Site icon Gujarat Mirror

વન નેશન, વન ઇલેક્શનનો કાયદો લાવવા પાછળ ખર્ચ ઘટાડવો છે કે બીજો કોઇ હેતુ છે?

કેન્દ્ર સરકાર સંસદમાં આજે વન નેશન, વન ઇલેકશનનો ખરડો રજુ કરવાની હતી, પણ અચાનક પલ્ટી મારી તેણે આમ કરવું મુલતવી રાખ્યું છે. જોવાનું એ રહે છે કે ચાલુ શિયાળુ સત્રમાં એ રજુ થાય છે કે નહીં, મુદ્દો એ છે કે દેશમાં તમામ સ્તરની ચુંટણીઓ એકસાથે કરવાથી ખરેખર કેટલો ફાયદો થાય છે. કેટલાક લોકો માને છે કે મોદી પોતાની લોકપ્રિયતાના જોરે બધી ચૂંટણીઓ જીતી જવાના ઇરાદાથી આવો કાયદો લાવી રહ્યા છે. પરંતુ આ વ્યવસ્થા બેધારી તલવાર છે.

લોકસભાની તાજેતરની ચુંટણીમાં ભાજપને જે ફટકો પડયો તેવું મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડની વિધાનસભાઓની ચુંટણીઓ સાથે યોજાઇ હોત તો કદાચ ભાજપ હરિયાણા, મહારાષ્ટ્રની ચૂંટણીમાં જે જીત મેળવી તે કદાચ મેળવી શકયો નહોત. એ ખરું કે આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પણ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓનું સમય પહેલા વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. ડિસેમ્બર 1970માં લોકસભા પણ સમય પહેલાં વિસર્જન કરી દેવાયું હતું તેથી વન નેશન, વન ઈલેક્શન પ્રથા બંધ થઈ ગઈ હતી.

મોદી સરકાર એ જ વ્યવસ્થા ફરી શરૂૂ કરવા માગે છે. બલકે લોકસભા અને વિધાનસભાની સાથે સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પણ યોજવા માગે છે. મોદી સરકારે તેના માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક સમિતિની રચના કરી હતી. સમિતિએ લગભગ 191 દિવસ સુધી હિતધારકો અને નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી, 14 માર્ચ, 2024 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનો અહેવાલ સુપરત કર્યો. મોદીએ વન નેશન, વન ઈલેક્શનનો વિચાર વહેતો મૂક્યો ત્યારે તેમની પાસે સ્પષ્ટ બહુમતી હતી ને ભાજપને લાગતું ’વન નેશન, વન ઇલેકશન’ દેશના ફાયદામાં છે એવું કહેવાય છે કેમ કે અત્યારે દેશમાં કયાંક ને ક્યાંક ચૂંટણી હોય જ છે. દર છ મહિને દેશમાં બે-પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ થાય છે અને આ ચૂંટણીઓ યોજવા પાછળ જંગી ખર્ચ પણ થાય છે.

2009માં લોકસભાની ચૂંટણી યોજવાનો ખર્ચ રૂૂપિયા 1100 કરોડ હતો. 2014માં વધીને રૂૂપિયા 4000 કરોડ થયો અને 2019માં વધીને 7000 કરોડ રૂૂપિયાને પાર થઈ ગયો. આ વખતે 12 હજાર કરોડનું આંધણ થઈ ગયું છે. આ ખર્ચ ઘટશે એવો દાવો કરાય છે પણ ખર્ચ કેટલો ઘટશે તે અંગે ચોક્કસ આંકડા કેન્દ્ર સરકાર કે ચૂંટણી પંચ કોઈ આપતું નથી. સતત થઈ રહેલી ચૂંટણીઓના કારણે સરકારના કામકાજ પર ભારે અસર પડે છે ને તેમાંથી છુટકારો મળે એ ફાયદો ચોક્કસ થાય. સત્તાધીશો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તેથી તંત્ર કશું કામ કરતું જ નથી.

વડા પ્રધાન કે કેન્દ્ર સરકારના પ્રધાનોએ રાજ્યોની ચૂંટણીના પ્રચારથી દૂર રહેવું જોઈએ પણ એવું થતું નથી. તેના કારણે કેન્દ્ર સરકારની કામગીરી પર પણ અસર થાય છે. આ સ્થિીત ચોક્કસ બદલાય. અલગ અલગ ચૂંટણી યોજાય તેથી દરેક વાર નવેસરથી તૈયારી કરવી પડે છે. ચૂંટણીની કામગીરીમાં સામેલ કર્મચારીઓથી માંડીને સુરક્ષા કર્મચારીઓ સુધી બધાંનો બમણો બોજ દેશની તિજોરી પર પડે છે. રાજકીય પક્ષોએ પણ પ્રચાર પાછળ બમણો ખર્ચ કરવો પડે છે. બધી ચૂંટણીઓ સાથે યોજવામાં આવે તો આ ખર્ચમાં ઘણો ઘટાડો થઈ શકે છે. આ બચેલી રકમ દેશના હિતમાં વાપરી શકાય, વિકાસ કાર્યો કરી શકાય.

Exit mobile version