ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે. મોડી રાતે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમબ્રાન્ચમાં તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર છે તે અને છેલ્લા ઘણાં મહિનાથી ફરાર હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો. ત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે. કાર્તિક પટેલ હેલ્થ,એજ્યુકેશન, રિઅલ એસ્ટેટ, હોસ્પિટિલિટી, એન્ટરટેઇનમેન્ટ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલો છે. ખ્યાતિકાંડ બાદથી તે ફરાર હતો. તે પહલેા ઑસ્ટ્રેલિયા હતો પછી દુબઇ આવી ગયો હતો.
કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જે બાદ દર્દીઓની એંજિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. જેમાં સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. જે બાદ દર્દીના સબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલો મીડિયામાં આવ્યો અને એક બાદ એક નવા ખુલાસા થયા. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. એ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાદ એક એમ સાત લોકોને દબોચી લીધા છે, જ્યારે બે આરોપી રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ ફરાર હતાં. જેમાં ક્રાઈમ બ્રાન્ચે રાજશ્રી કોઠારીની 32 દિવસ બાદ રાજસ્થાનથી ધરપકડ કરી હતી. તો આજે (18 જાન્યુઆરી) છેલ્લા અને મુખ્ય આરોપી કાર્તિક પટેલની પણ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.
ખ્યાતિકાંડના આરોપીઓ
ડો. પ્રશાંત વઝીરાણી
ચિરાગ રાજપૂત
મિલિન્દ પટેલ
રાહુલ જૈન
પ્રતીક ભટ્ટ
પંકિલ પટેલ
ડો. સંજય પટોળિયા
રાજશ્રી કોઠારી
કાર્તિક પટેલ