ચીનમાં MBBS ભણવાની સંભાવના ઘટી

બેઇજિંગ તા.9
ભારતમાંથી ચીનમાં એમબીબીએસ કરવા જનારા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ચીને અંગ્રેજીમાં એમબીબીએસની બેઠકોની સંખ્યા ઘટાડી નાખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 200 સ્થાનિક મેડિકલ કોલેજ પૈકી ફક્ત 45 કોલેજોને અંગ્રેજીમાં એમબીબીએસ ભણાવવાની પરવાનગી આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનમાં જઇ એમબીબીએસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની સરખામણીમાં ચીનનું શિક્ષણ સસ્તું હોવાથી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓએ ભણવા માટે ચીન જઇ રહ્યાં છે.
એક અંદાજ મુજબ હાલમાં ચીનની યુનિવર્સિટીઓના વિવિધ અભ્યાસક્રમોમાં કુલ 23,000 ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. જ્યારે પાકિસ્તાનના 28,000 વિદ્યાર્થીઓ ચીનમાં ભણી રહ્યાં છે. ચીનની યુનિવર્સિટીઓમાં કુલ પાંચ લાખ વિદેશી વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. ચીનમાં ભણી રહેલા 23,000 વિદ્યાર્થીઓ પૈકી 21,000 વિદ્યાર્થીઓ એમબીબીએસ કરી રહ્યાં છે.
આ દરમિયાન ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરી જણાવ્યું છે કે ચાઇનિઝ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન(એમઓઇ)એ વિદેશી વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં એમબીબીએસ કરવા માટે 45 મેડિકલ કોલેજને મંજૂરી આપી છે. આ સિવાયની મેડિકલ કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં એમબીબીએસ કરી શકશે નહીં.

રિલેટેડ ન્યૂઝ