વેરાવળ તાલુકાના નાવદ્રા અને ઇન્દ્રોય ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના સતત આંટાફેરા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો માટે ભયનું કારણ બની રહ્યા હતા. ખેતીવાડી વિસ્તારમાં રાત્રીના સમયે દીપડાની હાજરીને કારણે પશુધન અને માનવ સુરક્ષાને લઈને ભારે ચિંતા વ્યાપી ગઈ હતી.આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વન વિભાગે સતર્કતા દાખવી હતી.
નાવદ્રા ગામના દાનાભાઈ વાઢેર ની વાડી માં વન વિભાગ દ્વારા ગત રાત્રીના સમયે વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની આ કાર્યવાહી ગત મધ્ય રાત્રીના સમયે સફળ સાબિત થઈ, જ્યારે એક માદા દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી. દીપડી પાંજરે પુરાઈ હોવાની જાણ થતાં જ ખેડૂત દ્વારા વન વિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી. જેના પગલે વેરાવળ રેન્જના ઇન્ચાર્જ છઋઘ વઘાસીયાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર ડી.બી. ચૌધરી, પ્રતાપભાઈ સહિતના વન વિભાગના કર્મચારીઓની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભારે સતર્કતા અને કુશળતાથી દીપડીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી હતી.
વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં પાંજરે પુરાયેલી દીપડી એક થી બે વર્ષ વયની માદા હોવાનું સ્પષ્ટ થયું છે. વન વિભાગના જણાવ્યા મુજબ આ દીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં વેટરનરી તબીબો દ્વારા તેનું મેડિકલ પરીક્ષણ તથા જરૂૂરી સારવાર કરવામાં આવશે. દીપડીની તબિયત સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ યોગ્ય સમયે તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. નાવદ્રા ગામના યુવા અગ્રણી રાણાભાઈ ચુડાસમા સહિત સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ નાવદ્રાઇન્દ્રોય ગામની સીમ વિસ્તારમાં હજુ પણ અંદાજે ચાર થી પાંચ દીપડા ઓના આંટાફેરા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે દીપડી પાંજરે પુરાતાં ગામમાં શાંતિનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં આંશિક રાહત જોવા મળી હતી. ખેડૂતોનું કહેવું છે કે હજુ પણ અન્ય દીપડાઓ વિસ્તાર આસપાસ ફરતા હોવાથી ખેતી, પશુપાલન અને માનવજીવન માટે ભય યથાવત છે.
ખાસ કરીને રાત્રીના સમયે ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક ખેડૂતોએ બાકી રહેલા દીપડા ઓને પણ વહેલી તકે પાંજરે પુરવામાં આવે અને વિસ્તારમાં કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ વન વિભાગ સમક્ષ કરી છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા, રાત્રીના સમયે એકલા ખેતરમાં ન જવા તથા કોઈ પણ શંકાસ્પદ હલચલ દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

