ક્રાઇમ
કારખાનેદાર વ્યાજના વિષચક્રમાં ફસાયો, પ્લોટ-કારખાનું પડાવી લેવા ધમકી
કોરોના કાળમાં કારખાનેદારનો ધમધોકાર ચાલતો ધંધો પડી ભાંગ્યો, કારખાના બનાવવા છ વ્યાજખોર પાસેથી 1.40 કરોડ વ્યાજે લીધા
અડધી રક્મ ભરપાઇ કરી, રકમ ચૂકવી ન શકતા વ્યાજખોરો ઘરે અને રસ્તામાં મળે ત્યારે ધમકી આપતા
રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. કુવાડવા પાસે આવેલા સોખડા ગામે રહેતા કારખાનેદારને છ વ્યાજખોરે ધમકી આપી અને કારખાનું તેમજ કિંમતી પ્લોટ પડાવી લેવા અનેકવાર ધમકી આપતા વ્યાજખોરોના ત્રાસને કારણે કારખાનેદારે એકવાર આપઘાતનો પ્રયાસ પણ ર્ક્યો હતો. પોલીસ ફરિયાદમાં કારખાનેદારે જણાવ્યું હતુ કે, વ્યાજખોરો પાસેથી ધંધો સેટ કરવા માટે 1.40 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. તેની સામે અડધી રક્મ ચૂકવી હતી. ત્યાર બાદ કોરોના કાળમાં ધંધો ભાંગી જતા તેમજ આર્થિકભીંસમાં આવી જતા પોતે બેન્કના હપ્તા કે વ્યાજખોરોને નાણા આપી શક્યા ન હોતા.
જેને કારણે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ કરતા પોલીસ કમિશનરને અરજી ર્ક્યા બાદ કુવાડવા રોડ પોલીસ મથકમાં છ શખ્સો સામે ફરિયાદ નોંધવા આવી છે. મળતી વિગતો મુજબ, સોખડા ગામે રહેતા રમેશભાઇ ભીમજીભાઇ ડાભી (ઉ.વ.42)એ પોતાની ફરિયાદમાં વીજય વશરામ રાઠોડ, સંજય રમેશ રાઠોડ, મહેશ કેસુ ગોરીયા, રેમશ વશરામ રાઠોડ, પ્રતિપાલસિંહ ગીરીરાજસિંહ જાડેજા અને છત્રપાલસિંહ જાડેજા વિરુદ્ધ વ્યાજખોરી તેમજ ધમકી આપ્યાની અંગેની ધમકી બળજબરીથી પડાવવા અંગેની ક્લમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. રમેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેઓ હાલ ઇમીટેશનનું કામ કરે છે. બાર વર્ષ પહેલા પોતે ઇમીટેશનનું કારખાનું ધરાવતા અને તેઓને કામ ધંધો સારો ચાલતો હોય તેથી તેઓને મોટો પ્રોજેક્ટ શરૂ કરવાનો હતો.
તેઓને રૂપિયાની જરૂર હોય જેથી 2017ની સાલના સોખડા ગામની જમીન અને શ્રી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં આવેલો પ્લોટમાં બાંધકામ કર્યુ હતું. જેમાં એક કરોડ અને 90 લાખનો ખર્ચો થયો હતો. જેથી તેઓને પૈસાની જરૂર પડતા ભક્તિનગર પાસે આવેલી બેન્કમાંથી 99 લાખની લોન લીધી હતી અને બે વર્ષ બાંધકામ નીકળી ગયા હતા. આ વખતે બીજા કારખાના માટે નાણાની જરૂર હોય બેન્કમાંથી લોન ન મળતા તેઓએ વિજય રાઠોડ અને તેમના ભત્રીજા સંજય રાઠોડ પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. તેઓને સમયસર વ્યાજ ચૂકવતા હતા. ત્યાર બાદ વધુ પૈસાની જરૂર પડતા વિજયે 40 લાખ રૂપિયા મહેશ ગોરીયા પાસેથી અપાવ્યા હતા. આ લોકોને વ્યાજે લીધેલા નાણાની સામે 54 લાખ રૂપિયા આપી દીધા હતા. ત્યાર બાદ કોરોના કાળ આવતા ધંધામાં મંદી આવી ગઇ હતી અને તેઓને નાણા આપી શક્યા ન હોતા.
