ગુજરાત
મોડી રાત્રે રેન્જ આઇજીનું સ્ટિંગ: નિયમ તોડી લાંચની ઓફર કરી
ભાવનગર રેન્જ હેઠળના ત્રણ જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લામાં બે દિવસ દરમિયાન તમામ જિલ્લામાં કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય જિલ્લા ખાતે કુલ 84 નાકાબંધી પોઈન્ટ ઊભા કરી વાહનોને ચેક કરવાની સઘન કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં 40 પીઆઇ, 55 પીએસઆઇ અને 800થી વધુ પોલીસ જવાનોના કાફલાએ ફરજ બજાવી હતી.
આ દરમિયાન 10 ડિસેમ્બરની મોડીરાત્રે રેન્જ આઇજી ગૌતમ પરમાર પોતે ખાનગી કારમાં મોઢે બુકાની બાંધી તેમના ડ્રાઇવર અને એક પીએસઆઇ સાથે નીકળ્યા હતા. તેમની કારને ચાર પોઇન્ટ પર અટકાવવામાં આવી હતી અને રેન્જ આઇજીના ડ્રાઇવરે તમામ સ્થળે પૈસાથી મામલો પતાવવાની ઓફર કરી હતી, જોકે આશ્ચર્યજનક રીતે તમામ પોઇન્ટ પર પોલીસે પૈસાની ઓફર ઠુકરાવી કારની ઝડતી લેતાં રેન્જ આઇજીએ 26 જેટલા પોલીસ જવાનને રોકડ ઇનામ આપ્યાં હતાં. તો બીજી તરફ તમામ પોલીસ અધિકારીઓ અને જવાનો કરપ્ટ નથી હોતા એનું ઉદાહરણ જોવા મળ્યું હતું.
મધરાતે સ્ટિંગમાં નીકળેલા રેન્જ આઇજીને સૌથી પહેલા જ્વેલ સર્કલ પાસે અટકાવવામાં આવ્યા હતા. તેમના ડ્રાઇવરે મોઢા પરથી રૂૂમાલ હટાવવાની ના કહી કારની ઝડતી લેવાની પણ પોલીસને ના કહી હતી. ડ્રાઇવરે પોલીસ જવાનોને ઉશ્કેરવાના તમામ પ્રયાસો કરી લાઇસન્સ ન હોય પૈસા આપવાની ઓફર કરી હતી, પરંતુ પોલીસ જવાનોએ બોડી ઓન કેમેરા ચાલુ કરી પૈસા લેવાની ના કહી હતી. આ બાદ રેન્જ આઇજી ઝઘઙ-3 સર્કલ પાસેથી પસાર થયા હતા, જ્યાં ડ્રાઇવરે સીટબેલ્ટ ન પહેર્યો હોવાથી લાંચની ઓફર કરી હતી અને કારમાં દર્દી છે, તેને હોસ્પિયલ લઇ જવાની વાત કરી હતી, જોકે પોલીસ કર્મચારીએ ચોખ્ખી ના પાડીને સીટબેલ્ટનો દંડ ભરવાનું કહ્યું હતું અને દર્દી માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી આપી હતી. ઝઘઙ-3 સર્કલ ખાતે રેન્જ આઇજીના ડ્રાઇવરે આઇજી અને એસપીને ફોન કરવાની વાત કરી હતી, જોકે પોલીસ જવાનો મક્કમ રહ્યા હતા અને દંડ તો ભરવો જ પડશે એવું જણાવ્યું હતું.
આઇજીએ આ ડ્રામા જોયા બાદ પોતાની ઓળખ છતી કરીને તમામ પોલીસ જવાનોને રોકડ ઇનામ આપ્યું હતું.આ બાદ આઇજીની કારને સિહોર પણ પોલીસે અટકાવી હતી એટલે પીઆઇ તેમજ અન્ય પોલીસ જવાનોને જવા દો, અમે આતંકવાદી થોડી છીએ? એમ કહી પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરી પૈસાની ઓફર કરી હતી, પરંતુ પોલીસે શાંતિથી વાત કરી હતી. આમ, ચેકિંગમાં અંદાજે 26 જેટલા પોલીસ જવાનને આઇજીએ રાત્રે જ 13000 હજાર જેટલું રોકડ ઇનામ આપ્યું હતું અને અધિકારીઓને પ્રશસ્તિપત્ર આપવાનો નિર્ણય લીધો હતો.