અમેરિકામાં ટ્રમ્પના રાજમાં ‘બર્થ ટુરિઝમ’ પર રોક,’જન્મજાત નાગરિકતા’ના મુદ્દે આકરું વલણ

અમેરિકાની સરકારે વિઝાને લઈને કડક નિયમો કર્યા છે. ત્યારે પ્રેગ્નન્ટ મહિલાઓ અમેરિકા આવતી રોકવાનું પ્લાનિંગ તો પહેલેથી જ ચાલતુ હતું પરંતુ હવે અમેરિકાની સરકારે જાહેર કરી દીધુ છે કે બીજા દેશોમાંથી આવતી ગર્ભવતી મહિલાઓને ટેમ્પરરી વિઝા આપવામાં આવશે નહીં. અમેરિકામાં ‘બર્થ ટુરિઝમ’ પર રોક લગાવવા માટે આવા પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે. નવા નિયમથી ગર્ભવતી મહિલાઓ માટે ટુરિસ્ટ વિઝા પર મુસાફરી કરવી ખુબ કપરી રહેશે. કાયદા મુજબ ગર્ભવતી મહિલાઓએ વિઝા મેળવવા માટે કાઉન્સિલર ઓફિસરને સમજાવવું પડશે કે અમેરિકા આવવા માટે તેમની પાસે કોઈ બીજુ પણ વ્યાજબી મહત્વનું કારણ છે. ટ્રમ્પ પ્રશાસન શરૂઆતથી જ ઈમીગ્રેશનના તમામ રૂપો પર પ્રતિબંધો લગાવતું રહ્યું છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘જન્મજાત નાગરિકતા’ના મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે. જે હેઠળ બિન અમેરિકી નાગરિકોના બાળકોને અમેરિકામાં જન્મ લેતાની સાથે જ મળતી નાગરિકતાના અધિકાર ખતમ કરવાનું છે. રશિયા અને ચીન જેવા દેશોમાંથી અનેક મહિલાઓ બાળકોને જન્મ આપવા માટે અમેરિકા આવે છે.

અત્રે જણાવવાનું કે હજુ સુધી અમેરિકા સહિતના અનેક દેશોમાં બર્થ ટુરિઝમ ખૂબ ફૂલ્યું ફાલ્યું હતું. અમેરિકન કંપનીઓ આ માટે જાહેરખબરો પણ આપતી હતી અને હોટલ રૂમ અને આરોગ્ય સુવિધા માટે કેટલીક કંપનીઓ તો 80 હજાર ડૉલર સુધીની વસૂલાત કરતી. અમેરિકા પાસે આ પ્રકારનો કોઈ ડેટા તો નથી કે દર વર્ષે કેટલી વિદેશી પ્રેગનેન્ટ મહિલાઓ અમેરિકામાં બાળકોને જન્મ આપવા માટે આવે છે. પરંતુ કડક ઈમીગ્રેશન નિયમોના સમર્થક ગ્રુપ સેન્ટર ફોર ઈમીગ્રેશન સ્ટડીઝનું માનવું છે કે 2012માં લગભગ 36 હજાર વિદેશી મહિલાઓ બાળકોને જન્મ આપવા માટે અમેરિકા આવી અને પછી પાછી જતી રહી. જોકે, ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી આવી અનેક ખામી સામે કડક પગલાં લીધા છે.

રિલેટેડ ન્યૂઝ