાં રમતી અને ઘરમાં લાવો એટલે રડતી એ સમયે ખ્યાલ આવ્યો કે તેને આ તકલીફ છે. પાંચ વર્ષ બાદ દીકરા કુંજનો જન્મ થયો અને એને પણ તકલીફ હોવાનું જાણવા મળ્યું.બંને બાળકોને એક સરખી તકલીફ જોઇને એ માતાએ ભગવાનને ફરિયાદ કરી હશે? વિધાતા પર આવા લેખ લખવા બદલ નારાજગી વ્યક્ત કરી હશે? કે પછી બીજાના સામાન્ય બાળકોને જોઇને આંસુ સાર્યાં હશે?. આમાંનું કઈ પણ કર્યા વગર તે માતાએ બાળકોની પ્રગતિમાં ધ્યાન આપ્યું.ખામી સાથે ખીલવવા મોકળું મેદાન આપ્યું.જ્યાં જરૂૂર પડી ત્યાં હાથ આપ્યો, સાથ આપ્યો અને પરિણામ સ્વરૂૂપ આજે દીકરી ધ્વનિનું ગાયન ક્ષેત્રે મોટું નામ છે અને પી.એચ.ડી. કરી સૌ.યુનિ.માં અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપે છે.દીકરો કુંજ પણ ડોક્ટર છે સ્પીચ થેરેપિસ્ટ છે. ધ્વનિ માઉન્ટેનરિંગનો શોખ ધરાવે છે તો દીકરો કુંજ પણ ભણવા સુરેન્દ્રનગર, બેંગલોર ગયો પણમાં તરીકે તેઓએ સતત ચિંતા કરીને બાળકોને નબળા પાડ્યા નથી.કલ્યાણીબેને જણાવ્યું કે હું ભગવાન શિવમાં બહુ વિશ્વાસ રાખુ છું. મારા બંને સંતાનો તેમના માર્ગે આગળ વધશે તેની મને ખાત્રી છે છતાં ક્યારેક જીવન સાથી મળવા બાબત ચિંતા વ્યક્ત થઈ જાય.નોર્મલ વ્યક્તિ કરતાં પણ પોતાના સંતાનોને ઈશ્વરે ઘણું આપ્યું છે બીજું શું જોઈએ? આવા મક્કમ મનોબળ વળી માતા હોય તો સંતાનો સફળતાના આકાશ સુધી ન પહોંચે તો જ નવાઈ.બંને સંતાનોને તેમના માર્ગે ચાલવા દઈને પોતે પણ સરસ પ્રવૃત્તિ કરે છે.કલ્યાણીબેન વચ્છરાજાની પોતે ડાયાબિટીસ એજ્યુકેશન છે. અખિલ ભારતીય નાગર પરિષદ મહિલા પાંખના તેઓ પ્રમુખ છે, રોટરી ક્લબમાં જોડાયેલા છે અને આરાધના ગ્રુપમાં બહેનોને લગતી પ્રવૃત્તિ અને બેઠા ગરબાની પ્રવૃત્તિમાં તેઓ અગ્રેસર છે.
કઈ રીતે આ પડકારજનક પરિસ્થિતિમાંથી રસ્તો કાઢ્યો એ બાબત તેઓએ જણાવ્યું કે બાળકોનો સહકાર જ એટલો બધો હતો એટલે તકલીફ ન નડી .શાળામાં સ્વાધ્યાય પોથી લખવાની થાય.ક્યારેક અમુક પ્રવૃત્તિ માટે જવું પડે,મ્યુઝિકના કાર્યક્રમોમાં સાથે જવું પડે પણ આ બધું સામાન્ય છે હું ચિંતા કરતી નથી એટલે એ લોકોનો રસ્તો પણ સ્મૂધ બન્યો છે.અત્યારના બાળકો અને માતા પિતા વિષે તેઓએ જણાવ્યું કે અત્યારે ફેસિલિટી ખૂબ વધી છે.બાળકોને માગ્યું મળે છે પરંતુ આ બધા વચ્ચે તેઓને શ્રમ કરતા શીખવવું જરૂૂરી છે.બાળકો પોતાના કામ પણ જાતે કરતા નથી તે યોગ્ય નથી.વધુ સમય બાળકો માતા સાથે રહે છે એટલે તેની જવાબદારી વધી જાય છે.મધર્સ ડે નજીક છે ત્યારે માતાની જવાબદારી સુપેરે નિભાવી અનેક માતા માટે પ્રેરણારૂૂપ એવા કલ્યાણીબેન વચ્છરાજાનીને અનેક અનેક શુભેચ્છાઓ.
બાળક મોટું થાય એ જર્નીનો આનંદ લો
હોમ સ્કૂલિંગના કારણે બાળકો સાથે બોન્ડિંગ વધવાની સાથે અનેક ગુણો પણ વિકસે છે: સેજલબેન ચેવલી
