ઈન્ફોસિસના વડા નારાયણ મૂર્તિના જમાઈ બ્રિટનના નાણામંત્રી

લંડન તા,14
વડા પ્રધાન બોરિસ જોન્સને પ્રધાનમંડળમાં કરેલા ફેરફારના ભાગરૂપ ભારતીય મૂળના રાજકારણી રિશી સૂનાકની ગુરુવારે યુકેના નવા નાણાં પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ સૂનાક ચાન્સેલર ઑફ ધ ઍક્સચેકર તરીકે ટોચના સરકારી હોદ્દા પર ગૃહસચિવ પ્રીતિ પટેલ સાથે જોડાશે.
ડિસેમ્બર 2019ની સામાન્ય ચૂંટણીમાં જોન્સને ભવ્ય વિજય મેળવ્યા બાદ એક આઘાતજનક પગલું લેતાં પાકિસ્તાની મૂળ ધરાવતા સાજિદ જાવિદે ચાન્સેલર ઑફ ધ ઍક્સચેકરના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. સૂનાકે હવે તેમનું સ્થાન લીધું છે. સૂનાક અત્યાર સુધી જાવિદના જુનિયર તરીકે ચીફ સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરીના હોદ્દા પર હતા અને તેમને પ્રધાનમંડળના ઊભરતા સિતારા તરીકે જોવામાં આવતા હતા. સરકારમાં બીજા ક્રમાંકના સૌથી મહત્ત્વના હોદ્દાનો હવાલો સંભાળી લેનાર 39 વર્ષના સૂનાક વડા પ્રધાનના કાર્યાલયની પાસે આવેલા નં.11 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સ્થળાંતર કરવા સજ્જ થઈ ગયા છે. ક્વિન ઍલિઝાબેથે પણ સૂનાકની નિમણૂકને ખુશી ખુશી વધાવી લીધી હતી. નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કરનાર યોર્કશાયરના રિચમન્ડના સાંસદ સૂનાક વર્ષ 2015માં પ્રથમવાર સંસદમાં પ્રવેશ્યા હતા અને ખૂબ જ ઝડપથી ઊભરી આવ્યા હતા. યુરોપિયન યુનિયનમાંથી ખસી જવાના જોન્સનના વ્યૂહને તેમણે ટેકો આપ્યો હતો.ફાર્માસિસ્ટ માતા અને નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના જનરલ પ્રેક્ટિશનર પિતાના યુકેમાં જન્મેલા પુત્ર સૂનાક ઑક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડના સ્નાતક છે.

રિલેટેડ ન્યૂઝ