રાજયભરના લોકોને રાહત આપતો પરિપત્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમા રાજયમા આવેલી હોસ્પિટલોમા આવેલ ઇન હાઉસ મેડીકલ સ્ટોરમાંથી જ દર્દીઓને દવા ખરીદ કરવા ફરજ પાડી શકાય નહીં તેવુ જણાવાયુ છે. આ સાથે જ દરેક હોસ્પિટલના ઇન હાઉસ મેડીકલ સ્ટોરમા આ અંગેનુ સુચનાનુ પાટીયું મારવુ પણ ફરજિયાત કરાયુ છે. આને લીધે ખાનગી હોસ્પિટલમા દાખલ દર્દીઓને તે જ હોસ્પિટલના ઇન હાઉસ મેડીકલમાથી ઉંચા ભાવે દવા ખરીદવાની જગ્યાએ અન્ય મેડીકલ સ્ટોરમાથી સસ્તા ભાવે દવા ખરીદવા માટે પ્રોત્સાહન મળશે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ગઇકાલે ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયામન તંત્રના કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડવામા આવ્યો છે. જે પરિપત્રમા જણાવ્યા પ્રમાણે રાજયમા આવેલ હોસ્પિટલો ખાતે આવેલ ઇન હાઉસ મેડીકલ સ્ટોર પાસેથી હોસ્પિટલના દર્દીઓને દવા ખરીદ કરવા માટે ફરજ પાડી શકાય નહી. આથી દરેક ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોએ ‘આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી’ તેવી સુચના સ્પષ્ટ પણે દેખાય તે રીતે ફરજીયાત લગાવવાની રહેશે.
રાજયના આરોગ્ય વિભાગને ખાનગી હોસ્પિટલમા દાખલ થતા દર્દીઓના સગા પાસેથી અઢળક ફરીયાદો મળી હતી કે બહાર સસ્તા ભાવે મળતી દવા ખાનગી હોસ્પિટલ દ્વારા પોતાના ઇન હાઉસ મેડીકલ સ્ટોરમાંથી ખરીદવા માટે આગ્રહ રાખવામા આવે છે અને જેના પગલે સારવાર ખર્ચ બિનજરૂરી રીતે વધી જાય છે. પરિણામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને આ પરિપત્ર બહાર પાડયો હતો જેનાથી ખાનગી હોસ્પિટલમા દાખલ દર્દીઓના દવાના બિલમા મોટી રાહત મળશે.