‘માતા બન્યા પછી સ્ત્રીની લાઇફ બદલાઈ જતી હોય છે.જોબ કરતી વખતે સતત એવું લાગતું કે બાળકોને મારી વધુ જરૂર છે. હોમ સ્કૂલિંગનો નિર્ણય લીધા પછી કામ છોડ્યું પરંતુ દરેક વખતે માતા તરીકે એમ થાય કે આ નિર્ણય સાચો તો છે ને? પરંતુ સમય પસાર થયા પછી બાળકોનો ઓવર ઓલ પ્રોગ્રેસ જોઈને થયું કે નિર્ણય સાચો હતો.’ આ શબ્દો છે સુરતના સેજલબેન ચેવલીના કે જેના બન્ને બાળકોમાં આશના આર્કિટેકચરના અભ્યાસ સાથે ડાઈવિંગ ચેમ્પિયન છે અને અનેક મેડલો મેળવી ચૂકી છે જ્યારે દીકરો મેઘ ટેકનોલોજી અને આર્ટમાં એક્ટિવ છે.બંને બાળકોને હોમ સ્કૂલિંગ કરાવી તેની રુચિ મુજબના વિષયમાં ખીલવાની જવાબદારી માતા સેજલબેન નિભાવી છે.દીકરીને બહારગામ ટૂર્નામેન્ટ હોય ત્યારે દિવસો સુધી તેની સાથે રહે છે અને કોચ, ડાયેટિશિયન, ફિટનેસ ટ્રેનરની ભૂમિકા ભજવે છે.
અત્યારની કાળઝાળ હરીફાઈના સમયમાં બાળકો યંત્રવત બની રહ્યા છે ત્યારે સેજલબેન કહે છે કે શાળાનું બર્ડન એવું હોય છે કે જેમાં બાળક સાથે માતા પિતા પણ જોતરાઈ જતા હોય છે.એક માંની કૂખે જન્મેલા બે બાળકો પણ સમાન હોતા નથી તો બીજા બાળકો ક્યાંથી સરખા હોય માટે સરખામણી ક્યારેય ન કરો.તમારા બાળકોને જે કંઈ કરવું હોય તે કરવા દો.અભ્યાસના બર્ડનના કારણે બાળકમાં રહેલ સ્કિલ બહાર આવતી નથી. પોતાના બંને બાળકો સ્પોર્ટ્સમાં હોવાના કારણે તેઓમાં સેલ્ફ ડિસિપ્લિન, કોઈ પણ સંજોગોનો સામનો કરવો,હારનો સ્વીકાર વગેરે ગુણો વિકસ્યા છે.આશના પેઇન્ટિંગ બનાવે છે,રીડિંગનો શોખ ધરાવે છે,ફોટોગ્રાફી કરે છે તો દીકરો મેઘ પણ સ્વિમિંગ કરવા સાથે ડિજિટલ પેઇન્ટિંગ, માર્કેટિંગ અને કમ્પ્યુટરનો અભ્યાસ કરે છે.તેમનું માનવું છે કે ઘરમાં સાથે રહેવાના કારણે ઘણી બાબતો શીખવ્યા વગર જ બાળકો શીખી જતા હોય છે.સેજલબેનની પેરન્ટિંગ વિષેની બુક પણ થોડા સમયમાં જ પબ્લિશ થવાની છે. લોકો કેરિયર છોડીને બાળકો સાથે રહેવાની વાતને ‘સેક્રીફાઈઝ’ કહે છે. પણ તેઓ એમ નથી માનતા ઊલટું તેઓ વિચારે છે કે એમની સાથે ફરી બાળપણ જીવવાનો મોકો મળ્યો. નવી રીતે ઘણું બધું શીખવા મળ્યું અને મજા કરી છે મધર્સ ડે નજીકમાં છે ત્યારે માતા સેજલબેન ચેવલીને આપીએ ખૂબ ખૂબ અભિનંદન.
હોમ સ્કૂલિંગ કરાવો તો આટલું ધ્યાન રાખો
સેજલબેને પોતાના અનુભવ પરથી અમુક બાબતો જણાવી હતી કે
હોમ સ્કૂલિંગ બાબત માતા પિતાની ક્લેરિટી હોવી જરૂૂરી છે તેઓ પોતે જો મક્કમ નહિ હોય તો બાળકનું ભવિષ્ય ઉજજવળ નહિ બને.
બાળકોને સમય આપી શકો તો જ હોમ સ્કૂલિંગ કરાવો.અમુક માતા બાળકો થી કંટાળીને એમ વિચારીને શાળા કે ટ્યુશનમાં મોકલી દેતા હોય છે કે એટલો સમય ત્યાં સચવાશે.આવી માતાઓ ક્યારેય હોમ સ્કૂલિંગ ન કરાવે.
અમુક માતાઓને બાળકો સાથે ઓર્ડર અને ઊંચા અવાજમાં જ વાત કરવાની ટેવ હોય છે તે પણ યોગ્ય નથી.બાળકોની કંપની તમને ગમવી જોઈએ.તમારે પણ ક્રિએટિવ બનવું પડશે.
સિલેબસના ચોપડા ઘરે લઈ આવીને ભણાવવું એ હોમ સ્કૂલિંગ નથી.તમારા બાળકને ઓબ્ઝર્વ કરો.તેને શું ગમે છે ,તેની રુચિ શેમાં છે?તે પ્રવૃત્તિ કરાવો.ક્યારેક તમને પણ એની પાસેથી નવું શીખવા મળશે.આ રીતે એક બોન્ડિંગ બનશે.નાનું બાળક મોટું થાય એ જર્ની ખરેખર યાદગાર હોય છે,તેનો આનંદ લો.
Written by Bhavna doshi…
You may like

