ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલ રકમ ચૂકવી આપી હોવા છતાં વધુ રકમની માંગણી કરી ત્રણ શખ્સે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ કે.પી.ઈ.એસ. કોલેજની પાછળના ભાગે રહેતા યુવાન યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા કૃણાલ ભટ્ટ પાસેથી રૂા.20,000/-20 ટકાના વ્યાજે લીધા હતા અને ઓનલાઇન તેમજ રોકડ મળી કુલ રૂ.40,000/- પરત આપી દીધા હોવા છતાં તેની પાસે વધુ રૂા.20,000/- ની પઠાણી ઉઘરાણી કરતા હતા.
ગઈકાલે યુવરાજસિંહ ગોહિલ તેના મિત્ર સાથે સરદારનગર વિસ્તારમાં બેઠા હતા ત્યારે સંદીપ બાબરીયા એ ફોન કર્યા બાદ કૃણાલ ભટ્ટ, સંદીપ બાબરીયા અને વિશાલ ભરવાડ બાઈક ઉપર આવ્યા હતા અને રૂા.20,000/- ની ઉઘરાણી કરી સંદીપ બાબરીયા અને વિશાલ ભરવાડે હાથમાં પહેરેલ કડા વડે માર મારી ઇજા પહોંચાડી હતી અને ધમકી આપી જતા રહ્યા હતા.
આ બનાવ અંગે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલે કૃણાલ ભટ્ટ, સંદીપ બાબરીયા અને વિશાલ ભરવાડ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

