Site icon Gujarat Mirror

કોડીનાર પોલીસે પાસાના વોરંટના નાસતા ફરતા ત્રણ રીઢા ગુનેગારોને ઝડપ્યા

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા પાસા હેઠળ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત કોડીનાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી, પાસા વોરંટના કામે છેલ્લા એકાદ મહિનાથી નાસતા ફરતા ત્રણ રીઢા ગુનેગારોને દબોચી લીધા છે. પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજન્દ્રસિંહ ચુડાસમા અને એસ.પી. જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ કોડીનાર વિસ્તારમાં પ્રોહીબિશન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા માથાભારે તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી.

કોડીનાર પી.આઈ. એમ.કે. વણારકા દ્વારા 8 બુટલેગરો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર સમક્ષ મોકલવામાં આવી હતી. કલેક્ટર દ્વારા આ તમામ સામે વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા, જે પૈકી 5 આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા.બાકી રહેલા ત્રણ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા. જેમને પકડવા માટે LCB પી.આઈ. એસ.વી. રાજપુત અને કોડીનાર પી.આઈ. ની ટીમે આધુનિક ટેકનોલોજી, CDR/SDR એનાલીસીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ત્રણેયને ઝડપી પાડ્યા હતા.

પોલીસે જે ત્રણ શખ્સોને પકડ્યા છે, તેમાં કોડીનારના નાથાભાઇ ઉર્ફે બિલ્લો સોલંકી (જેની સામે જુગાર અને પ્રોહીબિશનના 12 થી વધુ ગુના છે), શૈલેષભાઇ ઉર્ફે બચો કામળીયા (7 ગુના) અને સતીષભાઈ અરજણભાઇ કામળીયા (હત્યા અને પ્રોહીબિશનના 3 ગુના) નો સમાવેશ થાય છે. આ તમામની અટકાયત કરી તેઓને સુરતની લાજપોર જેલ અને ભુજની સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ કામગીરીમાં એલ.સી.બી. અને કોડીનાર પોલીસના પી.એસ.આઈ. સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Exit mobile version