સરફરાઝની કેપ્ટન્સી: હતી તો ઉપાધિ, છીનવાઇ તો વધુ વ્યાધિ!

કરાંચી: વિકેટકીપર-બેટ્સમેન સરફરાઝ એહમદને ઉતાવળે નિર્ણય લઈને ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-ટ્વેન્ટી)ની ટીમના સુકાનીપદેથી કાઢી નાખવા બદલ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાક ક્રિકેટ બોર્ડને ખૂબ વખોડ્યું હતું. મોટા ભાગના પ્લેયરોએ આ નિર્ણયને અવ્યવહારું અને નૈતિક રીતે ખોટો ગણાવ્યો હતો. તેમણે નવા હેડ-કોચ તથા ચીફ સિલેક્ટર
મિસબાહ-ઉલ-હકને પણ નહોતો છોડ્યો અને બોલિંગ-કોચ વકાર યુનુસને પણ ટાર્ગેટ બનાવ્યો હતો.
સરફરાઝના સ્થાને ટેસ્ટ-સુકાની તરીકે અઝહર અલીને અને ટી-ટ્વેન્ટીના કેપ્ટન તરીકે બાબર આઝમને નિયુક્ત કરવામાં આવ્યો છે. વન-ડેનું નેતૃત્વ કોણ સંભાળશે એનો નિર્ણય હવે પછી લેવાશે.
એવું સંભળાય છે કે આ મહિને ટી-ટ્વેન્ટી તથા ટેસ્ટ-સિરીઝ રમવા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી પાક ટીમમાં સરફરાઝનો સમાવેશ નહીં કરવામાં આવે.
જાવેદ મિયાંદાદે કહ્યું હતું કે સરફરાઝે બે વર્ષમાં કેપ્ટન તરીકે ઘણેા અનુભવ લઈ લીધો હતો અને તેને એ હોદ્દા પરથી સાવ કાઢી નાખવાને બદલે તેને ફોર્મ પાછું મેળવવાની તક આપવી જોઈતી હતી. મને તો લાગે છે કે બાબર આઝમ ટી-ટ્વેન્ટી ટીમના નેતૃત્વનો ભાર નહીં ખમી શકે અને તેની બેટિંગ પર વિપરીત અસર થશે.
મોહસિન ખાને કહ્યું હતું કે સરફરાઝે પાક ટીમને ટી-ટ્વેન્ટીમાં નંબર-વન બનાવી હતી અને તે ગજબનો લડાકુ છે. બાબરની બેટિંગને ખરાબ અસર થવાનો ડર છે.
રાશિદ લતીફે કહ્યું હતું કે સરફરાઝ એહમદ જરાય સ્વાર્થી ખેલાડી નથી, પણ બાબર આઝમ સ્વાર્થી છે જેની ઝલક ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અને ડોમેસ્ટિક ટી-ટ્વેન્ટી લીગમાં જોવા મળી છે.
મોઇન ખાને કહ્યું હતું કે ક્રિકેટ બોર્ડે સરફરાઝ સાથે જે વર્તાવ કર્યો છે એનાથી મને આઘાત લાગ્યો છે.
દરમિયાન, પાક ક્રિકેટ બોર્ડે ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે સરફરાઝ એહમદને એ કેટેગરીના કોન્ટ્રેક્ટમાં જાળવી રાખવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