5 જૂનના પર્યાવરણ દિવસ છે ત્યારે યુ.એન ઇન્ડિયા યુવા એડવોકેટ તરીકે ભારતભરમાંથી પસંદગી પામેલ મહુવાના માનસી ઠાકર બતાવે છે પર્યાવરણ સંરક્ષણના ઉપાયો
મહુવાના જયદીપ જાની સાથે પર્યાવરણ સંરક્ષણ યુવા ક્લબમાં બીચ ક્લીન અપ સહિત અનેક પ્રવૃત્તિમાં જોડાયેલા છે માનસી ઠાકર
દર રવિવારે સવારે જ્યારે સામાન્ય લોકો નિરાંત જીવે સમય પસાર કરતા હોય છે ત્યારે 25 થી 30 યુવાઓ મહુવા દરિયાકિનારે પહોંચીને બીચ કલીનિંગનું કામ કરતા હોય છે.તેઓને સફાઈ કરતા જોઈને અમુક લોકો પ્રશંસા કરે છે જ્યારે અમુક લોકો નિંદા કરે છે કે શા માટે સફાઈ કરવી ફરી બગડવાનું તો છે જ ને? પણ લોકોની વાતોની પરવા કર્યા વગર આ યુવાઓ પોતાની પ્રવૃત્તિ અવિરત કરે છે. એન્વાયરન્મેન્ટ ક્ધઝરવેશન ગ્રુપમાં 200થી વધુ યુવાઓ જોડાયેલા છે જેમાં ના એક માનસી ઠાકરની ગયા વર્ષે યુ.એન ઇન્ડિયા યુવા એડવોકેટ તરીકેની પસંદગી થઈ.સમગ્ર ભારતમાંથી 6 યુવાઓને પસંદ કરવામાં આવ્યા જેમાં એનવાયરન્મેન્ટ પ્રોગ્રામ કલાઈમેટ ચેન્જ માટે મહુવાના માનસી ઠાકરની પસંદગી થઈ.
મહુવામાં જન્મ અને 10 ધોરણ પછીનો અભ્યાસ ગાંધીનગર અને અમદાવાદમાં કર્યો ઝુઓલોજી વિષયમાં માસ્ટરમાં અભ્યાસ કરતી વખતે ફિલ્ડ ટ્રીપમાં જોવા મળ્યું કે મોટાભાગની જગ્યાઓમાં ગંદકી જોવા મળતી ત્યારે જ પર્યાવરણ માટે કંઈક કરવાનું નક્કી કર્યું.અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા વખતે સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત રથયાત્રાના રૂૂટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને સફાઈમાં જોડાયા. 2019માં માસ્ટર્સ પૂરું થતાં યુપીએસસીની તૈયારી માટે વતન ગયા ત્યારે જયદીપ જાની પર્યાવરણ સંરક્ષણ યુવા ક્લબમાં બીચ ક્લીન અપની પ્રવૃત્તિ કરતા હતા તેમાં જોડાયા. યુનાઇટેડ નેશનલ એન્વાયરન્મેન્ટ પ્રોગ્રામ એટલે કે (ઞગઊઙ) યુનેપ દ્વારા ‘ટાઇડ ટર્નર પ્લાસ્ટિક ચેલેન્જ’કાર્યક્રમ હેઠળ પ્રવૃત્તિ કરી.પપ્પા ભરતકુમાર ઠાકર અને મમ્મી પુષ્પાબેન ઠાકર બંને મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. દાદા ભાસ્કરરાવ ઠાકરનું નામ પણ ખૂબ જાણીતું. ભાઈ જય ઠાકર ઓર્થો સર્જન છે,ભાભી દેવાંશી સીએ કરે છે.માનસીને પર્યાવરણ સુરક્ષાના પાઠ પરિવારમાંથી જ મળેલા છે.પિતાજી પહેલેથી જ પર્યાવરણ પ્રેમી હતા એટલે તેઓએ સંસ્કારમાં પર્યાવરણ સુરક્ષાની શીખ આપી.ફક્ત વાતો નહિ પણ વર્તન દ્વારા તેઓ લોકોને પ્રેરણા આપે છે. છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર પરિવાર કુદરતના સાનિધ્યમાં વાડીમાં જ નિવાસ સ્થાન બનાવીને પ્રકૃતિના ખોળામાં રહે છે, જ્યાં ગાય છે સોપારી સહિતના વૃક્ષો છે.
માનસી એ જણાવ્યું કે પર્યાવરણ સુરક્ષાની સરકાર જેટલી જ જવાબદારી લોકોની પણ છે.પર્યાવરણને બગાડવામાં આમ આદમીનો મોટો ફાળો છે.અમુક લોકો પર્યાવરણ વિષે જાણતા નથી અને અમુક જાણે છે એ લોકો પાસે અન્ય વિકલ્પ નથી.આ સંદર્ભે સ્ટાર્ટ અપ ઓછા છે.વિકલ્પો પણ નથી.લોકો માથાકૂટમાં પડતા નથી.સરળ અને સગવડ ભર્યું જીવન જીવવામાં જ પર્યાવરણનો ભોગ લેવાય છે.આજના સમયમાં પર્યાવરણને સાચવવાની આપણે તાતી જરૂૂર છે.વોટર પોલ્યુશન પણ ખૂબ છે.બ્લડમાં માઇક્રોપ્લાસ્ટિક જોવા મળે છે.માઈન્ડ સેટ ચેન્જ કરવાની જરૂૂર છે. સ્વાર્થી બનવાથી નહિ ચાલે. મારે શું? એવું વલણ પણ ભવિષ્યની પેઢી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.હાલમાં તેઓ કાર્તિકેય સારાભાઈના સેન્ટર ફોર એનવાયન્મેન્ટ એજ્યુકેશનમાં ઇન્ટર્નશિપ કરી રહ્યા છે.લોંગ ટર્મ મૂવમેન્ટ,નાના બાળકોને,યુવાઓને કઈ રીતે જોડવા,કચરાનો નિકાલ કઈ રીતે કરવો,જુદી જુદી સંસ્થાઓને જોડવી વગેરે પર કઈ રીતે કામ કરી શકાય તેનો અભ્યાસ કરી રહ્યા છે.ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોઝુઓલોજી,વોટર ક્ધઝરવેશન અને વોટર રીચજિર્ર્ગમાં પણ કામગીરી કરવાનો તેમનો નિર્ધાર છે.વાતો કરવાથી કંઈ નહી વળે.હવે વાતોનો સમય નથી. યુનેપનું પણ સ્લોગન છે એક્ટ નાઉ.જે પણ કરો અત્યારે જ કરો.
વિકસિત દેશોના પોલ્યુશન બાબત તેઓએ જણાવ્યું કે આ બધા દેશો પોલ્યુશનમાં આપણાંથી ક્યાંય આગળ છે.ત્યાં ડીસ્પોઝેબલ કલ્ચર છે.આપણા કલ્ચરમાં બચત અને અન્યને મદદ કરવાનો ભાવ છે જેથી અમુક અંશે પર્યાવરણને મદદરૂૂપ થઇ શકાય છે. આપણાં ધર્મ અને સંસ્કૃતિમાં વૃક્ષો,નદીઓનું મહત્ત્વ ગણાવ્યું છે તેની પૂજા કરવામાં આવે છે. જે બધું નવી પેઢીએ શીખવાની જરૂૂર છે.
Bring back old tradition
હવે એ સમય આવી ગયો છે કે આપણે આપણી સંસ્કૃતિ તરફ પાછા ફરવું જ પડશે. તેઓ Bring back old traditionને અમલમાં મૂકવા પર ભાર આપે છે.જે માટે નાના પગલાં તેઓએ જણાવ્યા છે જેનો કોઈ પણ વ્યક્તિ અમલ કરી શકે.
સવારથી જ શરૂઆત કરો.બાંબુ બ્રશનો ઉપયોગ કરો અને દાતણનો ઉપયોગ કરો તો બેસ્ટ.
કામ પર માટીની,સ્ટીલની કે તાંબાની બોટલનો ઉપયોગ કરીએ.બહારથી પાણી લઈ બોટલ ફેંકી દેવાનું ટાળીયે.
શાકભાજી કે બીજી ખરીદી કરવા જાવ ત્યારે ઘરેથી કપડાંની થેલી સાથે જ રાખીએ,પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ ટાળીએ.
યુઝ એન્ડ થ્રોની વસ્તુનો ઉપયોગ ન કરીએ.
દૂધ કે કોઈ ખાદ્ય પદાર્થ લેવા જઈએ ત્યારે પોતાનું વાસણ સાથે રાખીએ.
બહાર ફરવા જઇએ ત્યારે કચરો બહાર ન ફેંકતા એક બેગ સાથે રાખીએ કે જેમાં નકામો કચરો ભરી રાખીએ.
6 પ્લાસ્ટિક ગ્લાસ, સ્પૂન કે સ્ટ્રોનો ઉપયોગ ન કરીએ અને સાથે સ્ટીલની સ્પૂન રાખી શકીએ.
આપણી સંસ્કૃતિમાં ગાયને ખવડાવવાનો મહિમા છે,પણ આ ભોજન પ્લાસ્ટિકમાં પેક કરીને બિલકુલ ન ફેંકો.
કલાઇમેટ ચેન્જ વિશે બધા જાણો જ છો.એક બે કલાક નેચર સાથે વિતાવો.સરકાર પણ મિશન લાઇફ લઈને આવે છે આ બધામાં જોડાવ. આમ એક એક વ્યક્તિ આ બધી બાબતોનું ધ્યાન રાખશે ત્યારે જ આપણે પર્યાવરણને બચાવી શકીશું.
Written by Bhavna Doshi

