અમેરિકાની ટેરિફની ધમકી વચ્ચે પણ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.. ભારતે જુલાઈ મહિનામાં વિક્રમજનક ક્રૂડ ઓઇલની આયાત કરી છે. ભારતે જુલાઈ મહિનામાં પ્રતિ દિવસ અંદાજે 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. તેમાં રશિયા પાસેથી જ પ્રતિ દિવસ 27થી 28 લાખ બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી કરવામાં આવી હતી. આ સાથે પહેલી વખત ભારતની કુલ ક્રૂડ આયાતમાં રશિયાનો હિસ્સો 50 ટકાને વટાવી ગયો છે.
ભારતને ક્રૂડ ઓઇલ સપ્લાય કરનારા દેશોમાં યુએઈ અને સાઉદી અરેબિયા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. જોકે, બંને દેશોનો સંયુક્ત પુરવઠો પણ રશિયા કરતાં ઓછો રહ્યો છે.
મહત્વની વાત એ છે કે એક તરફ અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપીને રશિયા પાસેથી આયાત યથાવત રાખી છે.
કેપ્ચર સિનિયર રિસર્ચ એનાલિસ્ટ નિખિલ દુબેના જણાવ્યા અનુસાર, ભારતની ઊર્જા સ્ત્રોતોનું વૈવિધ્યીકરણ કરવાની વ્યૂહરચના સફળ રહી છે. તેના કારણે વૈશ્વિક ભૂરાજકીય તણાવ વચ્ચે પણ દેશમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો સ્થિર રહ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું કે રશિયા દ્વારા ડિસ્કાઉન્ટ દરે ક્રૂડ ઓઇલ ઉપલબ્ધ કરાવવામાં આવતું હોવાથી ભારતના આયાત ખર્ચમાં રાહત મળી છે, જે રાજકોષીય ખાધને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ બની છે.
પશ્ચિમ એશિયામાં પુરવઠાને લઈને અનિશ્ચિતતા વચ્ચે રશિયા ભારત માટે વિશ્વસનીય અને સૌથી મોટા ક્રૂડ ઓઇલ સપ્લાયર તરીકે વધુ મજબૂત રીતે ઉભરી આવ્યું છે.
