પાલિકા-મહાપાલિકાઓ માટે તા.30 એપ્રિલે અને તાલુકા-જિલ્લા પંચાયતો માટે 3 મેના રોજ મતદાન થવાની શકયતા, પાંચ મેએ પરિણામ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીઓને લઈને રાજકીય અને વહીવટી સ્તરે ગતિવિધિઓ તેજ બની છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની સમાપ્તિ બાદ રાજ્યમાં આચારસંહિતા લાગુ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે અને એપ્રિલના અંતથી મતદાન પ્રક્રિયા શરૂૂ થઈ શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે આગામી 30 એપ્રિલે મતદાન યોજાઈ શકે છે. ત્યારબાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ત્રીજી મેના રોજ મતદાન થવાની શક્યતા છે. જો આ સંભાવિત કાર્યક્રમ મુજબ પ્રક્રિયા આગળ વધે તો પાંચમી મેના રોજ તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પરિણામો એકસાથે જાહેર કરવામાં આવી શકે છે.
જોકે ચૂંટણીના સંભવિત કાર્યક્રમમાં એકાદ સપ્તાહનો ફેરફાર થવાની શક્યતા પણ નકારી શકાય તેવી નથી. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ ખાસ કરીને ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ વધુ ગંભીર બને તો ચૂંટણી કાર્યક્રમ અંગે અનિશ્ચિતતા પણ ઉભી થઈ શકે છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તૈયારીઓ ઝડપી બનાવી દેવામાં આવી છે. જિલ્લા કક્ષાએ અધિકારીઓને જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મતદાન પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે વિવિધ તબક્કાની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. મતદાન મથકોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા, ચૂંટણી કર્મચારીઓની નિમણૂંક તેમજ ઇવીએમ મશીનોની ચકાસણી જેવી કામગીરીઓ પણ ચાલી રહી છે.
આ વખતે રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકા, 83 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયત માટે મતદાન યોજાવાનું છે. આ ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી અનામત સાથે બેઠકો ફાળવવામાં આવશે. આ અનામતને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો પોતપોતાના સામાજિક અને રાજકીય સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે. ચૂંટણી નજીક આવતાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોએ સંગઠનાત્મક સ્તરે તૈયારીઓ તેજ કરી દીધી છે. ઉમેદવારોની પસંદગી, સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા અને પ્રચારની વ્યૂહરચના ઘડવાની પ્રક્રિયા પણ શરૂૂ થઈ ગઈ છે.
ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે ચૂંટણી પંચે તાજેતરમાં ’માસ્ટર ટ્રેનર્સ’ ની નિમણૂક પણ કરી છે. આ માસ્ટર ટ્રેનર્સ જિલ્લા અને તાલુકા સ્તરે અધિકારીઓને તાલીમ આપશે જેથી મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ તકલીફ ન સર્જાય. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના પણ જાહેર કરવામાં આવી છે. જે ઇમારતોનો ઉપયોગ મતદાન મથક તરીકે થવાનો છે, તેવી ઇમારતોને તોડવા અથવા પાડવા પર હાલથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ મતદાનના દિવસે કોઈ પ્રકારનો અવરોધ ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો છે.
બજેટ સત્ર પૂરૂ થતાં જ આચારસંહિતા લાગુ થઈ શકે
ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, વિધાનસભાના બજેટ સત્ર પૂર્ણ થતાં જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ શકે છે. આ સંકેતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલા વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા અને કેટલીક યોજનાઓના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવા માટે દોડધામ શરૂૂ થઈ છે. એકવાર ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ જશે ત્યારબાદ આચારસંહિતા અમલમાં આવશે અને નવી યોજનાઓની જાહેરાત અથવા લોકાર્પણ જેવી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લાગી જશે. આવી સ્થિતિમાં રાજ્યના રાજકીય માહોલમાં આગામી દિવસોમાં વધુ ગરમાવો જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

