રૂપિયા 285 કરોડમાં એક ‘ઇનિંગ્સ’ પૂરી!

મેલબર્ન તા.14
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક અને તેની પત્ની કાઈલી બોલ્ડીએ તેઓના સાત વર્ષના લગ્ન જીવનમાંથી ચાર કરોડ અમેરિકન ડોલર (અંદાજે 285 કરોડ રૂપિયા)ની પતાવટ સાથે છૂટાછેડા લીધા હોવાના અહેવાલ અહીં પ્રસાર માધ્યમોમાંથી જાણવા મળ્યા હતા.યુગલે તેમની ચાર વર્ષીય પુત્રી કેલસી લીની સાથે મળીને કાળજી રાખવાની સંમતિ દર્શાવી હતી.
અમુક સમય જુદા રહ્યા પછી અમે એકબીજાના માન સાથે છૂટાછેડાનો મુશ્કેલ નિર્ણય કર્યો છે, એમ ક્લાર્ક અને કાઈલીએ ઑસ્ટ્રેલિયાના એક અખબારમાં પ્રગટ થયેલા સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું.
બંને 38 વર્ષના યુગલે 2012માં લગ્ન કર્યા હતાં અને ક્રિકેટરે પોતાની નિવૃત્તિની જાહેરાત કર્યાના કેટલાક મહિના બાદ 2015માં તેઓને પુત્રી જન્મી હતી. ક્લાર્ક 2004-2015 વચ્ચે 115 ટેસ્ટ મેચમાં રમ્યો હતો જેમાં તેણે 28 સદી નોંધાવવા સાથે કુલ 8,643 રન (સરેરાશ 49.10) કર્યા હતા.
ઑસ્ટ્રેલિયાની ટીમના 2015ની વર્લ્ડ કપ વિજયી ટીમના કેપ્ટન ક્લાર્કે 245 વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભાગ લઈ કુલ 7,981 રન (સરેરાશ 44.58) કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