કેકમાં રેડ સાડી પહેરેલ ભારતીય સ્ત્રીને કંડારનાર,આ છે અનોખા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કેક આર્ટિસ્ટ
દર વર્ષે યુકે,બર્મિંગહામમાં યોજાતા કેક ઇન્ટરનેશનલમાં જજ તરીકે સેવા આપી કરે છે ભારતનું નામ રોશન
યુકે,બર્મિંગહામમાં દર વર્ષે કેક ઇન્ટરનેશનલનું આયોજન થાય છે,જ્યાં દુનિયાભરના કેક એક્સપર્ટ અને કેક શોખીનો આવે છે.2019ની સાલમાં કેક ઇન્ટરનેશનલમાં પ્રવેશદ્વાર પર એક રેડ સાડીમાં મહિલાનું સ્ટેચ્યુ હાથ જોડી સ્વાગત કરે છે સાથે ટ્રેડિશનલ કપડાંમાં એક પુરુષ પણ છે.બાજુમાં ગણપતિની મૂર્તિ,બંને તરફ હાથી તેમજ મોર વગેરે શોભતા હોય છે.પ્રવેશ કરતા પહેલાં જ સુંદર અને આકર્ષક સ્વાગતથી લોકો અંજાઈ જાય છે.અહીં આપણને વિચાર આવે કે એમાં શું મોટી વાત ? પ્રવેશદ્વાર માં તો આવું મૂકી શકાય પરંતુ એ જાણીને ખૂબ નવાઈ લાગશે કે ઉપર વર્ણન કર્યું એ બધી જ વસ્તુ કેક સ્વરૂપે બનેલી હતી,ખાદ્ય પદાર્થની બનેલી હતી.આ રેડ સાડી પહેરેલી સ્ત્રીની કેકનો ફોટો સોશિયલ મીડિયામાં એટલો બધો વાઇરલ થયો કે તે કેક આર્ટિસ્ટ પર વિશ્વભરમાંથી ભારતીયોના મેસેજ, ફોન કોલ્સ આવવા લાગ્યા.ભારતીય કલ્ચરને વિદેશમાં લોકપ્રિય કરનાર આ કેક આર્ટિસ્ટ એટલે મૂળ ભારતીય, હાલ દુબઈમાં સ્થિત વિશ્વભરમાં કેક માટે જાણીતા એવા ટીના સ્કોટ પરાશર.
આ કેક વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે દર વર્ષે યોજાતી કેક ઇન્ટરનેશનલના આયોજકોએ એન્ટ્રન્સ માટે કંઈક બનાવી આપવાની માંગ કરી ત્યારે એક મહિનો યુકેમાં રહીને ત્યાં વાતાવરણ વ્યવસ્થા વગેરે જોઈને રેડ સાડી પહેરેલી સ્ત્રીની કેક સંપૂર્ણ પોતે જાતે બનાવી. સાઈડમાં હાથી, મોર, ગણેશની મૂર્તિ વગેરે તેમની ટીમ દ્વારા બનાવવામાં આવ્યા.આ લાઇફ સાઈઝ કેક પછી તેઓએ બોલિવૂડ થીમ પર શાહરુખખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ઓમ શાંતિ ઓમના એક ગીતના પોઝને આબેહૂબ કેકમાં કંડાર્યો હતો.તેઓ કહે છે કે જેમ શિલ્પકાર મૂર્તિ કંડારવા કલેનો ઉપયોગ કરે છે તે જ રીતે અમે ચોકલેટનો ઉપયોગ કરીએ છીએ.ઝીણામાં ઝીણી વસ્તુની તકેદારી રાખીને બોલિવૂડ થીમ કેક બનાવી હતી જે પણ ખૂબ જ પ્રસિદ્ધ થઈ હતી.
કેક બનાવી દુનિયાભરમાં નામ અને દામ કમાનાર ટીનાનો જન્મ ભારતના મધ્યપ્રદેશના માવ ગામમાં થયો હતો. પિતાજી લેફ્ટેનન્ટ કર્નલ ચાર્લ્સ સ્કોટ આર્મીમાં હતા જેથી ટ્રાન્સફરના કારણે માતા સારાહ સ્કોટ અને પરિવાર સાથે સમગ્ર ભારતમાં ફરવાનું થયું. દિલ્હીમાં સેન્ટ સ્ટીવન કોલેજમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.અભ્યાસ બાદ સ્ટાર ટીવી ઇન્ડિયામાં જોબ મળી, એ દરમિયાન પ્રબળ પરાશર સાથે લગ્ન થતાં પતિની જોબના કારણે સાઉથ આફ્રિકા જવાનું થયું અને ત્યારબાદ દીકરાના જન્મ સમયે પોતે પણ નોકરી છોડી અને ઘર સંભાળ્યું. દીકરો વિહાન જ્યારે એક વર્ષનો થયો ત્યારે બર્થ ડે માટે પોતાને જોઈતી હતી તેવી કેક મેળવવા ખૂબ મથામણ કરી, ત્યારે જ નિર્ણય કર્યો કે બીજા બર્થ ડે માં પોતાને જેવી કેક જોઈએ છે તેવી પોતે જાતે જ બનાવશે.કેક શીખવા માટે જુદા જુદા કોર્સ કર્યા પરંતુ તેમાં પોતાની ક્રિએટિવિટી ઉમેરી કંઈક યુનિક કરવાનું નક્કી કર્યું. દીકરા વિહાનના બીજા બર્થ-ડે માં તેઓએ લાઇટિંગ સાથે કારની કેક બનાવી ત્યારે બધા જ લોકોએ ખૂબ પ્રશંસા કરી અને પોતાના માટે પણ બનાવી દેવાની માગણી કરી. કેકનો સ્વાદ અને ડેકોરેશન જોઈને લોકોએ એફબી પેજ બનાવવાનું સૂચન કર્યું અને બસ ત્યારથી તેમની કેકની આ સ્વાદિષ્ટ સફર શરૂૂ થઈ.કેક અને બેકિંગની દુનિયામાં પ્રવેશ બાદ ધીમે ધીમે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા.આજે કેક માટેના અનેક એવોર્ડ તેમના નામે છે.
