ગામમાં વિવાદ- તંગદિલી સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ચૂંટણી ટાણે જ શાંતિ ડહોળવા પ્રયાસ
ગોંડલ તાલુકાના મોવીયા ગામે ડો.આંબેડકર જયંતિની મધરાત્રે બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં મંજુરી વગર ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું સ્થાપન થઇ જતા ગામમાં વિવાદ છેડાયો છે અને વાતાવરણ ભંગ બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણી સમયે જ ગામની શાંતિ ડહોળવાના પ્રયાસથી ભારે ચકચાર જાગી છે.
અનુસૂચિત સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 15 થી 20 વર્ષથી બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા માટે ગ્રામ પંચાયત પાસે યોગ્ય જગ્યાની માંગણી કરી રહ્યા હતા. વારંવારની રજૂઆતો છતાં માત્ર આશ્વાસનો મળતા હોવાથી, અંતે બાબા સાહેબની 135મી જન્મ જયંતિના અવસરે સામાજિક કાર્યકર વિજયભાઈ સાંડપા અને અન્ય આગેવાનોએ જૂના બસ સ્ટેન્ડ ચોક પાસે રોડથી 50 ફૂટ અંદર પ્રતિમા સ્થાપિત કરી દીધી હતી.
સામાજિક કાર્યકર વિજયભાઈ સાંડપાએ આક્ષેપ કર્યો છે કે પ્રતિમા કોઈને પણ નડતરરૂૂપ નથી, તેમ છતાં કેટલાક સ્થાનિક આગેવાનો અને પંચાયતના સભ્યો ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ગંભીર ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “ચૂંટણીના માહોલમાં રાજકીય રોટલા શેકવા માટે મૂર્તિ હટાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જો પ્રતિમા ખસેડવાનો પ્રયાસ થશે તો હું આત્મવિલોપન કરીશ.”
પ્રતિમા સ્થાપિત થયા બાદ 100 થી વધુ લોકો ’જય ભીમ’ના નારા સાથે ધરણા પર બેસી ગયા હતા. દલિત આગેવાનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવા છતાં ગ્રામ પંચાયતમાં ટોળા ભેગા કરી ગુપ્ત બેઠકો કેવી રીતે યોજવામાં આવી રહી છે? આ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવશે.
ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1 DYSP 3 PI અને અનેક PSI, LCB બ્રાન્ચ સહિતનો વિશાળ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ ગામમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ પરંતુ તણાવપૂર્ણ છે. વહીવટી તંત્ર આ સંવેદનશીલ મુદ્દે કયા પ્રકારનો મધ્યસ્થી રસ્તો કાઢે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

