40 અન્ડર 40: વૈશ્ર્વિક યાદીમાં 2 ભારતીય સમાવિષ્ટ

ન્યુયોર્ક તા,9
અમેરિકાના મેગેઝીન ફોચ્ર્યુને બિઝનેસ ક્ષેત્રમાં 40થી ઓછી ઉંમરના 40 પ્રભાવશાળી લોકોની 2019ની યાદીમાં ઈન્ટેલના વાઈસ પ્રેસિડન્ટ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેર અને એઆઈ લેબ) અર્જુન બંસલ અને ફેશન પ્લેટફોર્મ જિલિંગોના સીઈઓ અને કો-ફાઉન્ડર અંકિતી બોઝને સ્થાન મળ્યું છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, 35 વર્ષના બંસલની ટીમમાં લગભગ 100 કર્મચારીઓ સામેલ છે, જે અમેરિકા, ઈઝરાયલ અને પોલેન્ડમાં ફેલાયેલા છે. તેમના સહયોગી સતત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજી પર કામ કરે છે અને ઈન્ટેલની સિલિકન ચિપને નવા એઆઈ સોફ્ટવેર સાથે યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. ઈન્ટેલના એક મહત્વપૂર્ણ એઆઈ પ્રોજેક્ટ નિર્વાણા દ્વારા વિકસિત વિશેષ કોમ્પ્યુટર ચિપ છે. નિર્વાણા સ્ટાર્ટઅપના કો-ફાઉન્ડર બંસલ જ હતા. ઈન્ટેલએ 2016માં તેનું 2500 કરોડમાં ટેકઓવર કર્યું હતું.
27 વર્ષના અંકિતી બોઝએ 4 વર્ષ પહેલા સિંગાપુર બેઝ્ડ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તેમણે આ સ્ટાર્ટઅપ ત્યારે શરૂ કર્યું હતું, જ્યારે બેંગકોકના ચાતુચક બજારમાં ફર્યા બાદ તેમને જાણવા મળ્યું કે, અહીં વેપારીઓની પાસે ઓનલાઈન સામાન વેચવાનું કોઈ સાધન ઉપલબ્ધ નથી. બોસના આ સ્ટાર્ટઅપમાં આજે 8 દેશોમાં કર્મચારીઓની સંખ્યા 600 પર પહોંચી ચૂકી છે. તેમની કંપનીની વેલ્યુ 97 કરોડ ડોલરની આસપાસ છે.

રિલેટેડ ન્યૂઝ