હાલ ટીના કેક ઇન્ટરનેશનલના રીપ્રેઝન્ટેટિવ છે, ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કેક મેગેઝીનના ફાઉન્ડર અને એડિટર છે તેમજ ગ્લોબલ સુગર આર્ટિસ્ટ નેટવર્ક તેમજ કેક ઇન્ટરનેશનલમાં જજ તરીકે સેવા આપે છે.2017 અને 18 માં કેક માસ્ટર મેગેઝિન દ્વારા સતત બે વર્ષ ટોપ ટેન કેક આર્ટિસ્ટમાં તેમને સ્થાન મળ્યું તેમજ કેક આર્ટિસ્ટ વર્લ્ડ એવોર્ડ 2022માં રશિયામાં તેઓ નોમિનેટ થયા. તેણીને ડિસેમ્બર, 2022 માં મોસ્કો, રશિયામાં કેક આર્ટિસ્ટ વર્લ્ડ એવોર્ડ્સમાં વીઆઈપી ગેસ્ટ તરીકે આમંત્રણ સાથે સર્વોચ્ચ સન્માન મળ્યું.ટીનાએ 2016માં કેક ઈન્ટરનેશનલ બર્મિંગહામ ખાતે ગોલ્ડ, 2015માં કેક ઈન્ટરનેશનલ લંડન ખાતે ગોલ્ડ અને સેક્ધડ પ્રાઈઝ તથા 2014માં વર્લ્ડ ઓર્કિડ કોન્ફરન્સ, જોહાનિસબર્ગમાં ગોલ્ડ અને સેક્ધડ પ્રાઈઝ સહિત ઘણા એવોર્ડ જીત્યા છે. તેમ જ તેમના વિશે કેક સેન્ટર, કેક માસ્ટર મેગેઝીન તથા અમેરિકન કેક મેગેઝીનમાં આર્ટીકલ આવ્યા છે.કેક ઇન્ટરનેશનલ માં ભાગ લીધા બાદ ભારતના સ્થાન વિષે તેઓ જણાવે છે કે ઇન્ડિયન આર્ટિસ્ટ હજુ એ સ્ટેજ સુધી નથી પહોંચ્યા. અમુક મટિરિયલ તેમજ ટુલ્સ અહીં અવેલેબલ નથી, પરંતુ ઇન્ડિયન માર્કેટ પણ પ્રગતિ કરી રહી છે. કેક આર્ટિસ્ટને પ્લેટફોર્મ મળે,કામ,દામ,નામ મળે તે માટે જ તેઓએ ‘ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કેક મેગેઝિન’ શરૂૂ કર્યું છે. કોવિડ સમયે તેઓએ આ લોંચ કર્યું હતું જેમાં અત્યારે 80સ મેમ્બર્સ છે. ઇન્ડિયન કેક આર્ટિસ્ટનું પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નામ થાય અને પોતાની રબ કમ્યુનિટી વધે એ જ તેમનું સ્વપ્ન છે.ટીના સ્કોટ પરાશરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
કેક બનાવવા મહેનત અને ધીરજનો કોઈ વિકલ્પ નથી
છેલ્લા દસ વર્ષથી કેક મેકિંગ અને બેકિંગના ફિલ્ડમાં આગવું નામ ધરાવનાર ટીના સ્કોટ પરાશરે જણાવ્યું કે કેક બનાવનાર આર્ટિસ્ટમાં ધીરજનો ગુણ હોવો ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ટેક્નિકલ સ્કીલ સાથે આર્ટિસ્ટિક સ્કિલ હોવું પણ એટલું જ જરૂરી છે. કલાકોની મહેનત કરતા થાક લાગવો જોઈએ નહિ.આ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જુદા જુદા મટિરિયલ સાથે કામ કરવાની તમારી સ્કિલ હોવી જોઈએ. તમારા કસ્ટમર તમને જે ચૂકવે છે તેના બદલ તમે તેને બેસ્ટ રિઝલ્ટ આપો. તમારામાં ક્રિએટિવિટી હશે તો કેક આર્ટિસ્ટ તરીકે તમે નામ અને દામ કમાઈ શકસો.
તમારી જાતને એન્કરેજ કરો.
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે, જીવનમાં ક્યારે કેવો સમય આવે છે તે ખ્યાલ નથી હોતો. મેં પણ જ્યારે જોબ છોડી ત્યારે થયું હતું કે હવે હું શું કરીશ? પરંતુ જ્યારે કેક બનાવવાનું શરૂૂ કર્યું ત્યારે ન ધારેલી સફળતા મળી. ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યા જેથી એટલું જ કહેવાનું કે, તમારું જે સ્વપ્ન હોય,તમને જે ગમતી વસ્તુ હોય તે ચોક્કસ કરો.હું નહીં કરી શકું એવો વિચાર ન કરો. પોતાની જાતને એન્કરેજ કરો,સફળતા જરૂર મળશે.
દુનિયાભરમાં મશહૂર કેક ઇન્ટરનેશનલ શું છે?
