આપણાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કાલે બજેટ રજૂ કરે એ પહેલાં ગુરૂૂવારે આર્થિક સરવે રજૂ કર્યો અને રાબેતા મુજબ જ 2025-26ના આર્થિક સરવેમાં કેન્દ્ર સરકારે જાતે જ પોતાની પીઠ થાબડી દીધી. આર્થિક સર્વેમાં એ વાત પર ભાર મુકાયો છે કે, દુનિયાભરમાં અત્યારે આર્થિક સ્થિતિ ડામાડોળ છે અને મોટા મોટા દેશોના ટાંટિયા ઢીલા થઈ ગયા છે ત્યારે ભારતીય અર્થતંત્ર મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. આ સરવેમાં અંદાજ મુકાયો છે કે, 2026-27ના નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી વિકાસદર 6.8 ટકા થી 7.2 ટકાની વચ્ચે રહેશે.
રસપ્રદ વાત એ છે કે, સરકારે પોતે ચાલુ વર્ષનો જીડીપી વિકાસ દર 7.4 ટકા રહેશે એવો વરતારો મૂકેલો છે અને આવતા વરસે વિકાસદર ઘટવાનો છે છતાં સરકારે આ ઘટેલા વિકાસદરને મોટી સિદ્ધિ ગણાવી છે. આર્થિક સર્વેક્ષણમાં દેશના અર્થતંત્રનું એકદમ ફૂલગુલાબી ચિત્ર રજૂ કરાયું છે પણ આ ચિત્ર વાસ્તવિકતા સાથે મેળ ખાતું નથી. મોંઘવારીથી માંડીને નિકાસ સુધીના મામલે ગંભીર સ્થિતિ છે છતાં આર્થિક વિકાસના દાવા કરાયા છે. મજાની વાત એ છે કે, એક તરફ આપણું અર્થતંત્ર જબરદસ્ત મજબૂત હોવાના દાવા કરાય છે ને બીજી તરફ આપણો રૂૂપિયો સતત તૂટતો જ જાય છે. અત્યારે એક અમેરિકન ડોલરનો ભાવ 92 રૂૂપિયા છે અને જે રીતે રૂૂપિયો ગગડી રહ્યો છે એ જોતાં બહુ જલદી સદી કરી નાંખે તો નવાઈ નહીં. એક વર્ષ પહેલાં એક ડોલરનો ભાવ 86 ડોલરની આસપાસ હતો એ જોતાં વરસમાં જ છ રૂૂપિયા વધી ગયા છે.
ટકાવારીની રીતે જુઓ તો લગભગ સાત ટકા થયો. જે દેશનું અર્થતંત્ર એકદમ મજબૂત હોય તેના ચલણનું વરસમાં જ સાત ટકા ધોવાણ કઈ રીતે થાય? રૂૂપિયો આમ તો લાંબા સમયથી તૂટી જ રહ્યો છે પણ વરસ પહેલાં ધોવાણમાં તેજી આવી ત્યારે ભક્તજનો કહેતા કે રૂૂપિયો તૂટી રહ્યો નથી પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે તેથી ડોલર સામે રૂૂપિયાના ભાવ વધી રહ્યા છે. આપણાં માનનીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે પણ આ વાત કરેલી. આ વાત ગધેડાને તાવ આવી જાય એવી છે કેમ કે ડોલર મજબૂત થાય કે રૂૂપિયો તૂટે, પરિણામ તો સરખું જ આવે ને? છરી તડબૂચ પર પડે કે તડબૂચ છરી પર પડે, કપાય તો તડબૂચ જ ને? ભારતમાં જીડીપીનો દર બે અલગ અલગ રીતે નક્કી કરાય છે. પહેલી પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિઓના આંકડા ગણતરીમાં લેવાય છે જ્યારે બીજી પદ્ધતિમાં બજાર ભાવે થતો ખર્ચ ધ્યાનમાં લેવાય છે. એ પછી જાતજાતની ગણતરીઓ થાય છે ને છેવટે નોમિનલ જીડીપી નક્કી કરાય છે. આર્થિક પ્રવૃત્તિઓમાં ફેક્ટર કોસ્ટ મુખ્ય આધાર છે.
આઠ અલગ અલગ ક્ષેત્રોમાં થતું કુલ ટર્નઓવર ગણતરીમાં લેવાય છે. આ ટર્નઓવર સતત વધવાનું કેમ કે મોંઘવારી વધે છે. બીજી પદ્ધતિમાં ગણતરીમાં લેવાતો ખર્ચ પણ વધવાનો કેમ કે વસતી વધી રહી છે. આ સંજોગોમાં જીડીપી વધે તેમાં બહુ હરખાવા જેવું નથી. હરખ તો ત્યારે થાય કે જ્યારે આપણી નિકાસ વધે ને આયાત ઘટે કેમ કે કોઈ પણ દેશનું અર્થતંત્ર મજબૂત છે તેની મુખ્ય : નિશાની વ્યાપાર ખાધ છે. વ્યાપાર ખાધનો મતલબ છે આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત.
જે દેશની વ્યાપાર ખાધ ઝીરો : હોય એ દેશનું અર્થતંત્ર સારું કહેવાય પણ જે દેશની નિકાસ . આયાત કરતાં વધારે હોય તેનું અર્થતંત્ર જબરદસ્ત કહેવાય. ભારતની નિકાસ આયાત કરતાં વધારે નથી ને વ્યાપાર ખાધ પણ ઝીરો નથી તો આ દેશનું અર્થતંત્ર જબરદસ્ત પ્રગતિ કરી રહ્યું છે એવું કઈ રીતે કહેવાય ?
સરકાર દાવા કરે છે એમ દેશનું અર્થતંત્ર જબરદસ્ત છે જ નહીં પણ બધું ઢંકાયેલું રહે છે કેમ કે મૂળે આ દેશની પ્રજા સહનશીલ છે. આપણે ત્યાં તકલીફો સહન કરવાનો મહિમા એટલો કરાયો કે, પ્રજાને એવું લાગે છે કે, સહન કરવામાં જ જીવન સાર્થક છે. આ કારણે લોકો ખેંચતાણ કરીને પણ ચલાવ્યા કરે છે. બીજું એ કે, ભારત આજે પણ ગામડાંમાં વસે છે અને ગ્રામીણ ભારતનું પોતાનું આગવું આર્થિક મોડલ છે. આ મોડલમાં . જરૂૂરીયાતો પણ ઓછી છે અને સ્થાનિક સ્તરે મોટા ભાગની ચીજો મળી રહે છે તેથી લોકો બહુ મહત્ત્વાકાંક્ષી બન્યા વિના શાંતિથી જીવ્યા કરે છે.

