Site icon Gujarat Mirror

બ્રિક્સમાં નેતાઓ માંદા પડ્યાના દાવાને ‘ફેક એલર્ટ’ કહી ભારતે આપી ચેતવણી

વિદેશ મંત્રાલયે (ખઊઅ) સોશિયલ મીડિયા પરની એવી પોસ્ટ્સને ફગાવી દીધી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ વિશ્વના અનેક નેતાઓ બીમાર પડ્યા હતા. મંત્રાલયે ઓનલાઇન ફેલાતી આવી “દૂષિત પોસ્ટ્સ” સામે ચેતવણી પણ આપી છે.

MEAના ફેક્ટ-ચેક યુનિટે ’ડ’ (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કર્યું: “ખોટી માહિતીની ચેતવણી (Fake Alert)અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી દૂષિત પોસ્ટ્સ સામે ચેતવણી આપીએ છીએ!”

આ ચેતવણી બ્રિક્સ સમિટમાં હાજરી આપનારા નેતાઓ – જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનો સમાવેશ થાય છે – તેમના સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓની વચ્ચે આવી છે.

’ચાઇના ડેમોક્રસી પાર્ટી’ના અધ્યક્ષ વાનજુન ઝીએ કરેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બ્રિક્સ સમિટ દરમિયાન શી બેભાન થઈ ગયા હતા અને તેમને સ્ટ્રોક આવ્યો હતો, ત્યારબાદ સારવાર માટે તેમને વિમાન દ્વારા બેઇજિંગ લઈ જવામાં આવ્યા હતા. ચીની સત્તાવાળાઓ કે વિશ્વસનીય સમાચાર માધ્યમો દ્વારા આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

અહેવાલો અનુસાર, શી સમિટના રાત્રિભોજનમાં સામેલ ન થયા બાદ આ દાવાએ ચર્ચા જગાવી હતી. જોકે, ચીની રાષ્ટ્રપતિને સ્ટ્રોક આવ્યો હતો અથવા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

બીજી તરફ, ભારતમાં બ્રિક્સ સમિટમાંથી પરત ફર્યા બાદ રામાફોસાએ જાહેર કાર્યક્રમોમાંથી અંતર જાળવ્યું હતું. બુધવારે તેમના કાર્યાલયે જણાવ્યું હતું કે ડોક્ટરોએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિને ખરાબ સ્વાસ્થ્યને કારણે આરામ કરવાની અને સ્વસ્થ થવાની સલાહ આપી છે. તેમની બીમારીના પ્રકાર કે ગંભીરતા વિશે કોઈ વિગતો આપવામાં આવી ન હતી.

Exit mobile version