સામાન્ય રીતે કેકની વાત કરીએ એટલે સ્ટ્રોબેરી,ચોકલેટ,પાઈનેપલ,ચીઝ કેક વગેરે યાદ આવે અને હાલમાં કસ્ટમાઈઝ કેકનો જમાનો છે એટલે જુદી જુદી થીમ કેક જોવા મળે જ્યારે કેક ઇન્ટરનેશનલમાં માણસ,પશુ, પંખી દરેક આકાર અને કદની કેક જોવા મળે છે. કેક ઇન્ટરનેશનલ બાબત ટીનાએ જણાવ્યું કે, “દર વર્ષે યુકે,બર્મિંગહામમાં બહુ જ મોટા સ્કેલ પર તે યોજાય છે.અહીંનું લેવલ અલગ જ પ્રકારનું હોય છે.વિશ્વભરમાંથી લોકો અહીં આવે છે. અહીં કેક માટે સ્ટોલ્સ હોય છે, કેકને રિલેટેડ પ્રોડક્ટસ હોય છે, કેક માટે ઓર્ડર પણ આપી શકાય છે તેમજ કેક કોમ્પિટિશન પણ હોય છે. અહીં તમને હજારો પ્રકારની કેક જોવા મળે છે. 2000થી વધુ એન્ટ્રી હોય છે.” ટીના પોતે પણ અહીં જજ તરીકે જાય છે તે બહુ ગર્વની વાત છે.
Written by Bhavnaben Doshi
Udaan
રંગો અને પીંછીમાં ભળ્યા કષ્ટભંજન દેવના આશીર્વાદ
Published
1 month agoon
May 3, 2023By
ગુજરાત મિરર
ઓઈલ પેન્ટિંગ, ફેબ્રિક પેન્ટિંગ તથા વોલ પેન્ટિંગ બનાવનાર ધ્રુવિકાને કષ્ટભંજન દેવના પેન્ટિંગથી નામ અને દામ મળ્યા
અટલબિહારી વાજપેયીથી લઈને અનેક નેતા, અભિનેતાઓના પેન્ટિંગ બનાવ્યા છે સુરતની ધ્રુવિકા પસિયાવાલાએ
સુરત ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપેયીનું સાત ફૂટ જેટલું મોટું પેન્ટિંગ રાખવામાં આવેલું છે.જાણે આબેહૂબ અટલજી હોય તેવું તે લાગે છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, પૂર્ણેશભાઈ મોદી, જીતુભાઈ વાઘાણી સહિત અનેક મંત્રીઓ અને પ્રસિદ્ધ વ્યક્તિઓના પેન્ટિંગ પણ એ જ કલાકારે બનાવ્યા છે, જેણે અટલબિહારી વાજપેયીનું પેન્ટિંગ બનાવ્યું છે. એક ખાસ કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને ચોતરફ પ્રશંસા થઈ હતી.આ કલાકાર એટલે સુરતના ધ્રુવિકા પસિયાવાલા.તેઓનો સાળંગપુરધામમાં બિરાજતા શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના અદ્ભુત પેન્ટિંગનો મેકિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને લાખો લોકોએ લાઇક અને શેર કર્યો તેના કારણે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ખૂબ નામના મળી.
સુરતમાં જન્મ અને અભ્યાસ કર્યો.પિતા રાજેશભાઈ પસિયાવાલા,માતા હિનાબેન પસિયાવાલા,ભાઈ અનિકેત અને ભાભી તન્વી દરેકનો તેમની કામગીરીમાં ખૂબ જ સાથ અને સહયોગ છે.શિવ પસિયાવાલા સાથે લગ્ન પછી સાસુ મીનલબેને પણ માતાની જેમ જ ઉત્સાહ વધાર્યો.ધ્રુવિકાએ ઞઈંઉ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગમાંથી ઈન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ કર્યો,પરંતુ પેઇન્ટિંગમાં રસ ન હોવાના કારણે પછી પેઇન્ટિંગમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. નાનપણથી જ તેણીનું ડ્રોઈંગ સરસ થતું હતું. અનેક પરીક્ષાઓ પાસ કરી છે અને એવોર્ડ તથા સર્ટિફિકેટ મળ્યા છે.છેલ્લા 12 વર્ષથી તેણી પેન્ટિંગ કરે છે,9 વર્ષથી વોલ પેન્ટિંગ કરે છે.કેનવાસ પેન્ટિંગ હોય કે ફેબ્રિક પેન્ટિંગ તેઓની પીંછી કમાલ કરે છે. સુરતના બહુ જ જાણીતા એમ કે, જેન્ટ્સ બુટીકમાં તો તેમના ફેબ્રિક પેન્ટિંગની મોટી ડિમાન્ડ છે.
