કોરોના: ચીનમાં રોજ સેંકડો લાશો ઢળે છે

બેઇજિંગ,તા.14
કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો ચીનમાં બુધવારે થયો છે. એક જ દિવસમાં સૌથી વધારે મોત થયા છે. 12 ફેબ્રુઆરીના રોજ 24 કલાકમાં જ કોરોના વાયરસથી 248 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ પહેલાં ક્યારેય મોતનો આંક એક દિવસમાં આટલો ઊંચો ન હતો. દર કલાકે 10 લોકોનાં મોત થયાં છે. વુહાન એક એવો પ્રદેશ છે જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો છે.
કોરોના વાયરસની ઝપેટમાં અત્યારસુધીમાં પૂરી દુનિયામાં 60,384 લોકો સપડાયા છે. જેમાંથી 59,804 લોકો તો માત્ર ચીનમાં છે. દુનિયાભરમાં અત્યારસુધીમાં 1,369 લોકોનાં મોત થયાં છે. જેમાં 1,367 લોકોનાં ચીનમાં મોત થયાં છે. બિન સત્તાવાર આંક તો ચીનમાં હજારોની સંખ્યામાં છે. ચીનમાંથી માહિતી લીક થતી ન હોવાથી આ વાયરસની ગંભીરતા અંગે વિશ્વ અજાણ છે. જાપાને એક વ્યક્તિનું કોરોના વાયરસથી મોત થયું હોવાનું સ્વીકાર્યું છે.
ચીનના હુબેઇ પ્રાંતમાં મોટા અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. કારણ કે આ લોકો આ બિમારીને નાથવામાં સફળ રહ્યાં નથી. કોરોના વાયરસ હાલમાં સાર્સથી પણ ખતરનાક બની ગયો છે. 2003માં સાર્સથી 8,437 લોકો સપડાયા હતા. જેમાં 813 લોકોનાં મોત થયા હતા. એટલે કે આ રોગનો ભોગ બનનારા વ્યક્તિઓમાંથી 10 ટકાના મોત થયા હતા.

ભારતે કરી છે આવી તૈયારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કોરોના વાયરસને લઇને સરકાર ગંભીર હોવાનું જણાવ્યું છે. હર્ષવર્ધને જણાવ્યું કે કોરોના વાયરસ મુદ્દે સરકાર તમામ પરિસ્થતિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે સરકાર ગંભીર છે તેમણે કહ્યું કે અત્યાર સુધી એરપોર્ટ પર કુલ 2 લાખ 51 હજાર 447 મુસાફરોની તપાસ કરવામાં આવી છે. જ્યારે કે 12 મુખ્ય અને 65 નાના બંદર પર પણ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. હર્ષવર્ધને જણાવ્યું કે આઇટીબીપીની છાવણીમાં રહેલા તમામ 402 લોકોનું નકારાત્મક પરીક્ષણ સામે આવ્યું છે અને તમામની તબિયત સ્થિર છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને લઇને ડરવાની જરૂર નથી. ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝના લોકોને સારવાર આપવામાં આવી છે. ક્રુઝ પરના બે ભારતીય નાગરિકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. વિદેશ મંત્રાલય તેમની સ્થિતિ પર બારીકાઇથી નજર રાખી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