અન્ય એક મંત્રીના કાફલા ઉપર હુમલો, નીતિશ રાજ સામે લોક રોષ ભડકયો
બિહારની રાજધાની પટણામા આરોગ્ય મંત્રી મંગલ પાંડેના કાફલા પર થયેલા હુમલા બાદ, હવે મુખ્યમંત્રી નીતિશ કુમારના બીજા મંત્રી શ્રવણ કુમાર પર હુમલો કરવામાં આવ્યો છે.
મંત્રી શ્રવણ કુમાર નાલંદા જિલ્લામાં ટોળાના નિશાના પર આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલા દરમિયાન, ટોળાએ શ્રવણ કુમારના કાફલાનો 1 કિલોમીટર સુધી પીછો કર્યો હતો. આ હુમલામાં કેટલાક સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું પણ પ્રકાશમાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંત્રી શ્રવણ કુમાર હુમલામાં માંડ બચી ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિહારના ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમારને ટોળાએ ઘેરી લીધા હતા.
આ પછી, તેમના પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાં હાજર તેમના સુરક્ષા કર્મચારીઓએ કોઈક રીતે મંત્રીને બચાવી લીધા. ટોળાએ મંત્રીના કાફલાનો લાંબા અંતર સુધી પીછો કર્યો. તમને જણાવી દઈએ કે શ્રવણ કુમાર નાલંદાના રહેવાસી છે.
મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં નાલંદાના હિલસા સ્ટેટ હાઇવે પર થયેલા માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ બિહાર સરકારના મંત્રીએ મૃતકોના પરિવારના સભ્યોને મળ્યા અને તેમને સાંત્વના આપી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક અહીં ભીડ હિંસક બની ગઈ અને ત્યારબાદ મંત્રી શ્રવણ કુમારને ત્યાંથી જવું પડ્યું. હિલસાના માલવણ ગામમાં મંત્રી શ્રવણ કુમાર પર હુમલો કરવામાં આવ્યો.
ત્રણ દિવસ પેહલા જ પટણામા બિહાર સરકારના મંત્રી મંગલ પાંડેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. વાસ્તવમા પટણામા ભાઈ અને બહેનના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા લોકો અટલ પથ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા .
આ દરમિયાન મંગલ પાંડેનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પરંતુ અચાનક લોકોએ મંગલ પાંડેના કાફલા પર હુમલો કર્યો. મંગલ પાંડે હુમલામાંથી બચી ગયા હતા ગુસ્સે ભરાયેલા ટોળાએ અટલ પથ પર પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો. આ હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પોલીસે અહીં લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી હતી. લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

