Site icon Gujarat Mirror

કાજલ ઓઝા, RJ દેવકી, સાંસદ હેમાંગ જોશી કિંજલ દવેના સમર્થનમાં મેદાને

નાત બહાર તો નરસિંહ મહેતા પણ મુકાયા હતાં એટલે ચિંતા કરવાની જરૂર નથી, કાજલ ઓઝાની પોસ્ટ

કિંજલ દવેએ તાજેતરમાં બિઝનેસમેન અને અભિનેતા ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. આ સગપણ આંતરજ્ઞાતિય હોવાને કારણે ’પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ’ દ્વારા કિંજલ દવેના પરિવારને જ્ઞાતિ બહાર કરવાનો એટલે કે બહિષ્કૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયે આખા ગુજરાતમાં એક નવી ચર્ચા જગાવી છે.

પ્રખ્યાત લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યે આ મામલે કિંજલ દવેના પક્ષમાં મક્કમતાથી પોતાની વાત રજૂ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, “કિંજલ દવેનો વાંક માત્ર એટલો જ છે કે તે સફળ છે. સમાજ સફળ વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં ક્યારેય પાછળ રહેતો નથી.” તેમણે ઐતિહાસિક સંદર્ભ ટાંકીને કિંજલને હિંમત આપતા કહ્યું કે, “કિંજલ, નાત બહાર તો નરસિંહ મહેતાને પણ મુકાયા હતા, એટલે તારે ચિંતા કરવાની જરૂૂર નથી. તારે શું કરવું અને કોની સાથે જીવન વિતાવવું એ નિર્ણય તારો જ હોવો જોઈએ. તારી ઈચ્છા અને તને જે યોગ્ય લાગે એ જ કરજે. કાજલ ઓઝાએ સમાજને પણ વિનંતી કરી છે કે આપણે સાથે મળીને મનને મોટું બનાવવાની જરૂૂર છે.

રેડિયો જોકી દેવકીએ પણ એક વીડિયો પોસ્ટ કરીને સમાજના આ નિર્ણયની આકરી ટીકા કરી છે. દેવકીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, “શું કિંજલ દવે પોતાની મરજીથી જીવનસાથી પસંદ ન કરી શકે? જ્યારે આ દીકરી સંઘર્ષ કરતી હતી ત્યારે સમાજ તેની મદદ કરવા ક્યાં હતો? આજે જ્યારે તે સફળ થઈ છે અને ગૌરવ અપાવ્યું છે, ત્યારે તેને એકલી પાડી દેવી કેટલી યોગ્ય છે?” દેવકીએ વધુમાં ઉમેર્યું કે, સમાજ વ્યક્તિને ટેકો આપવા માટે હોવો જોઈએ, તેને માનસિક ત્રાસ આપવા કે બહિષ્કાર કરવા માટે નહીં. કિંજલ દવેએ બ્રહ્મ સમાજનું નામ આખા વિશ્વમાં રોશન કર્યું છે, તે વાત સમાજે ભૂલવી ન જોઈએ.રાજકીય ક્ષેત્રેથી પણ કિંજલને મજબૂત ટેકો મળ્યો છે. વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કિંજલ દવેને શુભેચ્છા પાઠવી છે. તેમણે કિંજલને ’બ્રહ્મ સમાજ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ’ ગણાવી હતી.

ધ્રુવિન શાહ સાથેના સગપણનો ઉલ્લેખ કરી તેમણે આ નવયુગલને આશીર્વાદ આપ્યા હતા.
એક સાંસદ તરીકે અને સમાજના જ સભ્ય તરીકે હેમાંગ જોશીનું આ વલણ સમાજના રૂૂઢિચુસ્ત વર્ગ માટે એક સંદેશ સમાન માનવામાં આવી રહ્યું છે. કિંજલ દવે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજમાંથી આવે છે, જ્યારે ધ્રુવિન શાહ અન્ય જ્ઞાતિના છે. સમાજના પરંપરાગત નિયમોનું ઉલ્લંઘન ગણાવીને પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠકમાં કિંજલના પરિવાર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું. આ નિર્ણયની સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાંક લોકો પરંપરાના નામે આ નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો અને ગુજરાતની સેલિબ્રિટીઝ કિંજલના સમર્થનમાં ઉતરી આવ્યા છે.

Exit mobile version