ટિકિટ મેળવી લીધા બાદ દગાબાજી કે સોદાબાજી?
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ગોંડલ પંથકમા તડજોડ નાં રાજકારણ માં મોટો ભૂકંપ આવ્યો છે. 15-કોલીથડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર શૈલેષભાઈ મકવાણાએ છેલ્લી ઘડીએ કોંગ્રેસનો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.આવુ થવાથી ભાજપ નાં ઉમેદવાર સામતભાઇ બાંભવાની જીત આસાન બની છે.
રીબ ગામના નિવાસી અને કોલીથડ બેઠકના કોંગ્રેસ નાં ઉમેદવાર શૈલેષભાઈ મકવાણાએ રીબડા નાં રાજદીપસિંહ જાડેજા રીબડાની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે, “ભાજપ સરકાર દ્વારા 24-24 ગામોમાં કરવામાં આવેલા વિકાસકામોથી પ્રભાવિત થઈને હું સ્વેચ્છાએ ભાજપમાં જોડાયો છું. મારા કાકા અને રાજદીપસિંહના માર્ગદર્શન હેઠળ મેં આ નિર્ણય લીધો છે.” તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે તેમના પર કોઈ પણ પ્રકારનું રાજકીય દબાણ નથી અને દબાણની વાતો માત્ર અફવા છે. તેમણે પોતાના તમામ સમર્થકો અને મતદારોને હવે ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી છે.
આ વેળા રાજદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવારનું ભાજપમાં સ્વાગત કરતા જણાવ્યું હતું કે, વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે ભાજપ હંમેશા તત્પર રહ્યું છે. વિપક્ષો દ્વારા લગાડવામાં આવતા ધાક-ધમકીના આરોપો પર વળતો પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “સામેવાળી પાર્ટી જ્યારે હાર ભાળી ગઈ છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને બદનામ કરવાના કાવતરા રચી રહી છે. રીબડા કે દાડીયા સીટ બિનહરીફ થઈ ત્યારે પણ ખોટા ઓડિયો વાયરલ કરી ગુંડાગીરીના આક્ષેપો થયા હતા, જે તદ્દન પાયાવિહોણા છે.
રાજદીપસિંહએ મતદારોને અપીલ કરી હતી કે, આગામી 26 તારીખે સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન કરી ચારેય દિશામાં ભગવો લહેરાવી ભાજપને વિજયી બનાવે, જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના હાથ મજબૂત કરી શકાય. ઉલ્લેખનીય કે ભાજપ મોવડી જયરાજસિહ જાડેજા તથા રીબડા જુથ કટ્ટર હરીફ ગણાય છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં રીબડા જુથ તરફ થી મળી રહેલા ટેકા અંગે આશ્ર્ચર્ય સર્જાયુ છે.રાજદિપસિંહ દ્વારા દાડીયાની ભાજપની બેઠક બીનહરીફ કરાઇ છે.
વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના અગ્રણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ ઉમેદવાર રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના અગ્રણી અને વકીલ દિનેશભાઈ પાલાભાઈ પાતર વિરુદ્ધ દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડતા અત્યંત વાંધાજનક નિવેદન બદલ બી ડીવીઝન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તારીખ 15/04/2026ના રોજ મામલતદાર કચેરી ખાતે જ્યારે કોંગ્રેસના કેટલાક ઉમેદવારો પક્ષ બદલીને ભાજપમાં જોડાયા અને પોતાની ઉમેદવારી પરત ખેંચવા આવ્યા હતા, ત્યારે ભાજપના કાર્યકરોએ ’ભારત માતા કી જય’ના નારા લગાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ જોઈને ઉશ્કેરાયેલા આરોપી દિનેશભાઈ પાતરે કથિત રીતે ’ભારત માતા’ વિશે અત્યંત અભદ્ર અને વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

