Site icon Gujarat Mirror

IPS મનોજ નિનામાનું રાજીનામું, ભાજપની ટિકિટ પર લડશે?

 

 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વર્ષ 2006ની બેચના IPS અધિકારી મનોજ નિનામાએ અચાનક પોલીસ સેવામાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ સોમવાર સાંજ સુધી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં IGP તરીકે ફરજ બજાવી રહ્યા હતા, જ્યારે મંગળવારે મોડી સાંજે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ મનોજ નિનામા હવે પોતાના વતન અરવલ્લી જિલ્લાના ભિલોડાથી રાજકારણમાં પ્રવેશ કરશે. તેઓ ભાજપની ટિકિટ પર જિલ્લા પંચાયતની ચૂંટણી લડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અગાઉ પણ કેટલાક નિવૃત્ત અધિકારીઓ રાજકારણમાં સફળ એન્ટ્રી કરી ચૂક્યા છે, જેને ધ્યાનમાં રાખીને ભાજપ આ વખતે વહીવટી અનુભવ ધરાવતા ચહેરાઓને આગળ લાવવાની રણનીતિ અપનાવી રહ્યું છે.

આ વખતે ભાજપ ‘નો રિપીટ થિયરી’ સાથે નવા અને યુવા ચહેરાઓને તક આપી રહ્યું છે. સાથે જ 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ નહીં આપવી, સતત ત્રણ ટર્મ લડનારા ઉમેદવારોને દૂર રાખવા જેવા કડક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે અને ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતા છે. હવે મનોજ નિનામાનો આ નિર્ણય સ્થાનિક રાજકારણમાં કેટલો પ્રભાવ પાડે છે તે જોવું મહત્વપૂર્ણ બનશે.

Exit mobile version