Site icon Gujarat Mirror

ખંભાળિયા બાર એસોસિએશનની રસાકસી ભરી ચૂંટણી સંપન્ન

ખંભાળિયા બાર એસોસિએશનની રસાકસીભરી ચૂંટણીમાં પ્રમુખ તરીકે વધુ એક વખત સંજયભાઈ જોશી વિજેતા બન્યા છે. ત્યારે ઉપપ્રમુખ અને સેક્રેટરીની પણ બહુમતીથી વરણી કરવામાં આવી હતી. જ્યારે અન્ય કેટલાક હોદ્દેદારો અગાઉથી જ બિન હરીફ જાહેર થયા છે.

ખંભાળિયામાં બાર એસોસિએશનના વર્ષ 2025-26 ના હોદ્દેદારોની વિધિવત ચૂંટણી શુક્રવારે સવારથી અહીંના કોર્ટ પરિસર ખાતે યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં કુલ 191 પૈકી નોંધપાત્ર અને ઐતિહાસિક કહી શકાય તેટલા 180 સભ્યોએ મતદાન કર્યું હતું. શુક્રવારે બપોરે સંપન્ન થયેલા મતદાન બાદ કરવામાં આવેલી મતગણતરીમાં ખંભાળિયા બાર એસોસિએશનના વર્તમાન પ્રમુખ સંજયભાઈ જે. જોશીને 111 મત મળ્યા હતા. જ્યારે તેમના હરીફ ઉમેદવાર સંજયભાઈ આંબલીયાને 67 મત અને ત્રીજા ઉમેદવાર સંગીતાબેન મોદીને માત્ર એક મત મળ્યો હતો.!આ સાથે ઉપપ્રમુખ પદની યોજાઈ ગયેલી ચૂંટણીમાં તરુણભાઈ વિઠલાણીને 99 મત, રામભાઈ એમ. જામને 106 મત અને દવુભાઈ જી. ચાવડાને 92 મત મળ્યા હતા. જ્યારે સેક્રેટરી પદ માટે સંજયભાઈ માતંગને 98 અને અભિષેક ધ્રુવને 75 મત મળ્યા હતા.

આમ, ચૂંટણીના અંતે આગામી વર્ષના પ્રમુખ તરીકે સંજયભાઈ જે. જોશી, ઉપપ્રમુખ તરીકે રામભાઈ એમ. જામ અને તરુણભાઈ વિઠલાણી, સેક્રેટરી તરીકે સંજયભાઈ એલ. માતંગને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અગાઉથી બિનહરીફ બનેલા સેક્રેટરી ડી.ડી. લુણા, ખજાનચી તરીકે ધારાબેન કાનાણી, સહજાનચી જે.આર. કુવા અને લાઇબ્રેરીયન તરીકે એસ.એચ. જાડેજાને વિધિવત રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
ચૂંટણી અંગેની આ કાર્યવાહીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સિનિયર એડવોકેટ તરુણભાઈ સાતા અને મદદની ચૂંટણી અધિકારી તરીકે આર.એચ. ડાંગરએ સેવાઓ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર એડવોકેટ સંજયભાઈ જોશી અગાઉ પણ સતત સાત ટર્મથી પ્રમુખ તરીકે બિનહરીફ મળી, કુલ 10 મી વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારે વધુ એક વખત તેમને ખંભાળિયા બાર એસોસિયેશનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જે બદલ તેમણે સર્વે એડવોકેટ ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version