Site icon Gujarat Mirror

શું ગોંડલમાં ગુંડાગીરી છે? જયરાજસિંહ જાડેજાએ ભરી સભામાં પુછયો સવાલ!

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ગોંડલ તાલુકાના ચરખડી ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું.

વિરોધ પક્ષ દ્વારા ગોંડલમાં ’ગુંડાગીરી’ હોવાના આક્ષેપો પર પલટવાર કરતા જયરાજસિંહે સભામાં હાજર જનમેદનીને સીધો સવાલ પૂછ્યો હતો કે, “શું ગોંડલમાં ગુંડાગીરી છે?” જેના જવાબમાં ગ્રામજનોએ એકસૂરે “નથી” કહીને તેમનું સમર્થન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં સમગ્ર ગોંડલ તાલુકા અને શહેરમાં ઘરે-ઘરે ગેસ કનેક્શન પહોંચાડવાનું અમારું મુખ્ય લક્ષ્ય છે.

સભા દરમિયાન ગ્રામજનોએ સામાકાંઠે વિસ્તારમાં વોકરા વાળી ધાબીનું કામ અટક્યું હોવાની રજૂઆત જયરાજસિંહ જાડેજાને કરી હતી, જેના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. આ સભામાં ચરખડી સીટના ઉમેદવાર પુષ્પાબેન દિવ્યેશભાઈ લીલા, જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર જલ્પાબેન મકવાણાસ, અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, ભાજપ આગેવાન ગોપાલભાઈ શીંગાળા અને કનકસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version