આ બુટીકના માલિક હિરલભાઈ પરમાર પોતાના બુટીકમાં કામ અપાવવા ઉપરાંત દરેક રીતે મદદ કરે છે.પહેલાના દિવસ યાદ કરતા ધૃવિકાએ જણાવ્યું કે, એક સમયે કામ હોય તો કેનવાસના પૈસા ન હોય અને બજેટ હોય એ રીતે કામ કરવું પડતું. પોતે, સેલ્ફ ડિપેન્ડન્ટ હોવાથી પોતાનો ખર્ચ જાતે જ કાઢતા, તેઓએ ક્યારેય માતા-પિતા પાસેથી આર્થિક મદદ માગી નથી. જે હનુમાનજીના પેન્ટિંગના કારણે તેઓ સોશિયલ મીડિયામાં જાણીતા બન્યા,તે સુરતના અગ્રણી બિલ્ડરની ઓફિસમાં લગાવવા માટે ઓર્ડરથી બનાવવામાં આવ્યું છે અને ફક્ત નવ દિવસમાં રોજના આઠથી નવ કલાક કામ કરી અને પૂર્ણ કરવામાં આવ્યું હતું.પેન્ટિંગમાં રહેલું ડીટેલિંગ અને બનાવનારના ભાવના કારણે એ એટલું સુંદર બન્યું કે વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયું.છ ફૂટ છ ઇંચ બાય ત્રણ ફૂટ છ ઇંચની સાઇઝના આ પેન્ટિંગની કિંમત રૂા.40,000 હતી. યુએસએથી આબેહૂબ આ જ પેન્ટિંગ બનાવવાના ઓર્ડર આવ્યા. કેદારનાથ, ચિત્તોડગઢ રાજસ્થાન, કચ્છ, ભુજ, અમદાવાદ દરેક જગ્યાએથી ભગવાનના પેન્ટિંગ બનાવવાના ઓર્ડર આવવા લાગ્યા. અમદાવાદમાં સોનાના વરખમાંથી સ્વામિનારાયણનું પેન્ટિંગ બનાવવાનો પણ ઓર્ડર છે જાણે હનુમાનદાદા પોતાના પર પ્રસન્ન થયા હોય એ રીતે આ પેન્ટિંગ બાદ કામના ઢગલા થવા લાગ્યા.અત્યારે દર એક દિવસે તેને વોલ પેન્ટિંગ અને મહિનામાં દસેક પેન્ટિંગના ઓર્ડર મળે છે.તહેવારોમાં વોલ પેન્ટિંગ અને ફેબ્રિક પેઇન્ટિંગનું કામ ખૂબ જ વધી જાય છે.વોલ પેન્ટિંગ બાબત તેઓએ જણાવ્યું કે, અત્યારે વોલ પેન્ટિંગનો ખૂબ જ ટ્રેન્ડ છે. દરેક લોકો પોતાના રૂૂમ અથવા તો ઘરમાં એક દિવાલ ક્રિએટિવ કરાવે છે.આ પેન્ટિંગથી આખા ઘરનો દેખાવ ફરી જાય છે.વોલ પેઇન્ટિંગમાં તેવો સ્ક્વેર ફીટ દીઠ અને ડિટેલિંગ કેવું છે તે જોઈને ચાર્જ લે છે.વિદેશની સરખામણીએ ભારતમાં આર્ટની વેલ્યુ ઓછી છે.લોકો ફ્રીમાં પેન્ટિંગ મળે તો સ્વીકારે છે પરંતુ પૈસા ખર્ચ કરતા નથી. અનેક લોકોના પેન્ટિંગ બનાવનાર ધ્રુવિકાનું સ્વપ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માતા હીરાબાનું પેન્ટિંગ બનાવી અને મોદીજીને ભેટ કરે.તેમનું સ્વપ્ન સાકાર થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના પેન્ટિંગની વિશેષતા
જે પેન્ટિંગ પોતાના દિલની નજીક છે તે બાબતે તેઓએ જણાવ્યું હતું કે,આ પેન્ટિંગની ખાસ વાત એ છે કે તેમાં એક્રેલિક પટ્ટીથી વર્ક કરેલું છે. જે કલરનો ઉપયોગ કર્યો છે એ કેનવાસના કલરના બદલે વોલનો કલર છે.આ કલર એશિયન પેઇન્ટના ઓફિશિયલ શોરૂૂમમાં ખાસ બનાવડાવ્યો હતો. આ પેન્ટિંગ બનાવવા માટે દિવસના 8થી 9 કલાક કામ કર્યું હતું. પેન્ટિંગ બની ગયા પછી તેઓ ખુદ દાદાના આ પેન્ટિંગના પ્રેમમાં પડી ગયા હતા કે પોતાનાથી દૂર કરવાનું મન થતું નહોતું.
જોયેલું સ્વપ્ન છોડી ન દો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે તમે જોયેલા સ્વપ્ન ક્યારે છોડો નહીં પરિશ્રમ કરો એ સ્વપ્ન આજે નહીં તો કાલે સફળ થશે જ. જે મહેનત કરે છે તે ક્યારેય નિષ્ફળ જતું નથી પોતાના શોખ પૂરા કરવા માટે આત્મનિર્ભર બનો.
તમારા બાળકની સ્કિલ જાણો
વર્તમાન સમયમાં માતા-પિતા પોતાના બાળકને ડ્રોઈંગ ક્લાસમાં મૂકી દે છે તે બાબત તેઓએ જણાવ્યું કે,જે બાળકોને ડ્રોઈંગ કે પેન્ટિંગ માં રસ છે તે બાળકોને જ તેના વર્ગોમાં મૂકો,એવું ન વિચારો કે પેન્ટિંગમાં તેની કારકિર્દી નહીં બને. તમારા બાળકની સ્કિલ જાણો અને એ મુજબ તેને શીખવો. અન્ય શીખે છે તે જોઈ દેખાદેખીથી પરાણે બાળકને ડ્રોઈંગ ક્લાસમાં ન મૂકો.
Written by Bhavna doshi
એડિટર ની ચોઈસ
દિવ્ય દરબારના ગેટ પાસે કોર્પોરેશનના કથિત અધિકારીએ પોલીસ પર કાર ચડાવી દીધી

