અલ્લાહાબાદ હાઈકોર્ટે એક સગીર છોકરી પર બળાત્કારના પ્રયાસ મુદ્દે આપેલા ચુકાદાનો આઘાત શમ્યો નથી ત્યાં બળાત્કારના જ એક કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના જ જજે કરેલી ટિપ્પણીઓના કારણે ફરી વિવાદ થઈ ગયો છે. નોઈડામાં 21 વર્ષની એક વિદ્યાર્થિનીએ નોંધાવેલી બળાત્કારની ફરિયાદના સંદર્ભમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ સંજય કુમાર સિંહે એવી આઘાતજનક કોમેન્ટ કરી કે, બળાત્કાર પીડિતા દ્વારા કરવામાં આવેલા આરોપોને સાચા માનવામાં આવે તો પણ ઘટનાક્રમ પરથી એવું અનુમાન કાઢી શકાય છે કે વિદ્યાર્થિનીએ પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું અને યુવતી પોતે બળાત્કાર માટે જવાબદાર છે. અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહે આ કોમેન્ટ સાથે રેપના આરોપીને જામીન પણ આપી દીધા.
હાઈકોર્ટના એક જજ આવી વાત કરે એ આપણી અદાલતોનું સ્તર કેવું છે તેના પુરાવારૂૂપ છે. આખી દુનિયામાં સ્વીકારાયું છે કે, બળાત્કાર વખતે પીડિતાને ઈજા થાય એ જરૂૂરી નથી બળાત્કારનો મતલબ સંમતિ વિના બળજબરીથી બંધાયેલા શરીર સંબંધ છે અને આ બળજબરી શારીરિક જ હોય એ જરૂૂરી નથી. કોઈ મહિલાને ડરાવીને, ધમકાવીને શરીર સંબંધ બાંધવાની ફરજ પાડો એ પણ બળાત્કાર જ છે. આ સંજોગોમાં જાતિય હુમલો થયાનાં કોઈ ચિહ્ન ના હોય. યુવતીને ડ્રગ્સ આપીને કે નશાની હાલતમાં શરીર સંબંધ બાંધો તો પણ ઈજાનાં નિશાન ના હોય તેથી જાતિય હુમલાનાં કોઈ ચિહ્ન ના મળે પણ એ રેપ જ ગણાય. પ્રસ્તુત કેસમાં આરોપી અને યુવતી વચ્ચે સંમતિથી શરીર સંબંધ બંધાયા હોય એ શક્ય છે પણ તેના માટેના પુરાવા ધ્યાનમાં લેવાવા જોઈએ. તેના બદલે હાઈકોર્ટના જજ યુવતીના વર્તનના આધારે તેના પર થયેલા બળાત્કારને આધારે બળાત્કારને યોગ્ય ઠેરવે એ પછાતપણાની નિશાની છે. આ દેશના ન્યાયતંત્રમાં આવી પછાત માનસિકતા ધરાવતા લોકો કઈ રીતે આવી ગયા?

