કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે મુખ્યમંત્રી -નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખના ઉગ્ર પ્રતિભાવ, માફી માંગવાની માંગ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે જ કેરળમાં જાહેરસભા સંબોધતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિાકર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ ગણાવતા ભાજપે આ મુદ્દો ઉપાડી લીધો છે.
ગુજરાત ભાજપના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનના ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા છે અને ખડગેના નિવેદનને ગુજરાતના ગૌરવ ઉપર પ્રહાર સમાન ગણાવ્યું છે. આ મામલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખે પણ તિખા પ્રતિભાવ આપી કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનનો વિરોધ નોંધાવ્યો છે અને માફી માંગવાની માંગ ઉઠાવી છે.
ભાજપ દ્વારા આ મુદ્દે કોંગ્રેસને માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, કારણ કે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધુ તેજ બન્યો છે.
નિવેદન દુર્ભાગ્યપુર્ણ: મુખ્યમંત્રી
આ સમગ્ર મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પણ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલું નિવેદન અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રકારની ટિપ્પણી માત્ર 6 કરોડ ગુજરાતીઓનું અપમાન જ નહીં, પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વ્યક્તિઓની પવિત્ર ધરતીની ગૌરવને પણ ઠેસ પહોંચાડે છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને આગળ પણ ભજવશે. આવા નિવેદનો કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળતા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ અસ્વસ્થ અનુભવે છે. ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે અને આવનારા સમયમાં કેરળ ની જનતા પણ કોંગ્રેસને નકારી દેશે.
રાજયના ગૌરવ પર હુમલો: જગદીશ વિશ્વકર્મા
આ મુદ્દે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ પણ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ખડગેનું નિવેદન માત્ર ગુજરાતીઓ નહીં પરંતુ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો છે. ગુજરાતના લોકો મહેનતુ, ઉદ્યોગસાહસિક અને રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા વારંવાર થતા આવા નિવેદનો તેમની જનવિમુખતા દર્શાવે છે.
કોંગ્રેસને ગુજરાતથી આટલી નફરત કેમ છે?
ખડગેના કેરળમાં આપેલા નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એક્સ પર પોતાનો રોષ ઠાલવતા એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ખડગે જી, ગુજરાતની એ ભૂમિ જેણે રાષ્ટ્રને મહાત્મા ગાંધી આપ્યા, એ જ ગુજરાત જેણે રાષ્ટ્રને ’લોખંડી પુરુષ’ સરદાર પટેલ આપ્યા, એ જ ગુજરાત જેણે રાષ્ટ્રને તેના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યા, એ જ ગુજરાત જેણે સમગ્ર વિશ્વને વિકાસનું નવું મોડેલ બતાવ્યું. ગુજરાતના તે જ 6 કરોડ લોકોનું અપમાન? કોંગ્રેસને ગુજરાતથી આટલી નફરત કેમ છે? તમે વારંવાર ગુજરાતના લોકોને કેમ નિશાન બનાવો છો? ગુજરાતના લોકોએ તમને સત્તા પરથી દૂર કર્યા છે તેનો આ બદલો છે? આ નિવેદન ફક્ત તમારી હતાશા જ પ્રગટ કરતું નથી; તે તમારી ઔકાત પણ બતાવે છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના જાગૃત લોકોએ હંમેશા કોંગ્રેસને નકારી કાઢી છે, એક એવી પાર્ટી જે ગાંધી અને પટેલની આ પવિત્ર ભૂમિનું અપમાન કરે છે. અને તેઓ ભવિષ્યમાં પણ તેમને નકારતા રહેશે. ગુજરાત માફ નહીં કરે.
શું બોલ્યા હતા કોંગ્રેેસ અધ્યક્ષ?
કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને ગુજરાતી પ્રજા વિશે અત્યંત આપત્તિજનક અને પ્રાંતવાદી ટિપ્પણી કરીને દેશના રાજકારણમાં નવો વિવાદ છેડ્યો છે. ખડગેએ કેરળના ઇડુક્કીમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં ’અભણ’ લોકોને મૂર્ખ બનાવી શકે છે, પણ કેરળમાં નહીં. આ વિધાન માત્ર રાજકીય નિવેદન નથી, પરંતુ સમગ્ર ગુજરાતી અસ્મિતા પર કરવામાં આવેલો સીધો પ્રહાર છે. ખડગેએ પોતાના ભાષણમાં કેરળના મતદારોને રીઝવવા માટે ગુજરાતના નાગરિકોને અભણ અને મૂર્ખ તરીકે ચિતર્યા છે. તેમણે મંચ પરથી કહ્યું હતુ કે “મોદીજી… તમે ગુજરાત અને અન્ય ઠેકાણે અભણ લોકોને મૂર્ખ બનાવી શકો, પરંતુ કેરળના લોકો શિક્ષિત છે, તેઓ મૂર્ખ બનશે નહીં.” આ નિવેદન એ વાતની સાબિતી છે કે કોંગ્રેસ હવે લોકશાહી ઢબે ચૂંટણી લડવાને બદલે રાજ્યો વચ્ચે વૈમનસ્ય ઉભું કરી રહી છે. શું ખડગે એ ભૂલી ગયા છે કે જે ગુજરાતને તેઓ અભણ કહી રહ્યા છે, તે જ ગુજરાતે દેશને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા યુગપુરુષો આપ્યા છે?