બાલાજી મંદિરના વિવાદમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવા હુકમ

આજી-1 ડેમમાં કાલથી ઠલવાશે નર્મદાનીર

રાજદ્રોહનો કાયદો યથાવત રાખવા લો કમિશનની ભલામણ

સચિવાલયમાં દારૂ ઘુસાડાયાની શંકાથી પોલીસમાં દોડધામ, સઘન ચેકિંગ શરૂ

કુસ્તીબાજોના સમર્થનમાં આવતી વર્લ્ડ કપ-83ની વિજેતા ક્રિકેટ ટીમ
ગુજરાત

રાજદ્રોહનો કાયદો યથાવત રાખવા લો કમિશનની ભલામણ

સચિવાલયમાં દારૂ ઘુસાડાયાની શંકાથી પોલીસમાં દોડધામ, સઘન ચેકિંગ શરૂ

કુસ્તીબાજોના સમર્થનમાં આવતી વર્લ્ડ કપ-83ની વિજેતા ક્રિકેટ ટીમ
પેસેન્જર વાહનોના વેચાણમાં તેજી, કોમર્સિયલમાં સુસ્તી

રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, કુવાડવા રોડ પર વધુ 30 મિલકત સીલ, 27ને જપ્તીની નોટિસ

વેબ સિરીઝ ‘સ્કૂપ’ સામે છોટા રાજનની હાઈકોર્ટમાં અરજી
સ્પોર્ટસ
પેસેન્જર વાહનોના વેચાણમાં તેજી, કોમર્સિયલમાં સુસ્તી

રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, કુવાડવા રોડ પર વધુ 30 મિલકત સીલ, 27ને જપ્તીની નોટિસ

વેબ સિરીઝ ‘સ્કૂપ’ સામે છોટા રાજનની હાઈકોર્ટમાં અરજી

માલ્યા, મોદી વિસાતમાં નહીં; 2600 નકલી કંપની, 15000 કરોડનું કૌભાંડ

ઈશ્ર્વરભાઈ ફરી ફેલ, 145 કિલો વાસી ઘૂઘરા-ચટણીનો નાશ
