Site icon Gujarat Mirror

ખોડિયારનગરમાં સસરા અને જેઠાણીઓના ત્રાસથી વિધવાએ ફિનાઇલ પીધું : દાગીના પડાવ્યાનો આક્ષેપ

શહેરમાં એસી ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરામાં ખોડિયારપરા-3માં રહેતી વિધવાએ જેઠાણીના ત્રાસ અને સસરાએ ઘરેણાં પડાવી લેતા ફીનાઇલ પી લીધું હોવાના આક્ષેપ સાથે મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં એસી ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરામાં ખોડિયારપરા-3માં રહેતી વિધવા લત્તાબેન દિપકભાઈ પરમાર (ઉ.વ.35)એ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવતા થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. લત્તાબેનના જણાવ્યા મુજબ તેના લગ્ન દિપક પરમાર સાથે થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. માવતર મોરબીના સજ્જનપર ધુનડા ગામે રહે છે. પતિનું દોઢેક વર્ષ પહેલા કમળાની બિમારીથી અવસાન થયું હતું. આ પછી સાસરિયાએ ત્રાસ ચાલુ કર્યો છે. પોતાના ઘરેણા પણ લઇ લીધા છે અને ઘરમાંથી નીકળી જવાનું કહે છે. બે સંતાનને લઇને પોતે હવે ક્યાં જાય? તેની ચિંતામાં ફિનાઇલ પી લીધું હોવાનું જણાવ્યું હતું.

બીજા બનાવમાં કેસરી પુલ નીચે આવેલા ખોડીયારપરા રહેતી મુસ્કાન યુસુફભાઈ શાહમદાર નામની 24 વર્ષની યુવતી પોતાના ઘરે હતી. ત્યારે કોઈ અગમ્ય કારણસર જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version