ત્યાર બાદ વિજય અને સંજયે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. તેઓને કારખાનું વેંચી પૈસા ચૂકવી દઇશ તેમ પણ જણાવ્યું હતું. ત્યારે સંજયે વ્યાજની રક્મ સામે કારખાનું માંગતા ફરિયાદી રમેશભાઇએ કારખાનાની કિંમત પાંચ કરોડ છે. જેથી કારખાનું હમણાં વેંચી શક્યા તેમ નથી. તેમ કહ્યું હતું. ત્યાર બાદ 2023ની સાલમાં તેમના ઓળખીતા છત્રપાલસિંહ જાડેજાને પૈસાની વાત કરતા તેઓએ પ્રતિપાલસિંહ જાડેજા જેઓની ઓફીસ યાજ્ઞીકરોડ ઉપર સ્વામિવિવેકાનંદના પૂતળા સામે આવેલી હોય ત્યાંથી 60 લાખ અપાવ્યા હતા. તેમનું પણ તેઓ વ્યાજ ભરતા હતા. પરંતુ અમુક સમય બાદ આર્થિકભીંસમાં આવી જતા રમેશભાઇ તેઓને હપ્તા આપી શક્યા ન હોતા. જેથી છત્રપાલસિંહ દ્વારા મામલતદાર કચેરીએ કિંમતી પ્લોટનું સાટા કરાર કરાવી લીધો હતો અને જ્યાં સુધી નાણા ન આપે ત્યાં સુધી આ સાટા ખાતની મુદત વધતી જશે. તેમ જણાવ્યું હતુ. ત્યાર બાદ તમામ વ્યાજખોરો ઘરે આવી અને રસ્તામાં ધમકીઓ આપતા હતા. આ મામલે વ્યાજખોરોથી ત્રાસી જઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વ્યાજખોરોના ત્રાસ-ધમકીથી કંટાળી કારખાનેદારે આપઘાતનો પ્રયાસ ર્ક્યો’તો
પાંચેય વ્યાજખોરો ઘરે આવી અને રસ્તામાં ધમકી આપતા હોય જેથી ફરિયાદી રમેશભાઇ ડાભીએ કંટાળી જઇ 22/7/2024ના રોજ રાત્રીના સમયે શાકભાજીમાં છાંટવાની દવા પી લઇ આપઘાતનો પ્રયાસ ર્ક્યો હતો. આ સમયે પોતે ચાર દિવસ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહ્યા હતા.
પ્લોટ પર લીધેલી લોનના હપ્તા ન ભરાતા બેંકે હરાજી કરી નાખી
2024ની સાલમાં બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ફરિયાદી રમેશભાઇના પ્લોટની હરાજી કરવાની નોટીસ આપી હતી. આ પ્લોટ વિજયભાઇ વશરામભાઇ ખરીદતા હોવાનું જાણવા મળતા તેમને પ્લોટ નહીં ખરીદવા જણાવ્યું હતું. તેમજ તેઓએ ધમકી આપતા જણાવ્યું હતુ કે, બાજુનું પ્લોટ પણ લઇ લેશું અને મકાન પણ ખાલી કરાવી નાખીશું. વિજયએ આ પ્લોટ 1.60 કરોડમાં ખરીદી લીધો હતો. આ પ્લોટની બાંધકામ સહિત 2.50 કરોડની કિંમત થતી હોય બેંકે સસ્તામાં પ્લોટની હરાજી કરી નાખી હોવાનો આક્ષેપ ર્ક્યો હતો.