Site icon Gujarat Mirror

75 લાખની કથિત માગણી અંગે MLA ચૈતર વસાવા સામે તપાસ

 

નાયબ સચિવે ગૃહવિભાગને પત્ર લખ્યો, ‘આપ’ના ધારાસભ્ય ફરતે કસાતો ગાળિયો

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે માર્ગ અને મકાન (આરએન્ડબી) વિભાગના કાર્યપાલક ઈજનેર પાસેથી રૂૂપિયા 75 લાખની કથિત માંગણીના મામલે ઉભો થયેલો વિવાદ હવે રાજ્યના ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. આ મુદ્દે વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગે ગૃહ વિભાગને તપાસ હાથ ધરવા સૂચના આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના નાયબ સચિવે ગૃહ વિભાગના નાયબ સચિવને પત્ર લખીને આ મામલો તેમના ધ્યાન પર લાવ્યો છે. આ પત્ર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ 3 જાન્યુઆરી, 2026ના રોજ ઈ-મેલ દ્વારા કરેલી રજૂઆતના આધારે મોકલવામાં આવ્યો છે. સંદીપ માંગરોલાની રજૂઆતમાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરએન્ડબી વિભાગના કાર્યપાલક ઈજનેર પાસેથી રૂૂપિયા 75 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

નાયબ સચિવ દ્વારા લખાયેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉલ્લેખિત વિષય ગૃહ વિભાગને સંબંધિત હોવાથી, તેમને મળેલી મૂળ રજૂઆત તપાસ અને આગળની કાર્યવાહી માટે ગૃહ વિભાગને મોકલવામાં આવી છે. આ સાથે ગૃહ વિભાગને જરૂૂરી તપાસ કરીને યોગ્ય પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. એક તરફ વિપક્ષ દ્વારા આક્ષેપોને ગંભીર ગણાવી તપાસની માંગ ઉઠાવવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી. ગૃહ વિભાગ દ્વારા હવે આ મામલે શું પગલાં લેવાશે અને તપાસ કયા દિશામાં આગળ વધશે તેની ઉપર સૌની નજર મંડાઈ છે.

 

Exit mobile version