પાકિસ્તાને કરતારપુર માટે સિધ્ધુને વીઝા મોકલ્યા

ઇસ્લામાબાદ,તા.8
પાકિસ્તાને ગુરુવારે જણાવ્યું હતું કે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુ 9મી નવેમ્બરે (આવતી કાલે) કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનમાં હાજરી આપી શકે એ માટે એણે તેમને વીઝા આપ્યા છે.
સિદ્ધુએ કરતારપુર કોરિડોરને લગતી ભૂમિપૂજનની વિધિ વખતે હાજરી આપી હતી અને હવે પાકિસ્તાન સરકારનું તેમને આવતી કાલના ઉદ્ઘાટન પ્રસંગ માટે પણ આમંત્રણ મળ્યું છે.
પાકિસ્તાનના એક અખબારના અહેવાલ મુજબ શાસક પક્ષના એક પ્રવક્તાએ કહ્યું હતું કે સિદ્ધુએ આ આમંત્રણ સ્વીકારી લીધું છે. પાકિસ્તાને સિદ્ધુને બાબા ગુરુનાનકના આ પવિત્ર સ્થળની મુલાકાત માટે વીઝા આપ્યા છે, એવી જાહેરાત વિદેશ ખાતાની કચેરીના પ્રવક્તા મોહંમદ ફૈઝલે તાજેતરમાં પત્રકારો સાથેની મુલાકાતમાં કરી હતી.
કોંગ્રેસના સંસદસભ્ય અને પંજાબના ભૂતપૂર્વ પ્રધાન સિદ્ધુએ કરતારપુર કોરિડોર ખાતેના આ પ્રવાસ માટે ભારતીય વિદેશ મંત્રાલય પાસે મંજૂરી માગી છે.
ગયા વર્ષે ઑગસ્ટમાં વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા આયોજિત ભૂમિપૂજનના સમારોહમાં પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાને ભેટવા બદલ ભારતમાં સિદ્ધુની ખૂબ ટીકા થઈ હતી. ત્યારે સિદ્ધુએ દાવો કર્યો હતો કે જનરલ બાજવાએ તેમને કરતારપુર કોરિડોર ખોલવા માટેના પ્રયાસો વિશે કહ્યું હતું.
મોહંમદ ફૈઝલને પાકિસ્તાનની એક ટીવી ચેનલે એવું કહેતા ટાંક્યા હતા કે ગુરુનાનક દેવની 550મી જન્મજયંતીના અવસરે આવનારા કરતારપુર યાત્રાળુઓ માટે પાસપોર્ટ ફરજિયાત નહીં રહે અને એ છૂટ એક વર્ષ લંબાવવામાં આવી છે.
પાકિસ્તાને 9મી નવેમ્બરથી 12મી નવેમ્બર સુધી આ સ્થળની મુલાકાત લેનાર યાત્રાળુ દીઠ 20 ડોલરનો સર્વિસ-ચાર્જ પણ નહીં લેવાની જાહેરાત કરી છે તેમ જ આ પ્રસંગે આ સ્થળની મુલાકાત લેવા સંબંધમાં 10 દિવસ અગાઉથી જાણ કરવાનો નિયમ પણ લાગુ નહીં થાય એવું જાહેર કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