Site icon Gujarat Mirror

રેશનિંગના દુકાનદારોની કાલથી અચોક્કસ મુદતની હડતાળ, કરોડો લાભાર્થીને હાલાકી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં એક તરફ ભાજપના પ્રતિનિધિઓ પ્રચાર દરમિયાન સરકાર દ્વારા સુચારૂૂ શાસનના દાવા કરી રહ્યા છે ત્યારે રેશનિંગની દુકાનદારોના એસોસિએશન દ્વારા 19 એપ્રિલ-અખાત્રીજથી જ અચોક્કસ મુદતના આંદોલનની જાહેરાત કરી દેવાઇ છે. એપ્રિલ માસમાં હજુ રેશનિંગ કાર્ડધારકોને અનાજનો વિતરણનો જથ્થો હજુ મોટાભાગની દુકાનોમાં પૂરેપૂરો વહેંચાયો નથી ત્યારે હડતાલના કારણે કરોડો લાભાર્થીઓને અનાજ મેળવવામાં હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પૂર્વે માંડ નવ દિવસ બાકી રહ્યા છે તે પૂર્વે જ ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશને પુરવઠા વિભાગ દ્વારા મનઘડંત નિર્ણયો રેશનિંગની દુકાનના સંચાલકો ઉપર લાગુ કરી દેવાયાનો દાવો કરીને રવિવારથી અસહકારના આંદોલનની જાહેરાત કરી છે. એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પુરવઠા વિભાગના અધિકારીઓને અગાઉ રજૂઆતો કરી હતી તે પછી પણ પડતર પ્રશ્નોનો કોઇ હકારાત્મક ઉત્તર ના મળતા આંદોલન કરવાનું એલાન અપાયું છે. એપ્રિલ માસ અડધો પૂર્ણ થઇ ગયો હોવા છતાં અનેક રેશનિંગની દુકાનોમાં ચાલુ મહિનાનો અનાજ વિતરણ કરવા માટેનો જથ્થો પહોંચ્યો નથી.

બીજી તરફ પુરવઠા વિભાગના તંત્ર દ્વારા આગામી મે અને જુન એમ બે મહિનાનો જથ્થો એકસાથે એડવાન્સમાં લઇ લેવા માટે સો ટકા ચલણ જનરેટ કરવા દુકાનદારોને સૂચના આપી છે. તેના કારણે દુકાનદારોમાં રોષની લાગણી ફેલાઇ છે. એસોસિએશનના કહેવા મુજબ રેશનિંગની દુકાનો નાની દસ બાય દસની હોય છે અને તેમાં એકસાથે બે મહિનાનો જથ્થો એડવાન્સમાં રાખી શકાય તેટલી જગ્યા હોતી નથી. તેથી વિતરણની રાબેતા મુજબની વ્યવસ્થા જ રાખવી જોઇએ તેવી માગણી છે. તે સાથે 17 હજાર રેશન સંચાલકોને દર મહિનાની એકથી પાંચ તારીખ સુધીમાં અચૂક કમિશન મળી જાય તેવી વ્યવસ્થા અમલી કરવા પણ માગણી છે. જો પ્રશ્નો નહીં ઉકેલાય તો રેશનિંગના દુકાનદારો મે મહિના માટેના અનાજ-કઠોળ, ખાંડ-મીઠ્ઠુ વિગેરેના જથ્થાની પરમિટ નહીં કઢાવે.

Exit mobile version