Site icon Gujarat Mirror

પાલિતાણામાં શેત્રુંજય ડુંગર પર જૈન વેપારી ઉપર હુમલો કરી લૂંટનો પ્રયાસ

જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણામાં શેત્રુંજ્ય ડુંગર પર યાત્રા દરમિયાન ચેન્નાઈથી આવેલા એક જૈન પરિવારના સભ્ય પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ગુજરાતના અને હાલ ચેન્નાઈમાં હોમ એપ્લાયન્સીસનો વ્યવસાય કરતા દિનેશકુમાર ત્રિલોકચંદજી જૈન ઉં.વ. 44 પોતાના પરિવાર સાથે પાલીતાણા યાત્રાએ આવ્યા હતા. શુક્રવારે વહેલી સવારે આશરે 5:30 વાગ્યે તેઓ ડુંગર ચઢવાનું શરૂૂ કર્યું હતું. સવારે પોણા સાતેક વાગ્યાના સુમારે જ્યારે તેઓ પદમાવતી માતાજીના મંદિરથી આગળ પહોંચ્યા, ત્યારે અચાનક ચાર અજાણ્યા શખ્સોએ તેમને ઘેરી લીધા હતા.
હુમલાખોરો પૈકીના એક શખ્સે લોખંડનો છરો બતાવી દિનેશકુમારને પકડી રાખ્યા હતા અને તેમના ગળામાં રહેલો સોનાનો ચેઈન ખેંચવા લાગ્યા હતા. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં દિનેશકુમાર નીચે પડી ગયા હતા અને ચેઈન તૂટીને ત્રણ ટુકડા થઈ ગયો હતો. પાછળથી આવી રહેલા તેમના પત્ની કલ્પનાબેન અને દિનેશકુમારે બૂમાબૂમ કરતા ચારેય શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સદનસીબે, સોનાના ચેઈનના ટુકડા દિનેશકુમાર પાસે જ રહી જતા મોટી લૂંટ ટળી હતી, જોકે તેમને ગળાના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે.

ભોગ બનનારના જણાવ્યા અનુસાર, હુમલાખોરોમાં મુખ્ય શખ્સે કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું, તેને મોટી દાઢી-મૂંછ હતી અને જમણા હાથ પર ટેટૂ ત્રોફાવેલું હતું. ડુંગર પર મોબાઈલ કવરેજ ન હોવાથી, યાત્રિકોએ ઉપર પહોંચીને સીક્યુરીટી હેડને જાણ કરી હતી અને ત્યારબાદ નીચે ઉતરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલીતાણા ટાઉન પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 309(5), 115(1), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ. કરમટા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version